મધ્યપ્રદેશના આદિવાસી વસ્તી ધરાવતા માળવા અને નિમાડ પ્રાંતની આ સ્વાદિષ્ટ હવે તો એમપીની સરહદના ગુજરાતના જિલ્લાઓમાં પણ મળે છે.
મકાઈના લોટમાં ચપટી હળદર, દૂધ અને મીઠું ઉમેરી ગરમ પાણીથી લોટ બાંધવામાં આવે છે, પછી તેનો પિંડો વાળી આ ગોળ બાટીને દબાવી ખાખરા કે આકડાના બે પાન વચ્ચે સેન્ડવિચની જેમ મૂકી છાણાંની ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. શેકાઈને ગોલ્ડન બ્રાઉન કલરના બનેલા આ પાનિયેને ઘીમાં ડૂબાવવામાં આવે છે અને પછી તેને દાળ સાથે પીરસવામાં આવે છે.
તુવેર, ચણા, અડદ અને મગની દાળને થોડો સમય પાણીમાં પલાળીને એક સાથે પકવવામાં આવે છે અને પછી ડુંગળી, લસણ સહિતના ધમધમાટ વઘારથી એને વઘારીને દાલ પાનિયેની આ ડિશ તૈયાર થાય છે.
આ વાનગીના ઉદભવ માટે એમ કહેવાય છે કે, આદિવાસીઓની જેમ જ આ પણ આદિ- વાનગી છે. એક સમયમાં જ્યારે પહાડી વિસ્તારોમાં ઘઉં મળતા નહોતા અથવા તો ખૂબ મોંઘા હતા ત્યારે આદિવાસીઓએ સરળતાથી પ્રાપ્ત અને પ્રમાણમાં સસ્તા એવા મકાઈના લોટની બાટી બનાવી એને શેકવાનો પ્રયત્ન કર્યો હશે. બાટી વિખેરાઈને ભૂકો થવા માંડી એટલે જુદા જુદા પ્રયત્નોના અંતે એને પાંદડાની વચ્ચે મૂકીને શેકવામાં આવી તો શેકાઈ ગઈ હશે, ત્યારથી આ રીતે બનાવવાનું શરૂ થયું.
પાનિયે બનાવવા માટે માત્ર આકડાના જ પાંદડાં કેમ વપરાય છે? એવી ઉત્સુકતાના જવાબમાં બોટનીના એક પ્રોફેસરે જણાવ્યું કે, આ પાન બીજા છોડના પ્રમાણમાં ઓછા જ્વલનશીલ હોય છે, જેથી પાનિયે બરાબર શેકાઈ જાય છે, વળી મધ્યપ્રદેશના આ પ્રાંતમાં આકડાના પાન સરળતાથી પ્રાપ્ત છે.
ડાયેટીશિયનના મત મુજબ, દાલ પાનિયેની આ ડિશમાંથી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
હવે મધ્યપ્રદેશ જવાનું થાય ત્યારે દાલ – પાનિયેનો આસ્વાદ લેવાનું ચૂકશો નહીં.
More Stories
મૈને માંડૂ નહી દેખા : એક ચમત્કૃતિ!
છેલ્લા બે વર્ષમાં તમે કેટલી BIOPICS જોઈ ?
મોક્ષપટ્ટમથી સાપસીડી સુધી: ભારતીય સંસ્કૃતિના ખજાનાને બ્રિટિશરોનો વિકૃતિઘાત