મહાનાયકના જન્મ દિવસની અભિનવ ઉજવણી
07-10-22
અમીતાભ બચ્ચનના 80 માં જન્મ દિવસની અનોખી ઉજવણીની તૈયારીઓ થઇ ચુકી છે. ફિલ્મ હેરીટેજ ફાઉન્ડેશન દ્વારા દેશમાં એક અભિનવ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન થઇ ચુક્યું છે, જેમા ઓક્ટોબર ૮ થી ૧૧ દરમ્યાન દેશના ૧૭૨ જેટલા થીયેટરોમાં બચ્ચનની આઇકોનિક ફિલ્મો રજુ થશે.
મુંબઈ, દિલ્હી, કોલકતા, બેંગલુરું, અને હૈદરાબાદ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા , રાયપુર, કાનપુર,કોલ્હાપુર, પ્રયાગરાજ, અને ઇન્દોર જેવા શહેરોમાં પણ મોટા પડદે ‘ડોન થી નમકહલાલ’સુધીની કુલ ૧૧ ફિલ્મો રજુ થશે.
આ અનોખા ફેસ્ટીવલની પરિકલ્પના અને પ્રકલ્પની ક્રેડીટ આપણે ફિલ્મ હેરીટેજ ફાઉન્ડેશના ડીરેક્ટર શ્રી શીવેન્દ્રસિંહ ડુંગરપૂરેને આપવી ઘટે. શીવેન્દ્રસિંહ વિષે હું અગાઉ બે પોસ્ટ લખી ચુક્યો છું.
આવા એક અનોખા ફિલ્મ ફેસ્ટીવલ વિષે જાણીને બચ્ચનજી ખુશ છે અને કહે છે કે “ મારી પ્રારંભિક સીનેયાત્રાની આ બધી ફિલ્મો મોટા પરદા પર ફરી રજુ થશે એવી કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી. માત્ર મારુ કામ જ નહિ , પરંતુ ડિરેક્ટર્, સાથી કલાકારો અને એ બધી ફિલ્મોના ટેકનીશયન્સની મહેનત અને કલા –કૌશલ્યને ઉજાગર કરવા માટેની આ એક નોંધપાત્ર પહેલ છે”
બસ , આ ફિલ્મ ફેસ્ટીવલની ઉજવણી ટાણે મને મારા આત્મીય મિત્ર જે ડી ( જશુભાઈ દરુભાઈ પટેલ) ની ખુબ યાદ આવે છે . દેશ-વિદેશમાં મહાનાયકના લાખો ફેન્સછે, પરંતુ જે ડી પટેલ જેવા બીગ-બીના બીગ ફેન મેં હજુ બીજા કોઈ જોયા નથી!
એવી ભાગ્યેજ કોઈ ફિલ્મ હશે જે ફિલ્મ અમને જેડીએ એના પૈસે અમને ન બતાવી હોય! બીગ-બીની ફિલ્મને પહેલા જ દિવસે અને પહેલા જ શોમાં જોવાનો પણ જે ડી નો એક રેકોર્ડ યાદ આવે!
જેડીનું પણ એક મોટું ફેન ફોલોવિંગ હતું જેમાં એમના સગાવહાલા , મિત્રો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થતો. જે ડી બધા જ ને અલગ અલગ ગ્રુપમાં અમિતાભની ફિલ્મો જોવા લઇ જતા. આ રીતે તેઓ એક જ ફિલ પાંચ –સાત વાર નિહાળતા. ત્યારબાદ પણ જે ડી મને ફરી એક વાર એની સાથે લઇ જાય અને મને કહે કે “ હવે આ ફિલ્મ વિષે તમે મને કંઇક વિશેષ કહો”
એક વાર અમે ‘અક્સ’ ફિલ્મ જોઈ, જે મને ખુબ બોરિંગ લાગેલી!
કવિ સુરેશ દલાલનો જન્મ દિવસ પણ ઓક્ટોબર ૧૧. ઘણા મિત્રો એમને ગુજરાતી કવિતાના બચ્ચન કહેતા!
વિશ્વના જાણીતા –અજાણ્યા કવિઓની એમને ગમતી કવિતાઓને આપણી ભાષામાં ઉતારીને સુરેશભાઈએ ‘કાવ્ય વિશ્વ’ ગ્રંથ તૈયાર કર્યો.
એ ગ્રંથનું અનાવરણ અમિતાભના પિતાજીના વરદ્દ હસ્તે થાય એવી એમની ઈચ્છા હતી, પરંતુ એ ઈચ્છા પૂરી ન થઇ શકી. હરિવંશરાય બચ્ચનનું અવસાન થયું. ત્યારબાદ સુરેશભાઈએ ભાવના સૌમૈયાના સહકારથી બચ્ચનની મુલાકાત લીધી અને આ પુસ્તકનું વિમોચન કરવા માટે અમિતાભને વિનંતી કરી.ભાવના બેન ત્યારે બચ્ચનના સહયોગી હતા. અમિતાભ ના ન પાડી શક્યા.
મુંબઈમાં આયોજિત આ લોકાર્પણ સમારંભમાં સુરેશભાઈના કહેવાથી મારા વડીલ બંધુ આદરણીય શ્રી રમેશ પુરોહિતે મને નિમંત્રણ આપ્યું.
રમેશભાઈ ત્યારે રીલ્યાન્સમાં PRO હતા.
નરીમાન પોઈન્ટ પર આવેલી મેકર્સ ચેમ્બરમાં જઈને મેં મારી ટીકીટ એકત્રિત કરી. રમેશભાઈ સાથે મારી આ પહેલી મુલાકાત હતી.
એમણે જેવું મારા પરિવાર અંગે ખબર-અંતર પૂછવાનું શરુ કર્યું એટલે હું તો આશ્ચર્ય ચકિત થઇ ગયો. મેં પૂછ્યું કે “ તમે મારા મોટાભાઈ –બહેનને કઈ રીતે ઓળખો?”
મારા આ પ્રશ્નથી એમને પણ આશ્ચર્ય થયું. એને ખબર પડી ગઈ કે ‘દિલીપ મને એક કવિ-સંપાદક-લેખક તરીકે જ ઓળખે છે’. એમની ધારણા સાચી હતી. મેં સ્પષ્ટતા કરી અને કહ્યું કે “ હું આપને માત્ર લેખક અને સંપાદક તરીકે જ ઓળખતો હતો. આપણા પારિવારિક સંબંધની મને બિલકુલ જાણ નહોતી” તેઓ ખુબ હસ્યા. એ રાત્રે સુરશભાઈને હું ગ્રીન રૂમમાં મળ્યો. એમણે મને એક બાજુ બેસી જવા ઈશારો કર્યો. હું ખૂણામાં બેસી ગયો. ત્યારે તુષાર શુક્લને મેં પહેલી વાર જોયેલા.
થોડીવારમાં બચ્ચન પ્રવેશ્યા. એમની સાથે મારું હસ્ત ધૂનન થયું. બચ્ચન સાથે આ મારી ત્રીજી મુલાકાત હતી.
એકાદ ક્ષણમાં તેઓ બહાર આવ્યા , હવામાં હાથ હલાવી બધાનું અભિવાદન ઝીલ્યું. પુસ્તક લોકાર્પણ થયું. અમિતાભે સુંદર પ્રવચન આપ્યું, એમના પિતાજીની બે કવિતાઓ પણ રજુ કરી.
સુરેશભાઈ અને બચ્ચનને એક જ મંચ પર એકબીજાને ગળે લગાવતા જોવાનો રોમાંચ હજુ પણ ૨૨ વર્ષ બાદ અકબંધ છે.
એ દિવસે શ્રી નરેન્દ્ર મોદી મારી બાજુમાં જ બેઠેલા અને એમને મંચ પર પણ ક્યાંય સ્થાન નહોતું મળ્યું! અને હા , આપણા વડોદરા સાવલીના પ્રો. કવિ જયદેવ શુક્લ પણ આ સમારંભમાં હતા.
આ વાત ૨૦૦૧ની છે. આ વાત અગાઉ પણ હું અહી વિસ્તારથી લખી ચુક્યો છું, એટલે અટકું ! બચ્ચ્ચનના જન્મ દિવસે સ્વાભાવિક મને સુરેશભાઈ અને જેડી પટેલની યાદ વિશેષ આવે જ, એટલે ફરી ફરીને એ મધુર સ્મૃતિઓ ‘શેર ‘કરી છે.
બચ્ચનના જન્મદિવસની આવી અનોખી ઉજવણી માટે ફરી એક વાર શીવેન્દ્રસિંહજીને અભિનંદન!
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર