20-05-22
ભારતીય સિનેમા હવે નુતન સીમાચિન્હ સર્જવા તૈયાર છે
Written by Dilip Mehta
બે વર્ષ બાદ ફ્રાંસના કાન સિટીની ભૂમિ પર કાન ફેસ્ટિવલનો ગઇકાલે પ્રારંભ થયો. કાન ફિલ્મ ફેસ્ટિવલનું આ 75મુ વર્ષ છે. ભારતીય સિને તારિકા દિપીકા કાન ફેસ્ટિવલના સમાચારમાં વિશેષ આકર્ષણ છે.
આમ તો 2010થી દિપીકા આ ફેસ્ટિવલનો હિસ્સો બની રહી છે, પરંતુ આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલના 75માં વર્ષે એક જયુરી મેમ્બર તરીકેની એની પસંદગી અને ભૂમિકા ઇંડિયન ફિલ્મ ફ્રેટરનિટી અને ભારતીય દર્શકો માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. રેબેકા હૉલ, નૂમિ રેપેક, જસ્મિન ટ્રિંકા જેવી ફિલ્મ હસ્તીઓ જોડે દિપીકા વિશ્વ સિનેમાની સમિક્ષા અને અવલોકન કરી રહી છે, ત્યારે એના ભાવ- સંવેદનો શું છે ?
ભારતીય અને વૈશ્વિક સિનેમા તરફના એના exposure વિષે દિપીકા કહે છે કે “ હું એક એવી વ્યક્તિ છુ જેણે એની જિંદગીમાં
બહુ મોડે મોડે ફિલ્મો જોવાની શરૂઆત કરી. હું એક્ટર બની એ પહેલા એક એથલેટ હતી. મારા ઘણા બધા મિત્રો પુષ્કળ ફિલ્મો જોઈને મોટા થયા છે, અને હું જ્યારે પહેલ વહેલી ઈન્ડસ્ટ્રી ( બૉલીવુડ)માં પ્રવેશી ત્યારે હું એમની સાથે વાતો કરતી એ સમયે મને હું કોઈ અજાણી જગ્યા એ આવી ગઈ હોય એવું લાગતું કારણકે એ લોકો હંમેશા એમણે જોયેલી ફિલ્મો વિષે , એના ડાયલોગ્સ વિષે, મ્યુઝિક વિષે, એક્ટર્સ વિષે ખૂબ લાંબી ચર્ચા કરતાં. મારે માટે એ બધુ એલિયન જેવુ હતું. હું કોઈ પરગ્રહવાસી હોય એવું મને ત્યારે લાગતું. એનું એક જ કારણ હતું કે હું બિલકુલ જુદી જ પૃષ્ઠ ભૂમિ માંથી અહી આવેલી હતી. મારો ઉછેર , મારૂ બાળપણ અને મારી લાઈફ તદ્દન જુદી હતી. હું બેડમિન્ટન કોર્ટમાં હતી. એક અર્થમાં, એ જિંદગી એક ખાસ માળખા (સ્ટ્રક્ચર)માં અને શિસ્તમાં હતી. મૂવીઝ માટે સમય જ નહોતો. વર્ષમાં હું માંડ એકાદ બે ફિલ્મો જોઈ શકતી. એટ્લે , એક્ટર બન્યા પછી, છેલ્લા કેટલાક વર્ષોથી જ મે ફિલ્મો જોવાની શરૂઆત કરી છે , અને મારે હજુ ઘણું ઝીલવાનું અને ગ્રહણ કરવાનું બાકી છે”
ફિલ્મો વિષે દિપીકા કહે છે કે “ એક એક્ટર તરીકે તમે વિશ્વના દરેક ભાગ માંથી જુદા જુદા પ્રકારની જેટલી શક્ય હોય તેટલી વધુ ફિલ્મો જુવો છો. એ ફિલ્મ સારી હોય કે ખરાબ હોય , પરંતુ એમાથી ઘણું બધુ શીખવાનું હોય છે. શૈક્ષણિક ભૂમિકાએ પણ તમે જ્યારે ફિલ્મ જુવો છો ત્યારે એમાથી ઘણું શીખવાનું હોય છે.
વૈશ્વિક કક્ષાએ ભારતીય ફિલ્મો ણે વ્યાપક આવકાર મળી રહ્યો છે, સન્માન મળી રહ્યું છે, અને દેશમાં પણ હવે આપણે એક જુદાજ વળાંકે આવીને ઊભા છે. એક નવી ઊંચાઈએ ઊભા છે. એક સમયે હિન્દી ઈન્ડસ્ટ્રી હતી , તેલુગુ ઈન્ડસ્ટ્રી હતી , તામિલ સિનેમા ઉદ્યોગ હતો, મલયાલમ વગેરે ફિલ્મ નિર્માણ ઉદ્યોગ હતો, એક પ્રકારનું એકાંત હતું -,અલગાવ હતો,
પરંતુ હવે એ બધી રેલિંગો ( GUARDRAILS)નથી રહી. છેલ્લા ઘણા વર્ષોથી કાન ફેસ્ટિવલે ઘણા બધા ભારતીયોને જયુરી મેમ્બર તરીકે , રેડ કાર્પેટ પર, ફિલ્મ સ્ક્રીનિંગ્સ તરીકે જોયા છે. 1990 થી પ્રતિષ્ઠિત સ્પર્ધાની કેટેગરીમાંથી ભારતીય ફિલ્મો જોવા નથી મળી” . શું ઘટે છે ?
દિપીકા કહે છે કે “ વેલ, પ્રમાણિકતા પૂર્વક, ભારત સ્વયં 1.3 બિલિયન લોકોનો બનેલો એક વિશાળ દેશ છે. આપણાં દેશમાં જ બીજા અનેક દેશો આવેલા છે. હું માનું છુ કે આપણીસર્જનાત્મક શક્તિનો મોટો હિસ્સો એની સેવામાં જાય છે , એની જરૂરિયાતોને પોષવામાં ખર્ચાય છે. આપણે ગ્લોબલ બ્રેક થ્રૂ ( global breakthrough)મેળવી શકીએ એ હવે એક સમયની બાબત છે. સમયનો તકાજો છે. ભારતીય સિને ઉદ્યોગ હવે જે રીતે વિશ્વના દેશો સાથે હાથમાં હાથ મેળવીને વિકસી રહ્યો છે એ એક આશાસ્પદ બાબત છે.”
અંતમાં દિપીકા ખૂબ નમ્ર નિવેદન કરે છે કે “ કાન ફિલ્મ ફેસ્ટિવલ જ્યુરીનો એક હિસ્સો બનવું એ કોઈ વ્યક્તિગત વિજય નથી , વિશ્વના એક ભાગ તરીકે પ્રત્યેકનો આ વિજય છે.
CONGRATULATIONS, DEEPIKA!
ભારતીય સંસ્કૃતિની સુગંધ ફેલાવતી છ ફિલ્મો આ વર્ષે ત્યાં ભાગ લઈ રહી છે.
આર.માધવનની Rocketry: The Nambi effect, નિખિલ મહાજનની ‘ગોદાવરી’, શંકર શ્રીકુમારની ‘Alpha, Beta, Gamma’, બિશ્વજિત બોરાની ફિલ્મ ‘ બુમ્મારાઈડ’ , જયરાજની ‘Tree full of parrots’ અને બીજી બે.
દુખની વાત એ પણ છે કે ‘ગોદાવરી’ ફિલ્મના નિર્માતા –ફિલ્મ મેકર નિશિકાંત કામથ હવે આ દુનિયામાં રહ્યા નથી.
આ છ ફિલ્મો વિષે લખવા માટે બીજા બે ત્રણ લેખો જોઈએ.
કાન ફેસ્ટિવલના બીજા વિભાગોમાં આપણી કેટલીક ક્લાસિક ફિલ્મો અને દસ્તાવેજી ફિલ્મો પણ રજૂ થવાની છે.
શિવેન્દ્ર ડુંગર પૂરે વર્ષોથી ફિલ્મ રિસ્ટોરેશન નું જે કામ કરી રહ્યા છે , એ વિષે પણ એક અલગ પોસ્ટ થઈ શકે.
‘કલ્પના’ ફિલ્મનુ restored વર્ઝન પણ ત્યાં રજૂ થવાનું છે.
જી અરવિંદનની એક ક્લાસિક ફિલ્મ જે હવે રિસ્ટોર થઈ છે , એ પણ ત્યાં રજૂ થવાની છે.
સૌનકસેન ની એક અદભૂત ડોક્યુમેન્ટરી ‘All that breaths’ પણ ખાસ વિભાગમાં રજૂ થશે. આ ફિલ્મ ખરેખર અદભૂત બની છે. દિલ્હીમાં પક્ષીઓ જે રીતે આકાશમાંથી રીતસર ભૂમિ પર પટકાઈને મૃત્યુ પામે છે , એ દ્રશ્યો રજૂ કરતી આ દસ્તાવેજી ફિલ્મ બધા એ જોવી જોઈએ.
દેશના મેટ્રો સિટીઝની ઇકોલોજિ અને પર્યવરણની સ્થિતિનો આપણને તો જ ખ્યાલ આવે અને આપણી આંખ ઊઘડે.
આમ ભારતીયતા , ભારતીય સંસ્કૃતિ અને આપણી પર્યવરણીય સ્થિતિ વિષયક સુંદર ફિલ્મો રજૂ થશે. આશા રાખીએ કે એકાદ ફિલ્મને એવોર્ડ મળે.
More Stories
Indian coffee in spot light
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી
વતન : દાલ-બાટીના ચટાકાથી રાજસ્થાની કુલ્ફી સુધી