CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Friday, April 11   7:05:49
Agiyaras

તૈયાર ઉગાડેલા ગોરમા અને વડોદરાનો તહેવાર ફુગ્ગા અગિયારસ…

આજ થી ભગવાન બલિરાજાના મહેમાન બનીને પાતાળલોકમાં ચાર મહિના નિવાસ કરશે.
એટલે અષાઢ સુદ અગિયારસને દેવ પોઢી એકાદશી ગણાવવામાં આવી છે.જો કે જગતના પાલનહારને આટલી લાંબી ઊંઘ પોસાય નહિ.એટલે બલિરાજા ની મહેમાનગતિ વચ્ચે પણ તેઓ ,ત્યાં રહ્યા રહ્યા જગતનું સંચાલન કરે છે.દેવ કદી પોઢે નહિ.એટલે જ જે સદા જાગૃત રહે એ વ્યક્તિ દેવ તુલ્ય ગણાય.
વડોદરા માટે આ અગિયારસ વિઠ્ઠલનાથજીના લગભગ બે સદી થી નીકળતા વરઘોડા – શોભાયાત્રાનો પવિત્ર અવસર છે.આ મંદિર લગભગ ૨૧૫ વર્ષ પહેલાં મહારાણી ગહિનાબાઈએ અંદાજે રૂ.૨૫ હજાર ખર્ચીને,પોતાના ઘરેણાં વેચી મૂડી ઊભી કરીને બંધાવ્યું હતું એવું જાણવા મળે છે.એમની ભગવત નિષ્ઠા અદભુત હતી એની આ વાત પ્રતીતિ કરાવે છે. અહીં પંઢરપુર નજીકથી લાવવામાં આવેલી દેવ પ્રતિમા પૂજાય છે.
વડોદરામાં મુખ્યત્વે ત્રણ દેવ, ભગવાન નરસિંહ જી,ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન જગન્નાથ જી,ચારેક મહિનામાં ત્રણ વાર નગરયાત્રાએ નીકળીને લોકોને ઘર આંગણે દર્શન આપે છે.વિઠ્ઠલનાથજી તો દેવશયની પછી દેવ ઉઠી અગિયારસે બીજીવાર નગર ભ્રમણ કરે છે.તેમની શોભાયાત્રાને રાજવી પરિવાર દર્શન પૂજા કરીને પ્રસ્થાન કરાવે છે.
આ મંદિર રાજ પરિવારના તાબા હેઠળનું છે.એનો જીર્ણોદ્ધાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અગિયારસથી ગોરમાનું વ્રત શરૂ થાય છે. મોળાકત નામે ઓળખાતા આ વ્રતનો આશય માતા પાર્વતીજી ની વંદના કરવાનો છે.કુંવારિકાઓ નાનપણમાં આ વ્રત કરે છે.અલુણા વ્રતમાં ૫ દિવસ મીઠા વગરની વાનગીઓ ખાઈને રહેવું અઘરું તો છે જ.કન્યાઓ ને દીકરીઓને વ્રતની શુભેચ્છાઓ..કદાચ હવે તેઓ ‘ ગોરમાનો વર કેસરિયો..લારીમાં મળે તૈયાર ગોરમા ‘ એવું જોડકણું તો નહિ ગાતી હોય ને!!!!
ક્યારેક ગોરમાના જવારા ઘરમાં ઉછેરવામાં આવતા.હવે વાંસની ટોપલીમાં ઉગાડેલા તૈયાર ગોરમા લારીઓ પર મળે છે.કેટલાક પરિવારો તેમાંથી કામચલાઉ આવક મેળવે છે. પંચધાન્ય ને ગોરમા સ્વરૂપે ઉછેરવામાં આવે છે અને વ્રતના અંતે એમનું જળ વિસર્જન કરવામાં આવે છે.
લારીઓ પર રૂ.૫૦ ની આસપાસ એક ટોપલી મળે છે.એક વાત જાણીને આશ્ચર્ય થયું કે લારી વાળા જાતે તેનો ઉછેર કરતા નથી.તેઓ મોટા વેપારીઓ પાસે થી વાવેતરવાળી ટોપલીઓ વેચાતી લે છે અને પછી છૂટક વેચે છે.એટલે આ વ્યાપાર બે સ્તરનો તો છે જ.
આ અગિયારસે વડોદરા તેનો એક ખાસ બાળ ઉત્સવ ફુગ્ગા અગિયારસ ઉજવે છે.આગલા દિવસે ફુગ્ગાની થેલી ખરીદીને અગિયારસે તેમાં પાણી ભરીને ,આવતા જતા લોકો પર ફેંકી બાળકો આનંદ માણે છે.એમાં ક્યારેક હસવામાં થી ખસવું જેવો ઘાટ થાય છે.ક્યારેક છેડતીની ઘટનાઓ નિર્દોષ મસ્તીના ઓઠા હેઠળ બને છે.
વડોદરા સિવાય અન્ય કોઈ જગ્યાએ ફુગ્ગા અગિયારસ ઉજવાતી હોય એવું જાણ્યું નથી.વડોદરામાં તેની શરૂઆત કદાચ અમદાવાદી પોળથી થઈ હશે એવું લાગે છે.આ રિવાજ કોણે શરૂ કરાવ્યો ખબર નથી.પણ હજુ પરંપરા ચાલુ છે.જો કે કદાચ જૂના શહેર પૂરતી હવે આ પ્રથા મર્યાદિત છે.
આમ, આજે વડોદરા ત્રી અગિયારસ ઉજવશે.વિઠ્ઠલનાથ જી ના દર્શન કરીને પવિત્રતાની ઊર્જા મેળવશે.
વિટ્ઠલનાથ ભગવાનનો જય હો…
બે વાત:
અષાઢી અગિયારસ એ ચોમાસુ ઉત્સવોનું પ્રવેશ દ્વાર છે.હવે શ્રાવણ,ભાદરવો અને આસો ના તહેવારોની હારમાળા શરૂ થશે.
ફુગ્ગા અગિયારસ મને યાદ રહી ગઈ છે કારણ કે વર્ષો પહેલા આ દિવસે અમદાવાદી પોળ પાસેથી રિક્ષામાં પસાર થતા મારા માતૃશ્રી ની આંખને પાણી ભરેલો ફુગ્ગો વાગતાં ઇજા થઇ હતી અને લાંબી સારવાર કરાવવી પડી હતી..
માતાની ઉપાસનાના વિવિધ પર્વોમાં અનાજ – કઠોળના બીજ વાવીને જવારા ઉછેરવામાં આવે છે.નવરાત્રિમાં પણ માતાજીના જવારા ઉછેરવામાં આવે છે.એનો એક આશય કદાચ પ્રકૃતિની પૂજાના સંસ્કારો સિંચવાનો હશે.પરંતુ જવારા કેમ ઉછેરવામાં આવે છે એની જાણ કોઈને હોય તો કોમેન્ટમા વિગતો આપવા વિનંતી છે…
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા…