કોફી કથા : ભારતમાં ફોફીના આગમન અંગે ઘણી કથાઓ છે. એક જાણીતી કથા એ છે કે ઘણા ઘણા વર્ષો પહેલા બાબા બુદાન નામના એક સુફી સંતે યેમનમાંથી કોફીના બીજની ચોરી કરીને ભારતમાં એની ખેતીની શરૂઆત કરેલી. યેમન પહોંચવું અને ત્યાંથી કોફીના બીજ ( green beans)ચોરી લાવવાનું એટલું સરળ નહોતું કારણકે યેમન સરકારે ફક્ત રોસ્ટેડ બીનના વેપારની મંજુરી આપેલી હતી. ત્યાંથી લીલા બીજની દાણચોરી શક્ય જ નહોતી.
૨૦૨૫ના પ્રારંભે સમાચાર એ છે કે દેશની કોફીની નિકાસ એક બિલિયન ડોલરના મેજિક આંક પર પહોંચી ગઈ છે!
કોફીની નિકાસ માટે જાણીતા બ્રાઝીલ અને વિયેટનામ જેવા દેશોની તુલનામાં આપણે દૂર જ છીએ , તેમ છતાં આ આંક ઘણો જ સન્માન જનક ગણાય.
હજુ વીસમી સદીના પ્રારંભે તો આપણે કોફીને પશ્ચિમથી આવેલ એક દુર્ગુણ જ ગણતા હતા. પરંતુ પછી કહાનીમાં ટ્વિસ્ટ એ આવી કે તત્કાલીન સમાજના જે ભદ્ર લોકો હતા એ લોકોએ પોતાને અન્ય જાતીઓથી ઊંચા દર્શાવવા માટે કોફી પીવાનું શરુ કર્યું. એ સમયે વિશેષ તો ભદ્રસમાજની મહિલાઓ દિવસમાં બબ્બે –ત્રણ ત્રણ વાર કોફી પીતી હતી.
ગાંધીજીએ જયારે દેશમાં સ્વદેશ આંદોલન શરુ કર્યું ત્યારે, તત્કાલીન મદ્રાસ રાજ્યના એક નાગરિકે ગાંધીજીને એક નાનકડો પત્ર પાઠવીને આ બાબતે કહેલું કે “ મદ્રાસમાં આપણી સ્વદેશી ચળવળ સામેનું મોટામાં મોટું કોઈ વિઘ્ન હોય તો તે આપણી મહિલાઓ છે. હાઈક્લાસ બ્રાહ્મણની ઘણીબધી મહિલાઓને હવે દિવસમાં બે થી ત્રણવાર કોફી પીવાની આદત થઇ ગઈ છે”.
ઇતિહાસકાર એ આર વેંકટચલપતિ નોંધે છે કે “ અન્ય જાતિના લોકો એ સમયે આથેલા ચોખાની રાબ પીતા હતા. ભદ્રસમાજના લોકોએ એ ગરીબવર્ગથી પોતાને અલગ દેખાડવા માટે કોફી પીવાનું શરુ કરેલું”
અત્યારે ભારત કોફી કલ્ચરના ત્રીજા મોજામાં ગણાય છે. કોફી સંશોધન બાબતે આપણે ઘણા આગળ વધી ચુક્યા છીએ. કોફી પીનારા દેશોની સ્પર્ધા કરવાનું હજુ ઘણું દોર છે કારણકે આપણે ચાના શોખીન ગણાઈએ છીએ. એક જમાનો હતો જયારે ટેસ્ટી કોફી પીવા માટે આપણે સિટીના એકાદ બે જાણીતા કોફી હાઉસીઝમાં ખાસ જવું પડતું. એ દિવસો હવે પુરા થયા છે. આજે તો બધી જ પેઢીના લોકો કોફીનો સ્વાદ માણે છે!
૧૯૮૩માં હું જયારે વડોદરામાં નવો નવો આવેલો ત્યારે ફતેગંજમાં કોઈ ઈરાની હોટેલ હતી જ્યાં એકાદ બે વાર હું ગયેલો. ત્યાં પરદેશી લોકો ખાસ કોફી પીવા આવતા , એવું કંઇક યાદ આવે છે. ‘કેનેરા કોફી હાઉસ’ પણ હતું જ્યાં હું એકવાર એક પરદેશી મિત્ર સાથે કોફી પીવા ગયેલો.
More Stories
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી
વતન : દાલ-બાટીના ચટાકાથી રાજસ્થાની કુલ્ફી સુધી