Written by Dilip Mehta.
ભગત સાહેબની એક કવિતાને ઝીલનારા અને જીવનારા આર્જેંટીના દેશના એક યુગલની વાત આજકાલ સમાચાર સુરખીઓમાં છે.
‘સ્વ’નીશોધમાં નીકળી પડેલા કોઈ પરિવ્રાજક, સાધુ કે સંતની આ વાત નથી, મહિનાઓ સુધી પ્રલંબ પદયાત્રા કરનારા આસ્તિકોની પણ આ વાત નથી. હિમાલય કે ગિરનારની કંદરાઓમાં ભટકતાં કોઈ નીમપાગલ માણસની પણ આ કથા નથી.
આ કથા છે, એક એવા યુગલની, જેમણે મુસાફરીને પોતાનું ઘર ગણ્યું. તેઓને માટે તો HOME WAS A JOURNEY !
છેલ્લા 22-22 વર્ષથી એક કારમાં નિરુદેશે વિશ્વ પ્રવાસે નીકળી પડેલું આ યુગલ હરમન અને કેંડેલેરિયા એના સંતાનો સાથે હવે સુખરૂપ ઘરે પહોંચી ચૂક્યું છે.
ઈસ્વીસન 2000 માં પોતાની 1928 જલોપી કારમાં આ યુગલે વિશ્વ યાત્રાનો પ્રારંભ કર્યો,ત્યારે દુનિયા જુદી હતી , અને આજે બે દાયકા બાદ પણ દુનિયા કદાચ બદલાઈ ગઈ છે , અને છતાં તેઓને લાગે છે કે કશું બદલાયું નથી , સિવાય કે સંચારના સાધનો .મોબાઈલ , નેટવર્ક વગેરે.
એ સમયે સ્માર્ટ ફોન એક લક્ઝરી હતો. નેટવર્ક હજી એની શિશુ અવસ્થામાં હતું. એ માહિતી /જ્ઞાન અને આશાનું એક સ્થાનક હતું, જે હવે disinformation અને division નું નિમિત્ત બનતું જોવા મળે છે. ફરી એક વાર દુનિયાને યુદ્ધ જોવાનો વારો આવ્યો છે .
ત્યારે ન્યૂયોર્કમાં ટ્વીન ટાવર્સ સલામત રીતે ઊભા હતા. રશિયા એના ભૂતકાળની છાયા વાળું એક નાનકડું કોચલું હતું.
સન 2000 થી 2022 સુધીમાં આ યુગલે પાંચ ખંડના 102 દેશોની યાત્રા કરી છે.એમની આ પ્રલંબ યાત્રામાં આ યુગલ અજાણ્યા પ્રદેશના અજાણ્યા લોકોની ભલમનસાઈ પર જ આધારિત રહ્યું. આ દંપતી એ જણાવ્યુ કે લગભગ 2000 જેટલા પરિવારોની એમણે આગતા સ્વાગતા-મહેમાન ગતિ માણી છે.
બે હજાર પરિવારોના યજમાન બનવાનો પણ આ એક રેકોર્ડ હોય શકે !
એમનો આ અનુભવ એટલું તો સાબિત કરે છે કે દુનિયામાં હજુ માણસાઈ મરી નથી.જ્યાં પણ તેઓને આશરો ન મળ્યો ત્યાં એ લોકોએ ‘કાર’ ને જ ‘ઘર’માની લીધું અને એ રીતે નિભાવી લીધું.
આ યાત્રા દરમ્યાન જુદા જુદા ચાર દેશોમાં એમણેચાર સંતાનોને જન્મ પણ આપ્યો. પ્રત્યેક દેશના વિઝાના કાયદાઓ , નિયમો, સરહદના કાયદાઓને એમણે જાણે કે ‘કાગળ પરના નકશા’ ની જેમ જ ગણ્યા. સરહદો એમને મન કાગળના નકશા જ બની રહી. (ખરેખર તો આ વિગતો વિષે તેઓએ વિગતવાર માહિતી આપવી જોઈએ)
પરિવાર જેમજેમ વિસ્તરતો ગયો , તેમ તેમ તેમ કાર નું પણ નવીનીકરણ થતું રહ્યું . કારની સાઇઝ અને સ્ટ્રેંથ વધારવી પડી ! કારની સાથે જોડાયેલ ટ્રંક રસોડુ બની ગયું. મુસાફરી ઘણી જ સંઘર્ષ પૂર્ણ રહી.
વચ્ચે વચ્ચે , આ પરિવારે ઇબોલા , ડેન્ગ્યુ, મેલેરિયા , જેવા અનેક નાના મોટા રોગોનો સામનો કરવો પડ્યો. ખાનાબદોશ કે ભટકતું જીવન ગાળનાર દંપતિ તરીકે તેઓએ જ્યારે પોતાનું ઘર છોડયું , ત્યારે એમનું ઘર ભર્યું ભાદર્યું હતું , પગાર –નોકરી સારા હતા.એમના લગ્ન જીવનને છ વર્ષ થયેલા.
યાત્રા દરમ્યાન ચાર સંતાનો જન્મ્યા. પંપા ( 19), ટેહુ (16), પલોમાં (14) અને વોલાબી(12).
વિશ્વ યાત્રા બાદ 53 વર્ષીય હરમન હવે સંતુષ્ટ છે , પરંતુ યાત્રાનો બીજો રાઉન્ડ કરવાનો મનોરથ પણ એના મનમાં છે, બોલો !
હરમન અને કેંડેલેરિયાની કથા વાંચતાં વાંચતાં આપણને ભગત સાહેબની કવિતા અચૂક યાદ આવે :
હું તો બસ ફરવા આવ્યો છું !
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહી પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
–રે ચહું ન પાછું ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહી સ્વપ્નમહીં સરવા આવ્યો છું !
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથીના કર્ણપટે ધરવા આવ્યો છું !
હું તો બસ ફરવા આવ્યો છું ! !
More Stories
દુનિયાની પહેલી એવી એક ઘડિયાળ જેમાં 48 મિનિટનો કલાક અને 30 કલાકનો દિવસ છે:
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..