બહુ પ્રાચીન એટલે કે ઈ. સ.પૂર્વે 300 આસપાસના સમયની વાત છે.
ગ્રીસના એથેન્સ શહેરમાં એગ્નોડાઈસ નામની એક મહિલા શેરીઓમાં ફરી રહી હતી. ત્યા તેણે એક ઘરમાંથી સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. તે સ્ત્રી પ્રસુતિ પીડાથી રડી રહી હતી.
એગ્નોડાઈસે બારણું ખખડાવ્યું અને અંદર જઈને પેલી સ્ત્રીને પ્રસુતિ કરાવવામાં મદદ કરવાની ઓફર કરી. પેલી સ્ત્રી તે માટે તૈયાર ન થઈ .
પ્રાચીન ગ્રીસમાં સ્ત્રીઓને મેડિકલનો અભ્યાસ કરવાની મનાઈ હતી. સ્ત્રીઓએ જરુર પડે તો પ્રસુતિ મને-કમને પુરુષ ડોક્ટરો પાસે જ કરાવવી પડતી.!
એગ્નોડાઈસને મેડિકલનો અભ્યાસ કરવાની ખૂબ ઈચ્છા હતી. હવે ગ્રીસમાં તો સ્ત્રીઓને તે માટે મનાઈ હતી એટલે તેણે પુરુષ વેશ ધારણ કર્યો , વાળ પણ કપાવી નાખ્યા અને એલેક્ઝાન્ડ્રિયા મેડિકલ સ્કૂલમાં એક પુરુષ તરીકે એડમિશન લીધું.
મેડિકલ એજ્યુકેશન પૂરું કર્યા પછી એગ્નોડાઈસ પુરુષ વેશમાં જ ફરતી.
પ્રસુતિ પીડાથી રડતી પેલી સ્ત્રી એગ્નોડાઈસ પાસે સારવાર કરાવવા રાજી ન થઈ કારણકે તે પુરુષ પાસે પ્રસુતિ કરાવવા નહોતી ઈચ્છતી.
એગ્નોડાઈસે તેને ગોપનીયતા સાથે પોતાની સાચી ઓળખ આપી અને પોતાના વસ્ત્રો ઉતારીને પણ પોતે સ્ત્રી હોવાની સાબિતી આપી .પછી તેણે પેલી સ્ત્રીની સફળ પ્રસુતિ કરાવી.
આ વાત સ્ત્રીઓમાં ફેલાઈ ગઈ અને બધી બીમાર સ્ત્રીઓ જેઓ પુરુષ ડોક્ટરો પાસે ઈલાજ કરાવવા નહોતી ઈચ્છતી તે બધી એગ્નોડાઈસ પાસે સારવાર કરાવવા લાગી.
એગ્નોડાઈસ તો જોતજોતામાં લોકપ્રિય થઈ ગઈ અને સફળ ડોક્ટરમાં તેની ગણના થવા લાગી.
પુરૂષ ડોકટરોને એગ્નોડાઈસની આ સફળતા અને લોકપ્રિયતા જોઈ તેની ઈર્ષ્યા થઈ.
તેઓ તો એગ્નોડાઈસને પુરુષ જ સમજતા હતા.
ડોક્ટરોએ તેના પર આરોપ મૂક્યો કે એગ્નોડિસ સ્ત્રી દર્દીઓને પોતાની પાસે સારવાર કરાવવા માટે આકર્ષિત કરે છે જેનો મેડિકલ પ્રોફેશનમાં નિષેધ છે.
એગ્નોડાઈસને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી. ન્યાયધીશોએ એગ્નોડિસને તે આરોપ બદલ મૃત્યુદંડની સજા ફટકારી.
અંતે પોતાનો જીવ બચાવવા માટે એગ્નોડાઈસે કોર્ટમાં પોતાની ઓળખાણ જાહેર કરવી પડી. તેણે કોર્ટ સમક્ષ કહ્યું કે તે એક સ્ત્રી છે, પુરુષ નથી.
પરંતુ તેની મૃત્યુ દંડની સજા માફ ન થઈ.!
આ વખતે કોર્ટે તેને મહિલા થઈને મેડિકલનો અભ્યાસ કરવા બદલ અને મેડિકલની પ્રેક્ટિસ કરવા બદલ મૃત્યુદંડની સજા કરી.
બધી સ્ત્રીઓએ આ ચૂકાદા સામે બળવો કર્યો, જેમાં મૃત્યુદંડની સજા આપનાર ન્યાયાધીશોની પત્નીઓ પણ સામેલ હતી.!
કેટલીક સ્ત્રીઓ એ તો એવું પણ કહ્યું કે જો એગ્નોડાઈસને મારી નાખવામાં આવશે, તો તેઓ પણ તેની સાથે મોતને વ્હાલું કરશે.!
ન્યાયાધીશો તેમની પત્નીઓ અને અન્ય મહિલાઓના દબાણ સામે લાચાર થઈ ગયા.
અંતે ન્યાયાધીશોએ એગ્નોડાઈસની સજા માફ કરી દીધી.
ત્યારબાદ સ્ત્રીઓને પણ મેડિકલનો અભ્યાસ તથા પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી પણ એ શર્ત પર કે તેઓ માત્ર સ્ત્રીઓની જ સારવાર કરી શકશે.
આમ પ્રચલિત કથા મુજબ એગ્નોડાઈસ ઇતિહાસમાં પ્રથમ મહિલા ડૉક્ટર અને ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રસિદ્ધ થઈ.
(સૌજન્ય :હરીશ મોઢા)
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર