CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Monday, December 23   2:51:14

હાશ..યશવંતરાય નાટ્યગૃહ આખરે નવા રંગરુપ પામ્યું.

ભાવનગર ઉદ્યોગ ધંધાથી ભલે ધમધમતું ના હોય પણ કલા સંસ્કૃતિના સંસ્કારોથી તો ધબકતું જ રહ્યું છે. લગભગ ત્રણેક વરસ આ નાટ્યગૃહે મરામતના છાંયડે પોરો ખાધો. અઢળક કલાકારો અને તેટલા જ આયોજકો,રાજકીય અગ્રણીઓ અને પ્રચાર માધ્યમોની અપાર રજૂઆતો સામે ચૂંટણીની આલબેલનો પોકાર યશવંતરાય નાટયગૃહના પડદાને શનિવારે ઉઘાડશે.

‘રસરંગ’ના તખલ્લૂસથી શાસ્ત્રીય સંગીતની સુંદર બંદીશો શાસ્ત્રીય સંગીત જગતને ભેટ ધરનાર પોતાની કારકિર્દીના મધ્યાહ્ને માત્ર ૪૭ વર્ષનું આયખું વિતાવી ત્રીજી જાન્યુઆરી ૧૯૬૪માં સપ્તસૂરોને અલવિદા કહી પણ મુંબઈની મોર્ડન સ્કૂલના એક કર્મઠ શિક્ષક બનીને તેમણે કેટલાય કલાકારોને સંગીતનું શિક્ષણ આપ્યું. તેમની ચિરસ્મરણિય સ્મૃતિ માટે આ નાટયગૃહને તેમના નામ સાથે જોડવાનું ઉમદા કાર્ય ગુજરાતમાં થયું છે અને બીજું કાર્ય મુંબઇના વિલેપાર્લે મ્યૂઝિક સર્કલ દ્વારા તેમની સ્મૃતિમાં સંગીત હરિફાઇ યોજીને ટ્રોફી એનાયત કરે છે તેવું મેં વાંચ્યું છે.

તેમની બંદીશોની એ સમયે એક માત્ર કેસેટ HMV એ બહાર પાડી હતી. તે યશવંતરાય પૂરોહીતના ગુરુબંધુ તથા ભત્રીજા અને ભાવનગરમાં ટેબલ ટેનિસની રમતને સમર્પિત એવા ક્ષિતિષ પુરોહિતે સાચવેલા સંગીત ખજાનાને કારણે શક્ય બની હતી. યશવંતરાય નાટ્યગૃહના જિર્ણોધ્ધાર અને સાધકો અને ભાવકોને અર્પણ કાર્યક્રમને નિમિત્ત બનાવી અને ભાવનગરના કલાક્ષેત્રની નવી પ્રતિભાઓ માટે શાસ્ત્રીય સંગીતમાં તેમના યોગદાનને વાગોળ્યો છે. આપણે સહુ અપેક્ષા રાખીએ કે નવા રુપરંગ સાથેનો તખ્તો અને બેઠક વ્યવસ્થા લાંબો સમય સચવાય તે રીતે ઉપયોગ કરશે. આ નાટ્યગૃહનું સંચાલન સર્કીટ હાઉસની જેમ માર્ગ અને મકાન વિભાગ હસ્તક સોંપાશે તો તેનો રૂડો નિભાવ થશે. પણ આજે તો ભાવનગરીઓ કહે છે તખ્તા તારો આભાર.