CATEGORIES

October 2024
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
Saturday, October 5   12:07:46

એક છોટા સા ગાંવ , ઊસમે પીપલ કી છાંવ !

ટાઈમ્સ ઓફ ઈંડિયામાં આવેલ બે સમાચારે મને આ લાંબી લચક પોસ્ટ લખવાની ફરજ પાડી છે ! લાંબી તો લાંબી ..પણ આ પોસ્ટ તમને પણ ક્યાંક અતિતવનમા આંટો મારવા લઈ જાય તો મારી ખુશી બેવડાશે એ નક્કી ! તો પ્રથમ સમાચાર એ છે કે ગુજરાતમાં આમૂર જાતિનું બાજ પક્ષી આવી ચડ્યું છે.
આમ તો આ પક્ષી હાલ નાગાલેંડ ,આસામ માં જોવા મળે જ છે. આફ્રિકા થી હજારો કિલો મીટરનું અંતર કાપતી વેળા આ બાજ પંખી વચ્ચે નાગાલેંડ માં થોડો વખત રહે છે. આમૂર બાજ વિષે એવું કહેવાય છે કે એ સૌથી લાંબામાં લાંબો રુટ લઈને સ્થળાંતર કરતાં હોય છે. 32 હજાર કિલોમીટર નું ઉડ્ડયન કરીને પોરબંદર તરફથી આમૂર ત્રીજી મે ના રોજ ગીરના જંગલમાં પ્રવેશ્યુ છે . એના ગળામાં એક રેડિયો ટેગ પણ જોવા મળેલી છે. વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા 15 જેટલા આમૂર ફાલ્કનને રેડિયો ટેગ લગાડીને એનો અભ્યાસ કરવામાં આવે છે. એક જમાનામાં નાગાલેંડમાં આ પક્ષી નો વિપુલ પ્રમાણમા શિકાર થતો હતો , પરંતુ , હવે એને રક્ષણ મળ્યું છે.
વર્ષો પહેલા આ જ પક્ષીને અમે અમારા આંગણાના પીપળા પર આવી ચડેલું જોયેલું ! એ સમયે અમારા પીપળા પર કાગડાઓ આ પક્ષીને જોઈને જે રીતે ભયભીત થયેલા એ પણ યાદ આવે છે! એ લગભગ એક રાત રોકાયેલું અને બીજા દિવસે અદ્રશ્ય થઈ ગયેલું. આ બાજ આફ્રિકા પાછા જતી વેળા સૌરાષ્ટ્રને એક વે પોઈન્ટ બનાવે છે . પક્ષીઓ ના માર્ગમાં અનેક સ્થળો માઇલસ્ટોન જેવા હોય છે. યાયાવર પક્ષીઓ હમેશા એના નકશા મુજબ જ સ્થળાંતર કરતાં હોય છે.
બીજા સમાચાર એ છે કે ‘કાવેરી વાઇલ્ડ લાઈફ સેંકચૂરી’ માં એક ગ્રે વુલ્ફ ( Grey Wolf) જોવા મળ્યું છે.
કોરોનાની આ સાઈડ ઇફેક્ટ્સ છે , અને આ સાઈડ ઇફેક્ટ્સ કોરોનાની ગંભીરતાને અને વિકરાળતાને ઘડીભર ભુલાવી દે છે ! નીલાંબર નીલ છે , નદીઓ નિર્મળ છે , સરોવરો સ્વચ્છ અને સ્ફટિક જેવા પારદર્શક દેખાય છે! ગ્રહો અને તારાઓ જાણે હાથવેંત છેટા હોય એવું લાગે છે! ચોમેર શાંતિ છે ! યજુર્વેદનો ‘શાંતિ મંત્ર’ આજકાલ સાકાર થઈ રહ્યો હોય એવી અનુભૂતિ થાય છે! મૃત્યુના ભય વચ્ચે આવી પડેલ આ શાંતિ અને સૌંદર્ય પણ મને ગમે છે!
આજથી 40 -42 વર્ષ પહેલા અમારા ગામના પાદરમાં કાળા વરુઓની સાથે અમે આ ભૂરીયા વરુઓને પણ જોયેલા. ત્યારે પહેલી વાર મનમાં વિચાર આવેલો કે આવા ભૂરીયા વરુઓ પણ હોય છે!
વરુ જેવુ એક બીજું પણ વિચિત્ર /વિશિષ્ટ પ્રાણી અમે એક વાર જોયેલું. ગામના પાદરથી દૂર એક મિત્રની વાડીમાં એ પ્રાણી જોયેલું, જેને સ્થાનિક ભાષામાં ‘બામ ‘ કહેતા !
કોઈ છોકરો કે છોકરી કે કોઈ વ્યક્તિ જરાક ઓછીબુધ્ધિનો હોય ત્યારે એને ‘ ‘બુધ્ધિનો બામ ‘ જેવુ ઉપનામ મળતું ! કોઈવાર ‘બામ જેવો આ માણસ છે’ એવું પણ
સાંભળવા મળતું. આ બામ વિષે ખાસ માહિતી નથી . વાચક મિત્રો જરૂર આપી શકે.
ઝાડી-ઝાખર ‘ને જંગલ વચ્ચે ઉછરેલ અમારા બાળપણ દરમ્યાન આવા તો ઘણા પ્રાણીઓ સાથે અમારો ઘરોબો થયો જેની અનેક સ્મૃતિઓ આજે અમારી સ્મૃતિ મંજૂષામાં પડેલી છે .
ઘોરખોદિયા સાથે પણ એક વાર મુલાકાત થયેલી ! ઘોરખોદિયા વિષે પણ કપોળકલ્પિત વાતો સાંભળેલી. વર્ષો પછી ખબર પડીકે એને કીડી ખાઉ કહે છે. આ પ્રાણી સતત માટી ને ખોદતું જોવા મળે છે.
નોળિયા અને સાપ એ લગભગ રોજીંદી ઘટના ગણાતી.
ફણીધર એટ્લે કિંગ કોબ્રા માટે આજે પણ અમારું ગામ સનવાવ ખૂબ જાણીતું છે. વર્ષો લગી અમારૂ ઘર અને આસપાસના બીજા દેશી ઘરો પણ ‘સર્પ ઉછેર કેન્દ્ર’ જેવા જ બની રહ્યા ! છેલ્લા 30 વર્ષોમાં ગામના ઘણા લોકો સર્પ દંશનો ભોગ બનીને મૃત્યુ પામ્યા. 14 થી 18 વર્ષની વયમાં મે કદાચ એકાદ ડઝન સર્પ માર્યા હશે.ગામડાઓમાં તે સમયે કોઈ પ્રશિક્ષિત સાપ પકડનારા નહોતા. અમારા ઘરમાં જ્યારે સાપ દેખા દેતો ત્યારે મારી બા હમેશા અમને રોકતી અને કહેતી “ એ વયો જાશે , એને ન મારશો “ ઘરના પાણીયારા ની લાંબી પથ્થર ની પાટ પર સૂતેલા સાપ જોડે મારી બા ઘણી વાર એવી રીતે વાત કરતાં જાણે પેલાને બે કાન પણ હોય અને સાંભળતો હોય ! કલાક –બે કલાક બાદ સાપ ક્યાંક ઉંદરની શોધમાં નીકળી પડતો ! પછી તો અમે બધા ટેવાઇ ગયેલા , પરંતુ , એવું બનતું કે જ્યારે ઘરે મહેમાન હોય ત્યારે જ સાપ દેખા દેતો ! હજુ થોડા વર્ષો પહેલા જ ઢળતી બપોરે ઘરની વચ્ચે સૂતેલા અમારા પરિવાર પર ઘરના મોભ પરથી સાતેક ફૂટનો કોબ્રા પડેલો એ યાદ આવે છે!
આંગણામાં એકાદ સદીથી બે વૃક્ષો …એક વટવૃક્ષ અને એક પીપળો ઉભેલા છે. . આ બે વૃક્ષો ની ઘેઘૂર છાંયામાં આજે પણ બે પરિવારોનું જીવન વીતી રહ્યું છે.
શિયાળામાં એક- બે લીલા રંગના કાંચીડા મહેમાન બનીને વડલા પર આવી જતાં . અમે એને ‘સાંઢા’ કહેતા !
આ કાંચિડા પરદેશી કાંચીડા હોય એવું લાગતું . આ લીલા સાંઢા વટવૃક્ષના લીલાપાન સાથે એકરૂપ થઈ જતાં , પરંતુ સ્થાનિક કાંચીડા એને શોધી કાઢતા અને પછી આ બે કાંચીડા વચ્ચે મહા યુધ્ધ થતું . અમને આ ફાઇટ જોવાની ખૂબ મજા પડતી . કોઈ વાર લડતા લડતા બેય બળિયા ડાળી પરથી નીચે પડે ત્યારે ફાઇટનું ક્લાઇમેક્સ સર્જાતું ! થોડીક જ સેકંડોમાં બે ય કાચીંડા અદ્રશ્ય પણ થઈ જતાં ! આ ફાઇટની અમને સતત પ્રતિક્ષા રહેતી !
ઓસ્ટ્રેલિયામાં આ લીલા કાંચિડા ના દર્શન થયા ત્યારે વર્ષો જૂનો કોઈ દોસ્ત મળી ગયો હોય એવો આનંદ થયેલો!
વર્ષમાં એકાદ વાર પીપળા કે વડલાની ડાળી પર પાટલા ઘો પણ જોવા મળતી. એ પણ પક્ષીઓના ઈંડા ખાવા જ આવતી.
કોઈ વાર સાપ જ્યારે વડલા કે પીપળા પર ચડીને કાગડાના માળામાં પહોંચે ત્યારે કાગડાઓ અને બીજા પક્ષીઓ બૂમાબૂમ કરીને ફળિયું ગજાવી દેતા , પરંતુ સાપ કોઈને પણ ગાંઠયા વિના ઈંડા ખાઈને જ પાછો ફરતો !
ચોમાસામાં વીંછી નું જોર પણ બહુ વધી જતું . ચોમાસાના પ્રથમ વરસાદ બાદ અમે ટેકરીઓ પર વીંછી શોધવા નીકળી પડતાં ! નાનકડો કાળમીંઢ પથ્થર ઊંચકીએ એટ્લે માતા વીંછી એના ત્રણ ચાર બચ્ચા સાથે જોવા મળતી ! ક્યારેક કાળો વીંછી પણ જોવા મળે .
ગામની પૂર્વે ગૌચર માં આવળનું જંગલ હતું . ચોમાસામાં પીળા ફૂલથી એ ઝાડી શોભી ઉઠતી ! આવળના ઝાડ સાથે જ પલાસના વૃક્ષો પણ અસંખ્ય જોવા મળતા ! ગામથી થોડેક દૂર સીમમાં તો પલાસવન જ હતું . વસંતમાં આખુંયે પલાસ વન કેસૂડાથી શોભી ઊઠતું. જંગલમાં શાહુડીઓ પણ જોવા મળતી. ચોમાસામાં ‘શીળો’ પણ જોવા મળતો. ઉંદર જેવડું કાંટા વાળું આ પ્રાણી અદભૂત હતું. ઝાડીની અંદર શાહુડીઓ છુપાયેલી રહેતી. શાહુડીનો અમને ખૂબ ડર લાગતો !
શાહુડીના પીંછા અમે ખાસ ભેગા કરતાં . આ પીંછા સાથે અનેક માન્યતાઓ જોડાયેલી રહેતી. સસલા બે પ્રકારના જોવા મળતા . એક સફેદ રંગનારેબિટ અને બીજા કાળા અને ભૂખરા રંગના( hare) . જંગલી કાચબા ખાસ તો ચોમાસામાં બહુ જોવા મળતા. એક વાર તો હું એ કાચબાને ઘરે પણ લઈ આવેલો!
મારો મિત્ર બાબુ સસલાંનો અદભૂત શિકારી હતો. ગિલોલ થી જ એ તેતર અને સસલાં નો શિકાર કરતો !
ગામની સીમમાં કોઈવાર નીલગાય પણ આવી ચડતી . કોઈવાર સીમમાં હરણા પણ આવી ચડતા ! એ વખતે ‘કૂતીદીપડા’ નામની દીપડાની પ્રજાતિ હતી . બહુ નાની સાઇઝ માં દીપડા જોવા મળતા !!
અમારી રૂપેણ નદી ગીર વિસ્તારની એવી નદી હતી જ્યાં બારે મહિના પાણી રહેતું. નદી પર અંગ્રેજના જમાનાનો બંધ પણ હતો અને સિંચાઇ ની અદભૂત વ્યવસ્થા હતી . નદીના કિનારે જ્યાં જ્યાં પણ ઊંડું પાણી હોય ત્યાં નદીમાં એક એક ફૂટ લાંબી માછલીઓ જોવા મળતી. ખૂબ નાની વયે મે અમારી નદીમાં એક સ્થળે જળ બિલાડીઓ પણ જોયેલી એ યાદ છે. આજે તો જળ બિલાડી કોઈ જળાશય માં જોવા નથી મળતી ! જળ સર્પોની સાથે અમારી દોસ્તી થઈ ગયેલી. અમને ક્યારેય એની બીક ન લાગતી ! નદી કિનારે ક્યારેક ગામના જુવાનિયાઓ કરચલા પકડતા અને ત્યાં કિનારે જ તાપણું કરીને એમાં કરચલા શેકીને આરોગી જતાં !
અમારા પાડોશી મેઘાભાઈ સપરિવાર નદીએ માછલીઓ પકડવા જતાં.
મોટા માછલાને સ્થાનિક ભાષામાં અમે ‘ડોળું” કહેતા. મેઘાભાઈને કુબે સાંજે એ ડોળું ખરીદવા ક્યારેક હું અને મારો મિત્ર ઈસ્માઈલ જતાં. મેઘાભાઈના ધર્મ પત્ની એ જાડી –મોટી માછલીના બે ટુકડા કરીને, વજન કરીને અમને થેલીમાં એ માછલીઓભરી આપતા. મેઘાભાઈને ત્યાં તેતર અને સસલાં પણ વેચાતા.
કોઈ વાર શિયાળામાં રાત્રિના શાંત વાતાવરણમાં શિયાળવાનું ચિત્ર –વિચિત્ર વૃંદગાન અમારી ઊંઘમાં ખલેલ પહોંચાડતું. ગામને ઝાંપે જ લોમડીઓ રહેતી.
શુક્લપક્ષમાં ચંદ્રમાના પ્રકાશમાં કોઈવાર કાગડાઓ પણ ગેલમાં આવીને રાત્રે 2 વાગે સમૂહ ગાન શરૂ કરી દેતા ! એવું લાગતું કે જાણે કાગડાઓ LUNATIC બની ગયા હોય !
સીમમાં જતી વખતે રસ્તામાં કયારેક જરખના દર્શન પણ થઈ જતાં .
ગામને ઝાંપે કોઈવાર ગાય કે બળદનું શબ પડ્યું હોય ત્યારે વરુઓને મજા પડી જતી ! એ વખતે ગીધ , વરુઓ અને કૂતરા વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાતો ! ગીધના ટોળાં સામે એકાદ વરુ અને બેચાર કુતરાઓ હારી જતાં ! દૂર ઊભા ઊભા અમે આ લડાઈનો ભરપૂર આનંદ માણતા ! એમતો સાપ અને નોળિયા ની લડાઈ પણ ક્યારેક જોવા મળતી ! કાળમીંઢ પથ્થરો નાની નાની ટેકરીઓની ગોદમાં આવેલું મારૂ ગામ ચોમાસમાં તો લીલી છમ્મ ટેકરીઓથી શોભી ઊઠતું !
થોડા વર્ષો પહેલા જ એ વિશાળ પથ્થરો નજીક ની એક સિમેન્ટ કંપની લઈ ગઈ અને એ ટેકરીઓ પર હવે ગ્રામજનોના ગેરકાયદેસરના નિવાસો બની ચૂક્યા છે. અમારી રૂપેણ નદીમાં પણ હવે માત્ર ચાર-છ મહિના જ પાણી રહે છે. ગીરનું જંગલ હવે ધીરે ધીરે સાફ થતું ગયું છે.
બસ, આવી પ્રાણી શ્રુષ્ટિ વચ્ચે બાળપણ અને તરુણ અવસ્થાના અમારા વર્ષો ક્યાં વીતી ગયા એની ખબર જ ન પડી ! પણ , આજે એ દ્રશ્યો મેમરી ની હાર્ડ ડિસ્ક માં એવાને એવા સચવાયેલા છે