રાજસ્થાનની સુપ્રસિદ્ધ ફૂડ આઇટમ દાલ-બાટી હવે મેટ્રો ફૂડ કલ્ચરનો પણ એક ભાગ બની ગઈ છે. મૂળભૂત રીતે જંગલી લાકડાના ભઠ્ઠામાં કે પછી છાણાના અગ્નિમાં જ શેકવામાં આવતી બાટીને આપણા રસોઈ ઘરોમાં પકાવવા માટેના ઉપકરણો હવે મોજુદ છે, પણ , હા,એનો અસલી સ્વાદ અને સોડમ મેળવવા માટે તો તમારે ક્યાંક દેશી ધાબામાં જ કે ગામડામાં જ જવું પડે! હવે ફાર્મહાઉસોમાં પણ લોકો દાલ-બાટી પકાવે છે. દેશી પધ્ધતિથી બનેલી બાટી જયારે બરાબર પાકે ત્યારે ઉપરથી સોનેરી રંગની , સહેજ કડક અને અંદરથી મુલાયમ બને છે, તેથી એની કુદરતી મીઠાશ દાઢમાં અને દીલ-ઓ-દિમાગમાં કાયમી રહી જાય છે! દાળનું મિશ્રણ પણ બહુ જ અગત્યનું છે. મગની ફોતરાવિનાની દાળ( મોગરી) સાથે અડદની દાળ અને ચણાની દાળનું પ્રમાણ ભાન ન હોય તો દાળ ન જામે, વળી દાળ બહુ જાડી પણ ન ચાલે !
ગરમા ગરમ બાટી પર જયારે કલ્પનાએ ગાયનું ઘી રેડ્યું ત્યારે એની સુગંધ આજુબાજુ ફેલાઈ ગઈ ! મને તો દાળમાં મિક્સ કર્યા વિનાની એકલી બાટી પણ બહુ જ ભાવી!
કોઈ મહાન શાસ્ત્રીય ગાયકની ગાયન પ્રસ્તુતિમાં કદાચ, ક્યારેક, ભૂલ થાય તો એ ભૂલ સુધારવાની એને તરત જ તક મળે છે અને એ ગાયક પોતાની ભૂલ સુધારી શકે છે,પરંતુ એક પાક શાસ્ત્રીદવારા જો મીઠાઈ કે કોઈપણ ખાદ્યવાનગી બગડે તો એનું નુકશાન બધાને થાય છે! રાગ તણાઈ જાય એટલે કે ખેંચાઈ જાય તો ચાલે પણ ચાસણી જરાક ખેંચાઈ ગઈ તો પત્યું !
દાલ-બાટી સાથે ચુરમું ખાવાનો અનુભવ ગઈકાલે મેં પહેલીવાર જ લીધો! ચુરમાના લાડુ બનાવતી વેળા હું હંમેશા ખાંડ જ ઉમેરું પરંતુ, ગઈ રાત્રે ગોળવાળું ચુરમું ખાધા બાદ એવું લાગ્યું કે આ ચુરમું પણ સ્વાદિષ્ટ જ હોય છે! ક્યાંક હાથની પણ કમાલ હોય એવું બને!
અમારા યજમાન અને આત્મીય મિત્ર શ્રી નરેન્દ્ર પટેલના પત્ની શ્રીમતી કલ્પના પટેલે લસણની ચટણીમાં શેકેલ મગફળીનો પાવડર ( અધ કચરો) નાખેલો, સાથે ગોળ પણ ઉમેરેલો. લસણ –ગોળ અને મગફળીના પાવડરને તેલમાં વઘારીને આ ચટણી બને છે. દાલ-બાટી સાથે ચટણી-ડુંગળીનું કોમ્બીનેશન ગજબ સ્વાદ પેદા કરે છે! ચટણીની તીખાશ સાથે ચુરમાની મીઠાશ પામ્યા બાદ બત્રીસ કોઠે ઓડકાર ન થાય તો જ આશ્ચર્ય ! અન્નને બ્રહ્મનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેરાણી-જેઠાનીની જોડી એટલે ચેતના અને કલ્પનાએ અમને અન્ન્બ્રહ્મની અનુભૂતિ કરાવી દીધી!
એકાદ સદી પહેલા કચ્છી પટેલોએ પોતાનું વતન છોડીને સાબરકાંઠા જીલ્લાને પોતાની કર્મભૂમિ બનાવી.એમના અસ્તિત્વના સંઘર્ષની આ એક પ્રલંબ દાસ્તાન છે,પરંતુ આજે તો સાબરકાંઠામાં કચ્છી પટેલોના અનેક કમ્પાઓ જોવા મળે છે! ત્રીસ વર્ષ પહેલા વિનોદ મને એના ગામે લઇ ગયેલો અને ત્યાંથી અમે અંબાજી પણ ગયેલા. એ યાત્રાના સંસ્મરણો પણ અમે વાગોળ્યા. એ સમયે લીધેલી તસ્વીરો પણ વિનોદે મને મોકલી આપી છે. અત્યારે એ બધા કમ્પાઓ પણ ઘણા આધુનિક બની ગયા હશે !
વિનોદ પટેલ અત્યારે સપરિવાર સિડની રહે છે , પરંતુ એનું મૂળ ગામ તો ખેડબ્રહ્મા નજીક લક્ષ્મીપુરા(કમ્પા) ! નરેન્દ્ર પટેલ વર્ષોથી સપરિવાર વડોદરામાં રહે છે, બિલ્ડીંગ ડેવલોપર છે. એમના પિતાજી રતિલાલભાઈ શિક્ષક હતા અને હવે નિવૃત્તિ બાદ એમના સમાજના યુવાનોને અધ્યાત્મ અને ધ્યાન શીખવે છે. બંને ભાઈઓ સુખી સંપન્ન છે.
૨૦૧૯માં અમારા ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન વિનોદને ત્યાં સિડનીમાં અમે પુરા બેસપ્તાહ રોકાયેલા. કિશોરવયથી વિનોદ એક સુજ્ઞવાચક રહ્યો છે. એનામાં લેખનનું પણ અદ્ભુત કૌશલ્ય છે જ. ગુણવંત શાહ પ્રેરિત ‘માતૃભાષા વંદનાયાત્રા’માં એ સક્રિય રહ્યો.અમારા અભિનવ યુવા કેન્દ્રનો પણ એ પ્રસ્થાપક સભ્ય. ‘અભિનવ’ની અનેક યુવાપ્રવૃતિઓમાં પણ એનું સક્રિય યોગદાન રહ્યું. બસ,અમે બધા આમ મળીએ ત્યારે મેળો જામે છે! અમારી વાતો ખૂટતી જ નથી! અને છેલ્લે જયારે પચરંગી રાજસ્થાની આઈસ્ક્રીમના બાઉલ આવ્યા ત્યારે એવું લાગ્યું જાણે વડોદરામાં જ રાજસ્થાન આવી ગયું !!
વતનની માયા કોને ન હોય ? પણ, અસ્તિત્વની લડાઈ માટે હવે અનેક લોકો વતનથી દૂર હજારો માઈલ દૂર જઈને હવે એક નવું જ વતન સર્જીને જીવી રહ્યા છે. અનુકુલન વિના કોઈને નથી ચાલતું!
બસ, વર્ષે બે વર્ષે વતનની આબોહવા લેવા માટે આવા ‘નોન રેસીડન્ટ ઇન્ડિયન્સ’ (NRIs)નો કાફલો આવી પહોંચે છે ! એમના બાળકોને પણ ઇન્ડિયા ગમી જાય છે પણ, તરત રીટર્ન ટીકીટ યાદ આવે છે!
More Stories
સુરત-બેંગકોક ફ્લાઇટના મજેદાર સમાચારથી એરલાઇન ફૂડના સુવર્ણ યુગની યાદ તાજી
એક હતો બગલો ……..
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…