જીવદયા પ્રેમીઓ ખુશ થઈ જાય એવા સમાચાર મેક્સિકોથી આવી રહ્યા છે. મેક્સિકોમાં દુનિયામાં સૌ પ્રથમ વાર કેક્ટસ(થોર)માંથી લેધર બનાવવાનો સફળ પ્રયોગ થયો છે.
એડ્રીન અને માર્કતે નામના બે ડિઝાઇનર મિત્રોએ થોરમાંથી લેધર બનાવ્યું છે. આ બંને મિત્રો ચામડાના વિરોધીઓ છે કારણ કે તેઓ એવું માને છે કે ચામડું પર્યાવરણ માટે હાનિકારક છે. એક તો એને માટે જીવ હિંસા કરવી પડે છે અને બીજું ઘણા ખરા કિસ્સાઓમાં એને પ્લાસ્ટિકનું કોટિંગ કરવામાં આવે છે આથી એમણે ઇકો ફ્રેન્ડલી લેધર બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. મેક્સિકોમાં કેક્ટસ પુષ્કળ માત્રામાં થાય છે – બીજા શબ્દોમાં કહીએ તો કેક્ટસ મેક્સિકોની ઓળખ છે એના કાંટાને કારણે એ થોડું ઉપેક્ષિત છે પણ એ છોડ પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી છે કારણ કે એને ઉછેરવા માટે ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે, કોઈ પ્રકારના કેમિકલ્સ કે પેસ્ટીસાઇડની જરૂર પડતી નથી અને મિથેન પોલ્યુશન તો જરાય નથી કરતું.
આટલા બધા ફાયદા ખરા પણ કેક્ટસમાંથી લેધર બનાવવાની પ્રક્રિયા સરળ નથી. આ બંને મિત્રોએ સતત બે વર્ષ સુધી સખત મહેનત અને પોતાની તમામ બચત આ પ્રયોગો પાછળ ખર્ચી નાખી. છેવટે એમને પરિણામ મળ્યું. કેક્ટસમાંથી કાંટા દૂર કરી, એના નાના નાના ટુકડાઓ કરી, તડકામાં સુકવણી કરી ત્યારબાદ એમાંથી પ્રોટીન એકત્ર કરવાની પ્રક્રિયા કરી. એ પ્રોટીનને સુકવ્યું, એનો પાવડર બનાવીને એમાં ખાસ પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ ઉમેર્યા અને છેવટે દુનિયાનું પ્રથમ કેક્ટસ લેધર બનાવવામાં એમને સફળતા મળી.
એડ્રીન અને માર્કતે જ્યારે પ્રયોગો શરૂ કર્યા ત્યારે ખેડૂતો એમની મશ્કરી કરતા કારણ કે, એમને એવું લાગતું હતું કે આ શક્ય નથી પણ છેવટે શક્ય બન્યું અને આજે આ બંનેએ એક સફળ એમ્પાયર નું નિર્માણ કર્યું છે.
આ પણ વાંચો – ચેક્સ: ભારતના માછીમારોના ગામમાં લુંગી તરીકે પહેરાતું કાપડ અમેરિકામાં શ્રીમંતોની ફૅશન બન્યું
કેક્ટસ લેધરનો ઉપયોગ બોક્સિંગ ગ્લોઝ, કાર સીટ, હેન્ડબેગ વગેરે બનાવવામાં થાય છે. આ સંશોધકોનો દાવો છે કે કેક્ટસલેધરના ઉપયોગથી એક અબજ જેટલા પ્રાણીઓનો જીવ બચાવી શકાયો છે. પહેલી નજરે પાગલપન લાગતો આ વિચાર હાલ તો સફળ રહ્યો છે.
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર