જંગલ ને જૂનું કરવાનો પ્રયાસ થઇ શકે ખરો? હા,થઈ શકે.બલ્કે હાલોલ સામાજિક વનીકરણ એકમ દ્વારા જંગલને જૂનું કરવાનો એક મસ્ત પ્રયાસ થયો છે.નાયબ વન સંરક્ષક ડો.મીનલ જાની ના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં અગાઉ જોવા મળતી હતી અને હવે પાંખી થઈ ગઈ છે એવી વનસ્પતિઓ ના રોપા ઉછેરવામાં આવ્યા છે…
કોદાળો, નેવરી, પંગારો,કમ્પિલો બોન્ડારો, મૉંખો, ભમરછાલ જેવા નામો શહેર વિસ્તાર તો શું ગામડાના લોકોએ ભાગ્યેજ સાંભળ્યા હશે.આ બધા આપણા જંગલોમાં ક્યારેક વિપુલ પ્રમાણમાં જોવા મળતી અને ખૂબ ઉપયોગી વનસ્પતિઓ ના નામ છે.હવે આ વનસ્પતિઓ બહુ ઓછી જોવા મળે છે ત્યારે હાલોલ સામાજિક વનીકરણ વિભાગે આવી રેર બનતી જતી ૪૫ જેટલી વનસ્પતિ પ્રજાતિઓ ના રોપા ઉછેરી વન કવચ ના નિર્માણનો પ્રયાસ શરૂ કર્યો છે.જંગલમાં જૂની વનસ્પતિ ફરીથી વધારવાનો પ્રયાસ જંગલ જૂનું કરવાનો પ્રયાસ જ ગણાય.
તો ચાલો જંગલ જૂનું કરવાની એમની રીતનો પરિચય મેળવીએ.
કુદરતથી મોટી કોઈ પ્રયોગ શાળા નથી. પ્રકૃતિએ અસંખ્ય પ્રકારના વૃક્ષ, વેલા અને વનસ્પતિઓ ની ભેટ આપી છે અને આ પ્રત્યેક હરિત સંપત્તિ છે કારણ કે એનો ઔષધીય, ચારો,ખોરાક કે અન્ય પ્રકારના ઉપયોગો છે. આપણા વડવાઓ એ આ જંગલ ની સંપદા ની ઓળખ કરી હતી અને એની ઉપયોગીતાઓ જાણી હતી.
પરંતુ પાંખા થયેલા જંગલોની સાથે આ અદભુત વનસ્પતિ સૃષ્ટિ પાંખી થતી જાય છે,એના ઉપયોગની જાણકારી અને ઓળખ ભૂંસાતી જાય છે.
ત્યારે વન વિભાગના હાલોલ સામાજિક વનીકરણ એકમે મધ્ય ગુજરાતના જંગલોમાં ક્યારેક બહુધા જોવા મળતી અને હવે વિસરાતી જતી મૂળ વનસ્પતિ પ્રજાતિઓના બીજ એકત્ર કરીને,આ પ્રજાતિઓના રોપા ઉછેર્યા છે.નાયબ વન સંરક્ષક ડો .મીનલ જાનીના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ પરિક્ષેત્ર વન અધિકારી નિધિ દવે અને સહયોગી ટીમે જંગલની ઓળખ સાચવવાનું આ કામ કર્યું છે.
આ રોપાઓ માં ઝડપ થી ઉછરતી,ઇમારતી લાકડા કે બળતણ તરીકે ઉપયોગી,શોભા અને હરિયાળી વધારતી અને વન્ય પ્રાણીઓ,પશુઓના ખોરાકમાં ઉપયોગી હોય એવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે એવી જાણકારી મળે છે.
ચિંતાની વાત એ છે કે ઘણી વનસ્પતિઓ નો ઉછેર ઘટી રહ્યો છે અને એમને ઓળખનારા,એમનો ઉપયોગ કરી જાણનાર ઘટી રહ્યા છે.ઉદાહરણ ના રૂપમાં કંપીલો નામની એક વનસ્પતિ છે જે કુદરતી કંકુ બનાવવામાં ઉપયોગી છે.પરંતુ જો એને ઓળખનાર જ કોઈ ના હોય તો ધીમે ધીમે આ વનસ્પતિઓ નો ઉછેર ઘટી જાય અને એક દિવસ એ નામશેષ થઈ જાય.
વન વિભાગનું આયોજન આ ઉછેરેલા રોપા વાવીને વિવિધતા ભર્યો વૃક્ષોનું નિવસન તંત્ર તૈયાર કરવાનું છે. નિવસન તંત્ર એટલે જાત જાતના પતંગિયા,અન્ય કીટકો,પક્ષીઓ,વન્ય જીવોની નિવાસી વસાહત કે residencial colony. આ પ્રકારના નીવસન તંત્રનો ફાયદો એ છે કે તેના કીટકો ઇત્યાદિ જીવોની મદદથી પરાગ રજ ફેલાવાથી વનસ્પતિ ઉછેરનું સ્વચાલિત ચક્ર કાર્યાન્વિત થાય છે અને કુદરતી જંગલ ઉછેર ને વેગ મળે છે.
હકીકતમાં હાલોલ ખાતે સામાજિક વનીકરણ વિભાગે વન કવચ નામે એક પ્રાયોગિક કે પાયલોટ નીવસન તંત્ર ,મૂળ વનસ્પતિઓ ઉછેરીને સફળતાપૂર્વક તૈયાર કર્યું છે.એક વર્ષમાં તે ઉછરીને હરિયાળા વિસામા જેવું બની ગયું છે.
તેમાં ૪૫ જેટલી મધ્ય ગુજરાતની મૂળ વનસ્પતિઓ ના રોપા ઉછેરવામાં આવ્યા છે તેમાં કોદાળો, નેવરી, પંગારો, કંપિલો,જંગલી ખજૂર,જંગલી બદામ,લાલ અને પીળો શીમળો, બોંડારો,મોંખો, ભમરછાલ જેવી વનસ્પતિઓ,જેના નામ શહેરીજનો તો ઠીક પરંતુ ગામડાના લોકોએ પણ ભાગ્યેજ સાંભળ્યા હશે,તેમનો સમાવેશ થાય છે.
સામાજિક વનીકરણ,હાલોલના ફોરેસ્ટર જે.પી.મકવાણા અને બીટગાર્ડ આર.એચ. મકવાણાએ આ વારસા વનસ્પતિઓ ના ઉછેર માટે ખૂબ પરસેવો પાડયો છે એ નોંધવું પડે.
પહેલા ગામડાના લોકો અને ખેતી સાથે જોડાયેલા પરિવારોના બાળકોને તો ઓછામાં ઓછું વનસ્પતિની ઓળખ હતી.હવે,તો ગામડું પણ વન વૈભવ થી અજાણ્યું બની ગયું છે ત્યારે હાલોલ સામાજિક વનીકરણ વિભાગનો આ પ્રયોગ ચીલો ચાતરનારો કહી શકાય.અને ચીલો ચાતરનારા પ્રયોગો જ પરિણામ આપે…
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?