એમની ઉંમર લગભગ ૮૦ ની આસપાસ..બોખું મોઢું..અને એના પર મીઠું મીઠું સ્મિત..મીઠી બોલી એ એમની વિશેષતા..નામ એમનું ગજરા..પણ અમે ગજરી કાકી કહીએ..
હું નાનપણ થી પહેલા ભણવા માટે અને પછી રળવા માટે ..ના સમઝાયું? ભાઈ નોકરી માટે..બે પૈસા કમાવા માટે વતન થી દૂર વડોદરા રહ્યો..
જ્યારે ઘેર જવાનું થાય ત્યારે એ,’ ભાઈ આવી ગયો ‘
એવો સવાલ ખૂબ પ્રેમથી કરે.. ક્યારેક ‘ બચુ તું ક્યારે આયવો ‘ એમ તુંકારે બોલાવે જે ખૂબ મીઠું લાગે.
પછી તો હું મોટો થઈ ગયો એટલે એટલો જ પ્રેમ શબ્દોમાં ભરી ને આદર થી બોલાવે..
મારું લગન થયું.અને અમારા એ ગૌર વર્ણના,ના બૌ ઊંચા કે ના બૌ ઠીંગણા એવા કાકીને મારા પત્ની રેખા પણ બૌ ગમી ગયા.એટલે એમની સાથે અઢળક મીઠાશથી વાતો કરે..ખબર અંતર પૂછે..દીકરા અર્પિત અને દીકરી રુચાને પંડના સંતાન જેવું વહાલ કરે..
એમનું ઘર ત્યારે કાચુ પાકું…થોડુંક ઝૂંપડી જેવું..પણ દીવાલો વાળું…. પતરા માટે દીવાલો વાળી છત..ઘરની પાછળ મોટો વાડો.. રામફળી,જામફળી, લિંબુડી જેવા જાત જાતના વૃક્ષો..શીતળ છાયડો.. એ વાડામાં નાના હતા ત્યારે અમે રમ્યા..પછી મારા સંતાનો રમ્યા અને હવે કદાચ આવશે ત્યારે મારા સંતાનોના સંતાન પણ રમશે..નસીબ હોય એને જ ગામડાની માટી ખૂંદવા મળે..
એકવીસમી સદીમાં પરિવારો મોટેભાગે બોલીને નહિ લખીને વાતો કરે ..વોટ્સપ ગ્રુપમાં સંવાદ કરે…
એટલે ભાઈએ ખબર મૂક્યા કે ગજરી કાકી ખૂબ માંદા પડી ગયા છે અને એ ઝાઝા દિવસો કાઢે એવું લાગતું નથી…રેખા જી ને ખાસ યાદ કરે છે..
એટલે રેખાબેનને ચિંતા થઈ.મળવા જવાનું મન થયું.મને કીધું પણ ખરું કે એક દિવસ ટાઇમ કાઢીને વતનના ગામ જઈ આવીએ અને એમને મળી આવીએ..
અમે ક્યારે જઇએ એવો વિચાર કરતા હતા ત્યાં ભાઈએ ફરી થી ખબર મૂક્યા કે ગરમી ઘટતા હવે ગજરી કાકીની તબિયત સારી એવી સુધરી છે,ચિંતાનું કોઈ કારણ નથી..એમનો વર્તમાન પ્રથા પ્રમાણે વિડિયો પણ મૂક્યો..એવું ને કે આ સમયમાં લખાણ નહિ વિડિયો સાચો મનાય છે!
મને , રેખાબેનને અને દૂર દૂર રહેતા અમારા કુટુંબીજનો ને હાશ! થઈ..
આ બધું વાંચી તમે અંદાજ બાંધ્યો હશે કે ગજરી કાકી સાથે અમારા પરિવારને લોહીની સગાઈ હશે.ના,કોઈ લોહીની સગાઈ નથી.પરંતુ ત્રણ પેઢીનું અતૂટ સગપણ છે.તેઓ અને તેમના જેઠાણી સોમી કાકી અમારે ત્યાં ઘર કામ કરતા.અમારે એમની સાથે લોહીની સગાઈ કરતા પણ મજબૂત મન મળ્યાની સગાઈ છે..એમને અમારું ખૂબ લાગે અને અમને એમની ચિંતા રહે..એટલે જ કવિએ કહ્યું છે કે,’ સબસે ઊંચી પ્રેમ સગાઈ ‘
લોહીની સગાઈ વગરના સગપણ એ ગામડાની ધરતીની વિશિષ્ઠ સોડમ.મારા ગામ કવાંટમાં આવી સગાઈ હજુ જળવાઈ છે.એની એટલી તાકાત છે કે ૯૦ વર્ષની ઉંમરના મારા પિતાજી એકલા મોજથી ગામડે રહી શકે છે. અમારું ફળિયું સોની ફળિયું.એમાં મુખ્યત્વે સોની અને પંચોલીઓ ના ઘરો.અમે બ્રાહ્મણ અને સોમી – ગજરી કાકીનો પરિવાર તડવી જ્ઞાતિનો.જેનો સમાવેશ આદિવાસી સરકારી ભાષામાં અનુસૂચિત જન જાતિમાં થાય છે.
મારા ગામમાં બે વડીલો એકજ નામ અને અટક ધરાવતા હતા.બંનેનું નામ હતું ભાઇજીભાઈ તડવી. એ પૈકીના એક હતા અમારા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને મારે માટે પિતાતુલ્ય સ્વ. ભાઈજીભાઈ ગરબડભાઈ તડવી.બીજા હતા આ પાડોશી પરિવારના સ્વ.ભાઇજીકાકા તડવી.તેઓ શ્રમજીવી હતા,હોટલમાં ચા માસ્ટર તરીકે આજીવન નોકરી કરી અને પતંગ તેમજ કાગળના ફૂલોના બઢિયા શેહરા કે શેરા બનાવતા.કહેવાનું તાત્પર્ય એ છે કે નામ અને અટક ભલે સરખા હોય,ભાગ્ય તો જુદાં જ હોય..
ફળિયાના બધા રહીશો સાથે ગજરી કાકીની આત્મીયતા અને બધાને એમના પ્રત્યે,એકબીજા પ્રત્યે લગાવ.સુખમાં અને દુઃખમાં,બધા એકબીજા માટે દોડે,થાય એટલું કરી છૂટે. વળી,અમારા ઘરની આસપાસના વિસ્તારને નોકરિયાત વગો કહી શકો.કારણ કે કવાંટ માં શિક્ષક,તલાટી,નર્સ જેવી કોઈ નોકરી મળે એ અગાઉ ના સમયમાં આ જગ્યાએ જ ભાડે ઘર લેતા. એ રીતે અહીં બે ત્રણ વર્ષ રહી ગયા હોય એવા પરિવારો સાથે ફળિયાના લોકોના પરસ્પર સંબંધો આજે પણ સચવાયેલા છે..આ જ તો છે ગામડાની ધરતીની સુગંધ.સમય સાથે ઉમળકામાં કદાચ ઓટ આવી હશે..પરંતુ લાગણીઓ હજુ લીલી છે.
ગજરી કાકી સાજા થઈ ગયાની ખુશી અમારા આખા પરિવારને થઈ..અમારા આખા ફળિયા ને થઈ..અને આ લોહીના સંબંધ વગર..લોહીના સંબંધ થી પણ અતૂટ લાગણીની વાર્તા વાંચીને તમને પણ અવશ્ય થઈ જ હશે…
More Stories
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..
‘માનસ માતુ ભવાની અને કીરવાની’ બાપુનીકથા એટલે ક્ષણનો સાક્ષાત્કાર !