આમ તો લગભગ દરેક ઘરમાં તેની હાજરી હોય જ છે છતાં પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસનો સોલાપુરી ચાદરમાંથી બનાવેલું જેકેટ પહેરેલો ફોટો થોડા સમય પહેલાં વાયરલ થયો એટલે એના વિશે જાણવાની ઈચ્છા થઈ. આ ચાદરના ઉત્પાદનની શરૂઆત કેવી રીતે અને સોલાપુરમાં જ શા માટે થઈ? તેનો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે.
ભારતમાં ઓગણીસમી સદીની મધ્યમાં બ્રિટિશ કાળ દરમિયાન કાપડ મિલોનું નિર્માણ શરૂ થયું હતું. મુંબઈમાં સૌપ્રથમ કાપડ મિલ 1851માં શરૂ થઈ હતી. તે પછી મુંબઈની સાથે ગુજરાત, પૂણે, નાગપુર, સોલાપુર અને કોલ્હાપુરમાં પણ કાપડ ઉદ્યોગ વિકસવા લાગ્યો હતો.
આ પણ વાંચો- વૃક્ષો બચાવવા બિહારની મહિલાઓનો નવતર નુસખો
સોલાપુર જ કેમ?
•
સોલાપુરમાં કાપડ મિલોના વિકાસમાં ઘણાં પરિબળોએ ફાળો આપ્યો છે. સોલાપુરનો કાપડ ઉદ્યોગ મધ્ય યુગથી જ મોખરે હતો. અહીં બનાવવામાં આવતી ધોતી તથા સાડીઓ પ્રખ્યાત હતી. મુસ્લિમ શાસકોનું શાસન સ્થપાયું પછી મોમીન નામના મુસ્લિમ વણકર સોલાપુરમાં સ્થાયી થયા હતા.
પેશ્વાઓના શાસનકાળમાં માધવરાવ પેશ્વાએ સોલાપુરના મધ્ય ભાગમાં માધવ પેઠ નામની માર્કેટનું નિર્માણ કરાવ્યું હતું. સમય જતાં તે મંગળવાર પેઠ તરીકે ઓળખાતું થયું.
સોલાપુર હાલના તેલંગાણા અને કર્ણાટકની સરહદ નજીક આવેલું છે. તેલંગાણામાં સતત દુષ્કાળ પડતો હતો અને નજીક આવેલાં સોલાપુરમાં તમામ પ્રકારના માલની બજાર ઉપલબ્ધ હોવાને કારણે તેલુગુ સમુદાયે મોટા પ્રમાણમાં સોલાપુરમાં સ્થળાંતર કર્યું હતું. સ્થળાંતર બાદ તેલુગુભાષી સમુદાય આજીવિકા માટે હાથશાળ પર કપડું બનાવીને ગુજરાન ચલાવતા હતા.
સોલાપુર વિસ્તારમાં ઓછા વરસાદને કારણે બાગાયત ખેતીનું કામકાજ પ્રમાણમાં ઓછું હતું અને બેરોજગાર લોકોનું પ્રમાણ વધારે હોવાને કારણે સસ્તા વેતનમાં કામ કરી શકે તેવા મજૂરો અહીં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હતા.
એ ઉપરાંત સોલાપુરની જમીનની ગુણવત્તા તથા આબોહવા કપાસની ખેતી માટે અત્યંત અનુકૂળ હતી. તેથી બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડ તથા ભારતની કાપડ મિલોને કાચો માલ પૂરો પાડવા સોલાપુરના ખેડૂતોને કપાસ ઉગાડવા પ્રોત્સાહિત કરતી હતી. કપાસનું બિયારણ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત સરકારે કેટલીક સવલત પણ આપી હતી.
એ સમયગાળામાં મુંબઈ તથા ચેન્નાઈ રેલવે લાઇન પર મહત્ત્વના એક શહેર તરીકે સોલાપુર જાણીતું બન્યું હતું. સારી સંચાર સુવિધાને કારણે સોલાપુરમાં કાપડ મિલોના નિર્માણ માટે તમામ પરિસ્થિતિ અનુકૂળ હતી.
આ બધી જ સાનુકુળ પરિસ્થિતિઓને કારણે સોલાપુરમાં સોલાપુર સ્પિનિંગ એન્ડ વીવિંગ મીલ, નરસિંહ ગીરજી મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ, લક્ષ્મી કોટન મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ અને જામશ્રી રણજીતસિંહજી સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ્સ કંપની લિમિટેડ એમ એક પછી એક કુલ ચાર કાપડ મિલ શરૂ થઈ હતી.
સોલાપુરમાં સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના 1874માં સોલાપુર સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ નામથી કરવામાં આવી હતી. આ મિલને દેશની સૌથી જૂની મિલો પૈકીની એક ગણવામાં આવે છે. સોલાપુરની આ પ્રથમ મિલ હોવાથી તે જૂની ગિરણી તરીકે જાણીતી છે. જૂની ગિરણીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ સૈન્ય માટે કેનવાસ શીટ્સ બનાવવાનું મોટું કામ મળ્યું હતું. તે સમયે ઉપલબ્ધ મશીનોની ક્ષમતા પ્રમાણે અશક્ય ગણાય એવું કામ કરીને જૂની ગિરણીએ અભૂતપૂર્વ નફો રળ્યો હતો. પરંતુ વધારાના ઉત્પાદનની વધારે પડતી તાણને કારણે જૂની મશીનરી નકામી બની ગઈ હતી. છેવટે 1957માં સોલાપુર સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.
•
સોલાપુરી ચાદરના જનક:
•
જૂની ગિરણી બંધ થયા બાદ મશીનરીની ભંગાર તરીકે હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં એ મશીનરી ખરીદીને કિસનરાવ ક્ષીરસાગરે તેમાંથી ચાદરનું ઉત્પાદન સૌપ્રથમ શરૂ કર્યું હતું. તેથી તેમને સોલાપુરી ચાદરના જનક તરીકે ઓળખવામાં આવે છે.
કિસનરાવ ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવારના ભરણપોષણ માટે કિસનરાવના માતા જૂની ગિરણીમાં કામ કરતા હતાં. કિસનરાવ પોતે પણ બાળપણમાં એક અંગ્રેજ અધિકારીને ત્યાં ઘરકામ કરતા હતા. એ અંગ્રેજ અધિકારી મિલ કામદારોને તાલીમ આપતા વિભાગના વડા હતા.
તેમને ત્યાં ઘરકામ કરતાં કરતાં નાના કિસનને પાવરલૂમનો પરિચય થયો હતો. અન્યને કામ કરતા જોઈને તેમણે પણ વણાટનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે તેમના દીકરાઓનો સાથ લઈને પોતાની હાથશાળ શરૂ કરી હતી. પ્રારંભે તેઓ હેન્ડલૂમ પર સાડીઓ બનાવતા હતા.
એ સમયે લોકો જૂના કપડાના ટૂકડા જોડીને બનાવેલી ગોદડી ઊંઘતી વખતે ઓઢવા માટે વાપરતા હતા. એ પછી મિલમાંથી મળતા જાડા કાપડનો ઉપયોગ ઓઢવાની ચાદર તરીકે શરૂ થયો હતો.
દરમિયાન જૂની મિલોનું પતન થવા લાગ્યું તેથી હેન્ડલૂમ ઉત્પાદનમાં સ્થાયી થયેલા કિસનરાવે જૂની મિલના ભંગારમાંથી મશીનના સ્પેરપાર્ટ્સ ખરીદ્યા હતા અને મશીનરીનું જરૂરી સમારકામ કરીને તેમણે આજની સોલાપુરી જેકાર્ડ ચાદરનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
એ પછીના સમયગાળામાં ખાસ કરીને તેલુગુભાષી સમુદાયે ચાદરના ઉત્પાદનમાં મોટા પાયે પ્રવેશ કર્યો હતો. વસ્ત્ર ઉદ્યોગમાં પારંગત કુશળ વણકરોએ જેકાર્ડ ચાદરની ડિઝાઈન, કલર સ્કીમ અને મજબૂતીમાં ઘણા સુધારા કર્યા હતા.
સોલાપુર હેન્ડલૂમ એસોસિએસનના અધ્યક્ષ કહે છે કે, સોલાપુરી ચાદર સંપૂર્ણપણે સુતરાઉ કપડામાંથી બનાવવામાં આવે છે. સસ્તી કિંમત, આકર્ષક ડિઝાઇન, રંગસંયોજન અને ટકાઉપણું આ ચાદરની ખાસિયતો છે. આ ચાદર 15-20 વર્ષ સુધી ખરાબ થતી નથી. વર્ષના બારેય મહિના આ ચાદરનો ઉપયોગ કરી શકાય છે. પોલિસ્ટર ચાદર વાપરવાથી ખંજવાળ કે બળતરાની તકલીફ થાય છે, પરંતુ સોલાપુરી ચાદરમાં તેવી તકલીફ થતી નથી.
તેઓ ઉમેરે છે કે,સોલાપુરી ચાદરનું ટકાઉપણું મોટી સમસ્યા છે, કારણ કે એકવાર આ ચાદર ખરીદ્યા પછી ગ્રાહકો વર્ષો સુધી પાછા આવતા નથી. સોલાપુરી ચાદરને જીઆઈ ટેગ પણ મળ્યું છે. તેમ છતાં હરિયાણા અને તામિલનાડુમાં સોલાપુરના નામે ચાદર બનાવવામાં આવે છે.
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર