CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Friday, April 4   3:51:15
sureshmishra

આગિયા જેવી સ્વયં પ્રકાશિત મશરૂમ અને ફૂગ તમે જોઈ છે..?

વડોદરાના પ્રકૃતિ પ્રેમી ડો.રાહુલ ભાગવત પશ્ચિમ ઘાટના જંગલોમાં આ બાયો લ્યુમિનીસંટ ફૂગ અને મશરૂમ જોઈ ધન્ય ધન્ય થઈ ગયા..
ઉડતા તારા જેવા આગિયા ક્યારેક ગામડાની ઘોર અંધારી રાતોને હળવા પ્રકાશથી ભરી દેતા. રાત્રિનો અંધકાર ઉતરે એટલે ગામની ઘાસ ભરેલી સીમ અને ખેતરો અંગાર પંખી જેવા આગિયા થી ચળકી ઉઠતી. બગડેલી પર્યાવરણ સમતુલા ને લીધે આજની નવી પેઢીએ ભાગ્યેજ આગિયા ને જોયા હશે.
આ આગિયા જેવી બાયોલ્યુમીનીસેંટ એટલે કે જૈવિક પ્રકાશિત ફૂગ અને વિશિષ્ઠ મશરૂમ પશ્ચિમ ઘાટના જૈવિક વિવિધતા સંપન્ન જંગલોની અનન્ય વિશિષ્ઠતા છે.વડોદરાના પ્રખર પ્રકૃતિ પ્રેમી વન્ય જીવ તસવીરકાર ,ફક્ત ચોમાસામાં જોવા મળતી અને રાત્રે જૈવિક પ્રક્રિયા થી ઉત્પન્ન પોતાના પ્રકાશથી ચમકતી ફૂગ અને મશરૂમને જોઈને આભા બની ગયા હતા.
પશ્ચિમ ઘાટ ગુજરાતના ડાંગ અને આસપાસના વિસ્તારો થી શરૂ થઈ છેક કેરળ સુધી વિસ્તરેલો ડુંગરાળ વન પ્રદેશ છે.અત્યારે ખૂબ ચર્ચા છે એ વાયનાડ એના દક્ષિણ છેડે આવેલું છે. અહીં ની વનસ્પતિ અને જીવ,વન્ય પ્રાણી સમૃદ્ધિ બેમિસાલ છે.હમણાં જ ભારત સરકારે વાયનાડ જેવી કુદરતી આફતો ને અટકાવવા સહ્યાદ્રિ ગિરિમાળા ના આ વિસ્તારને ઇકો સેંસિટીવ ઝોન ઘોષિત કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે જે પ્રકૃતિ સંપદા અને વિવિધતાની દૃષ્ટિએ આ વિસ્તારની અમુલ્યતા ની પ્રતીતિ કરાવે છે.
લીલી વાડી જેવા ફળફૂલ અને વનસ્પતિ થી ભરપુર કોંકણ નો સમાવેશ આ પશ્ચિમ ઘાટમાં થાય છે.અને એના ભિમાશંકર તથા સાવંતવાડી નજીક કુડસે ગામ પાસેના જંગલોમાં ભરપૂર ચોમાસામાં આ કુદરતની કમાલ જેવી મશરૂમ અને બાયો લ્યુમીનીસેન્ટ ફંગી જોવા મળે છે. પ્રકૃતિના ચાહકો માટે આ મશરૂમ અને ફૂગ જોવી જીવનનો યાદગાર લહાવો બની જાય છે.
આ મશરૂમ જોઈને આનંદ અને આશ્ચર્ય મુગ્ધ થયેલા ડો.રાહુલે કહે છે કે નાની ચણા ના કદની આ મશરૂમ અને રાત્રે જૈવિક પ્રકાશથી ચળકતી ફૂગ ભેજવાળા વાતાવરણમાં વરસાદથી ભીની જમીન અને ઝાડના થડ પર ઉગે છે.તેના માટે ઘનઘોર જંગલોમાં રાત્રે રખડવું પડે છે.એની ફોટોગ્રાફી ખૂબ કુશળતા અને ટેકનિકના સંયોજન થી માંડ કરી શકાય છે.આ ગ્લોઇંગ મશરૂમ જોવી મારા માટે ભૂલી ન શકાય એવો લહાવો છે.વડોદરાના લોકોને આ કુદરતના કરિશ્મા ને રૂબરૂ નહિ તો તસવીરો બતાવી શક્યો એનો મને આનંદ છે.આ મશરૂમ અને ફૂગ પ્રજાતિઓ પશ્ચિમ ઘાટના આ વિસ્તારની આગવી વિવિધતા છે જે જોવા અહીં જ આવવું પડે.
દક્ષિણ ગુજરાતમાં ડાંગ,વલસાડ અને નવસારીમાં મુખ્યત્વે ઉષ્ણ કટિબંધિય પ્રકારના જંગલોમાં આળીમ સહિત વિવિધ પ્રકારના મશરૂમ અને કંદમૂળ ઉગે છે જે અન્ય જંગલોમાં નથી ઉગતા.વડોદરાના અન્ય એક પ્રકૃતિપ્રેમી નંદિતા અમીને આ ફૂગ અને મશરૂમ જોવા ૧૨૦૦ કિલોમીટર નો ખાસ પ્રવાસ કર્યો હતો અને એ વિકટ રસ્તાની વિડિયોગ્રાફિ કરી હતી.
કુદરત અપરંપાર આશ્ચર્યો થી ભરેલી છે.એમને સાચવી શકીએ તો પણ જિંદગી ખુશહાલ બની રહેશે…
પરિચય: ડો.રાહુલ અને નિશા ભાગવત પર્યાવરણ ને સંપૂર્ણ સમર્પિત દંપતી છે.સંગીતના જાણકાર છે. તેમણે પોતાનું હવે પછીનું જીવન પ્રકૃતિને ખોળે મૂકી દીધું છે.તેઓ એ સતત દેશના વન વિસ્તારો,દરિયાકાંઠા અને કુદરતી જગ્યાઓ એ ફરતા ઘર જેવા પોતાના વાહનમાં પરિભ્રમણ કરે છે,પક્ષી અને વન્ય જીવોની ફોટોગ્રાફી કરે છે અને નજીકની શાળા અને શિક્ષણ સંસ્થાઓ માં વિદ્યાર્થીઓ ને પ્રકૃતિ શિક્ષણ આપે છે…