વાત જૂન ૨૦૨૩ની છે.અમેરિકાના સિએટલની એક કાઉન્ટીમાં farmer’s Market ભરાયું હતું. આપણે ત્યાં આદિવાસી વિસ્તારોમાં સાપ્તાહિક હાટ બજાર ભરાય એવું ત્યાં આ કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે ખાસ કરીને ઉનાળામાં દર અઠવાડિયે બજાર ભરાય છે જેમાં ત્યાંના ખેડૂતો તાજા શાકભાજી, ફળો,ફળોના રસમાં થી બનાવેલા પીણા અને કેટલાક પરિવારો પરંપરાગત તાજી વાનગીઓની હાટડી માંડે છે.વચેટિયાની દખલ વગર ખેતરના પાક ખેડૂતો સીધેસીધા વપરાશકારોને વેચી શકે એવી આ વ્યવસ્થા છે. આપણે ત્યાં હવે ઓર્ગેનિક ખેત પેદાશો ના સીધા વેચાણ માટે આવા સાપ્તાહિક હાટ ભરાય છે.
આ બજારના એક ખૂણામાં એક ૬૫ થી વધુ ઉંમરની અને અન્ય બે ૮૦ થી ઉપરની મહિલાઓ,દાદીમા કહેવું વધુ યોગ્ય રહેશે ,એક ટેબલ પર સ્ટોલ ગોઠવીને ઊભી હતી.અમેરિકામાં દુકાન હોય કે હાટડી,વેચાણકાર બહુધા સતત ઊભા રહીને જ વેચાણ કરે એ ખાસિયત છે.
આ દાદીમાઓ ના સ્ટોલ માં વેચાણ માટેની કોઈ ચીજવસ્તુઓ હતી જ નહિ.મુદ્રિત સાહિત્ય હતું એનું તેઓ વિતરણ કરી રહ્યા હતા.અને એક સંકલ્પ પત્ર પર લોકોના દસ્તખત લઈ રહ્યા હતા.ચક્કર ફેરવવાની એક રમત હતી એના વિજેતાને નાનકડા ઇનામો આપવામાં આવી રહ્યા હતા.
વયોવૃદ્ધ દાદીમાઓ નો આ પરિશ્રમ જોઈ ,સહજ કુતૂહલવશ પૃચ્છા કરી તો જાણવા મળ્યું કે અમેરિકામાં વ્યાપક બનેલા ગન કલ્ચર સામે અવાજ ઉઠાવવા અને લોકમત કેળવવા નો આ એક નાનકડો પ્રયાસ ઝુંબેશના રૂપમાં તેઓ કરી રહ્યા હતા.
ગન કલ્ચર એટલે બંદૂકથી ભડાકે દેવાની સંસ્કૃતિ. આપણે ત્યાં બંદૂક જેવા અગ્નાયસ્ત્રો માટે પરવાનગી લેવી પડે છે જે એક અઘરી પ્રક્રિયા છે.જો કે ગેરકાયદે શસ્ત્રો રાખવાનું દુષણ તો છે જ અને વેરવૃત્તિથી ભડાકે દેવાની ઘટનાઓ બને છે.કેટલાક પ્રદેશ વિશેષમાં બંદૂક થી ભય ફેલાવવાનું વાતાવરણ વધુ પ્રમાણમાં છે.પરંતુ દારૂગોળા વાળા શસ્ત્રો રાખવા પરવાનગીની જરૂર હોવાથી તેનો ત્રાસ નિયંત્રિત છે.પરવાનગી લેવાની પ્રક્રિયા અઘરી બનાવવામાં આવી છે.
અમેરિકા અને પશ્ચિમના મોટાભાગના દેશોમાં બંદૂક વસાવવા માટે બહુધા કોઈ પરવાનગી લેવાની જરૂર રાખવામાં આવી નથી.કરિયાણું ખરીદો એ રીતે શસ્ત્રની દુકાનમાં થી જાત જાત અને ભાત ભાતની,ઓછી થી તીવ્ર ઘાતક બંદૂકો અને દારૂગોળો ખરીદી શકો છો અને જાહેરમાં લઈને ફરી શકો છો અને બેધડક ચલાવી શકો છો.
આ બંદૂકબાજીની સંસ્કૃતિ એ પશ્ચિમના દેશોમાં હિંસાની હદો વટાવી દીધી છે.ગઈકાલે પૂર્વ પ્રમુખ અને આગામી પ્રમુખીય ચુંટણીના વિરોધપક્ષ રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર સરેઆમ ગોળીબારની ઘટના આ ગન કલચરનું વરવું પરિણામ છે.
અમેરિકાના તેજસ્વી પ્રમુખો આ સંસ્કૃતિના પગલે ગોળીથી વીંધાઈ ને મર્યા છે.ગઈકાલે તેનું પુનરાવર્તન થયું છે અને પૂર્વ પ્રમુખ ગોળીથી વિંધાયા છે.ચુંટણી પ્રચાર સભામાં એમને ભડાકે દેવાનો પ્રયાસ થયો.સદનસીબે તેઓ બચી ગયા છે.
આપણાં દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી થી લઈને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ઇન્દિરા ગાંધી સુધી આ કમનસીબ ઘટના ઘટી ચૂકી છે.અને દેશે એમને ગુમાવ્યા છે.
અમેરિકા અને પશ્ચિમના દેશોમાં અવાર નવાર બેફામ ગોળીબારની ઘટનાઓ આ બંદૂકની છૂટથી બને છે.શાળાઓ,ચર્ચો, બજારો અને શોપિંગ મોલ્સ જેવા વિવિધ સ્થળોએ ભાન ભૂલેલા બંદૂકધારીઓ કે એકલ દોકલ બંદૂકધારી ત્રાટકે છે અને નિર્દોષોને વીંધી નાંખે છે.
આ જંગલી કૃત્ય સામે વ્યાપક રોષ હોવા છતાં હજુ ત્યાંના જનમાનસ માં બંદૂક જેવા ઘાતક અને હિંસક હથિયારોના ખુલ્લેઆમ ખરીદ વેચાણને નિયંત્રિત કરવાની વાત સ્વીકૃત બની નથી.ખાસ કરીને યુવા પેઢીમાં બંદૂક રાખવાનો ક્રેઝ છે.ત્યાં અજાણ્યા અને ખાસ કરીને ભારત જેવા દેશોમાંથી આવેલા પ્રવાસીઓ, હિજરતીઓ એ ખાસ સાવધ રહેવું પડે છે.એક તો ભાષા અને ઉચ્ચારણોના ભેદને લીધે તમે જે અભિવ્યક્ત કરવા માંગતા હો એ સામેવાળાને સમજાતું નથી.અને ક્યારેક એ તમારો ઈરાદો જરાય ના હોય તો પણ ગેરસમજ થી અપમાન ભાવ અનુભવે તો તુરત બંદૂક તાકે એ શક્ય છે.
એટલે હવે દાદીમાઓ એ આ હિંસક સંસ્કૃતિ સામે લોક જાગૃતિ કેળવવાનું બીડું ઝડપ્યું છે.ઘરડા ગાડા વાળે એ ગુજરાતી કહેવત જાણે કે અમેરિકામાં સાર્થક થઈ રહી છે.
ગન કલ્ચરની સંસ્કૃતિ અમેરિકામાં અને પશ્ચિમમાં એટલી વ્યાપક અને દ્રઢ છે કે દાદીમાઓ ની બચી ખૂચી જિંદગી ખર્ચાઈ જાય તો પણ એ સંકોચાય કે હલે એવું લાગતું નથી.
જો કે બંદુકવાદ માત્ર અમેરિકામાં છે એવું નથી.પશ્ચિમના દેશોમાં તેના પ્રત્યે સહિષ્ણુતા લગભગ સર્વત્ર જોવા મળે છે.
આફ્રિકાના દેશો અને આરબ રાષ્ટ્રોમાં તે પ્રબળ છે.આતંકવાદ અને બંદૂકવાદ એકબીજામાં ભળી ગયા છે.પાકિસ્તાન સહિતના પાડોશી દેશોમાં તેનો પ્રભાવ છે.પાકિસ્તાન આતંકવાદ થી પીડિત હોવાની સાથે ભારતના ગુનેગારોને સલામત આશ્રય પૂરો પાડે છે અને સરહદ પાર આ પ્રવૃત્તિઓ માટે શસ્ત્રો અને સાધનો પૂરા પાડે છે.
અધૂરામાં પૂરું બંદૂક રાખવા,નશીલા પદાર્થોનું સેવન કરવા જેવા જાત અને સમાજને હાનિકારક કૃત્યોને પશ્ચિમના દેશોમાં માનવ અધિકારનું રૂપાળું મહોરું પહેરાવવામાં આવ્યું છે. લગભગ પશ્ચિમ ના મોટાભાગના દેશોમાં રાષ્ટ્ર અને સમાજને મુશ્કેલીમાં મૂકનારો લિબરલવાદ – ઉદાર અભિગમ ચાલે છે. એટલે સરકારો લોક લાગણી દુભાવાની બીકથી એના પર પ્રતિબંધ મૂકવાની હિંમત કરતી નથી.
આ પણ વાંચો – ખુશખબર.. ગજરીકાકી સાજા થઈ ગયા….
તો પણ આ દાદીમાઓ ભારે આશાવાદી છે અને જીવન સંધ્યાએ સંસ્કૃતિ તરીકે સ્વીકૃત બની ગયેલી આ વિકૃતિ, બદીની સામે રૂકાવટ ઊભી કરી શકવાના આશાવાદ સાથે પરિશ્રમ કરી રહી છે.ભારતના દશરથ માંઝીએ પોતાના ગામને દુનિયાથી જોડવા એકલે હાથે પહાડ ખોદી નાંખીને રસ્તો બનાવ્યો.
એટલે આ દાદીમાઓ કોઈક દિવસ એમના આ પ્રયત્નમાં સફળતા મેળવે એ શક્ય તો છે જ..let us hope some good things to happen…
More Stories
એક હતો બગલો ……..
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ