CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Saturday, December 21   2:33:58

મેઘનાને કિનારે: ઢાકાની વિશ્વવિખ્યાત ‘જામદાની’ની ખાનદાની તરફ એક દ્રષ્ટિ

ગયા મહિને, 74માં કાન ફિલ્મ ફેસ્ટિવલ ( Cannes Festival)માં બંગલાદેશી ફિલ્મ ‘રેહાના મરિયમ નૂર’ના સ્ક્રિનિંગ પ્રસંગે આમંત્રિત આ ફિલ્મની અભિનેત્રી અઝમેરી હક્ક બધોને ગાઉન્સ અને ડ્રેસિસમાં સજ્જ અન્ય અભિનેત્રીઓ અને સ્ત્રીઓની વચ્ચેથી બેજ ઓલિવની સોનાના તારથી વણાયેલી હાફ સિલ્કની ‘જામદાની’ સાડી પહેરીને રેડ કાર્પેટ પર ડગ માંડ્યા ત્યારે સાઉથ એશિયા ખંડ માટે ‘સોનેપે સુહાગા’ જેવી ઘડી હતી.
2011માં ભારતીય એક્ટર પાઓલી દમ ( Paoli Dam) પણ રેડ એન્ડ વ્હાઇટ કલરની જામદાની પહેરીને કાન ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલેલી.
બાંગલાદેશી ફેશન ડિઝાઇનર આરોંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી 100 તાર વાળી આ સાડી ત્યાં જાહેર ચર્ચાનો વિષય બની ગઈ, અને વિશ્વ સ્તરે આ સાડીની આકર્ષક સંભાવના વિષે વાતો થવા લાગી! ફેસ્ટિવલના ચોકમાં એવી પણ ચર્ચા ચાલીકે હકીકતમાં આ સાડીનું મૂળ ક્યાં ? ભારત કે પછી બાંગલાદેશ ?
ભારત પાસે ‘ઉપ્પાડાજામદાની’ની GI( ભૌગોલિકઓળખ) ટેગ છે, તો બાંગલાદેશ પાસે ‘જામદાની’ની GI ( geographical indication) ટેગ છે.અજમેરી એ કહ્યું :
“મને સાડી ખૂબ જ પસંદ છે , અને સાડીમાં હું હળવાશ અનુભવું છું. રેડ કાર્પેટ પર સૌ પ્રથમવાર બાંગ્લાદેશનું અધિકૃત રીતે પ્રતિનિધિત્વ કરનાર એક્ટર તરીકે હું મારા મૂળ અને મારી જાત પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહેવા ઇચ્છતી હતી, અને જામદાનીથી વિશેષ તો બીજું શું હોઇ શકે,જે અમારી વિરાસત છે.
એના સાચા સ્વરૂપમાં, જામદાની એક અદભૂત કોટન જેને આપણે મલમલના નામથી ઓળખીએ છીએ એની બનેલી હોય છે. ઢાકા શહેરની આસપાસ મેઘના, બ્રહ્મપુત્ર અને સિતાલાખ્યા નદીના ત્રિવેણી સંગમ પર વસેલા ત્રણ ગામડાઓ રૂપ ગંજ, નારાયણ ગંજ, અને સોનાગાંવ આ સાડીની પરંપરાગત કારીગરી અને ઉત્પાદન માટે જાણીતા છે. અહી આ ભૂમિ પર વિશ્વનું શ્રેષ્ઠ કોટન મલમલ પેદા થાય છે જે જામદાનીનું બીજું નામ જ કહી શકાય. મલમલ અને જામદાની એકબીજાના પર્યાય વાચક નામ જ સમજી લઈએ.
છેલ્લા એકાદ દાયકથી મલમલને વિશ્વના નકશામાં ફરી એક વાર મૂકવા માટે સતત પ્રયત્નશીલ બાંગલાદેશી ટેકસટાઇલ ના અગ્રણી સૈફૂલઇસ્લામ કહે છે કે “ જો કે વણાટ કામ મોટેભાગે મુસ્લિમ કારીગરો દ્વારા થાય છે,જ્યારે એનું સ્પીનિંગ વર્ક હિન્દુ મહિલાઓ દ્વારા જ થાય છે” પેઢી દર પેઢીથી વણાટકામની આ ટેક્નિક મૌખિક રીતે જ શિખવાડવામાં આવેલી હોય છે. લોકગીતોમાં પણ વણાટકામની ટેક્નિક દર્શાવવામાં આવેલી હોય છે. ઝવેરચંદ મેઘાણીએ બીડીઓ વાળાનું ગીત લખ્યું, તો ત્રાજવા ત્રોફનારી બાઈનું ગીત પણ લખેલું , અને ફિરંગણ શાકવાળીનું ગીત પણ રચેલું. સાંતલની નારી નું પણ અદભૂત ગીત લખેલું. મેઘાણી મેઘના નદીના કિનારે પહોંચ્યા હોત તો અચૂક એણે આ વણકર બહેનો પર ગીતો લખ્યા હોત !
મુઘલોના આગમને આ વ્યાપારને ‘આર્ટ ફોર્મ ‘આપીને વધુ સમૃદ્ધ કર્યો. એમણે આ સાડીને જામદાની ( ફ્લાવર વાઝ ) નામ આપ્યું. મલમલમાં એ વખતે પાંચ પ્રકારની સાડી બનતી , જામદાની એમાની એક સાડી હતી ,જે ખૂબ જ મોંઘી અને જટિલ ગણાતી.
મેઘના નદીના કિનારે ઉગાડવાવા આવતા `ફૂર્તિ કપાસ’ માથી એ બનતી. બંગાળની લૂમ પર ઊંચી જાતનું 250 કાઉન્ટ વાળું યાર્ન એમાં વપરાતું.
ઇસ્લામભાઇ જણાવે છે કે “ એના મૂળ અંગે કોઈ તારીખ મળતી નથી , જો કે ત્રીજી સદીના કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અને ગુપ્તયુગ ( 4થી 6 શતાપ્દી)માં એનો ઉલ્લેખ મળે છે.
મોગલ કાળમાં એ શ્રેષ્ઠ ઊંચાઈ એ પહોંચેલી. એક એવી પણ માન્યતા છે કે આ પિરિયડ દરમ્યાન પર્સિયન પ્રભાવને લીધે જામદાનીનો વિકાસ થયો અને ડિઝાઇનમાથી માનવ આકૃતિઓને દૂર કરવામાં આવી. કોલકાતાના ડિઝાઇનર પ્રોતિમાં બેનર્જી કે જેઓ આ વણાટ સાથે કામ કરે છે , તે કહે છે કે “ આ સાડીનું વણાટ કામ ખૂબ શ્રમ માંગી લે છે. પ્યોર જામદાનીની વિશેષતા એ છે કે તમને સાડીનો ઉપરનો ભાગ જેવો દેખાય છે , એવો જ પાછળનો ભાગ દેખાય છે”
બ્રિટિશરોએ મોગલોને દેશનિકાલ કર્યા , એ જ સમયથીઆ ઉદ્યોગને પ્રોત્સાહન આપનાર-આશરો આપનાર કોઈ ન રહ્યું અને ઉદ્યોગને મોટો ફટકો પડ્યો.
19 સદીના આગમન સુધીમાં તો ક્રાફ્ટના જુદા જુદા ફોર્મ્સ આવી ગયા. ત્યાર પછી બ્રિટિશ શાસન માં તો માંચેસ્ટર કોટન મિલ્સ અને યુરોપીયન ટેકસટાઇલ દ્વારા તૈયાર કરવામાં આવેલ સસ્તા માલના ઉત્પાદનથી જામદાની સ્પર્ધામાં ન ટકી શકી.
અને પછી તો દેશના ભાગલા થયા , અને સામૂહિક હિજરત ને લીધે કારીગરો નવા બે દેશમાં વિભાજિત થઈ ગયા! સમયાંતરે જામદાનીને બે સ્થાનોમાં નવું જીવન મળ્યું …. એક પશ્ચિમ બંગાળમાં અને બીજું ઠેકાણું પૂર્વ પાકિસ્તાનના ઢાકામાં જે પછીથી બાંગલા દેશ બન્યો.
ચાર દાયકા પછી, 2013માં યુનેસ્કો (UNESCO)એ જામદાનીની પરંપરાગત વણાટ કલાને “ INTANGIBLE CULTURAL HERITAGE OF HUMANITY તરીકે ઘોષિત કરી. ત્રણ વર્ષ બાદ, 2016માં બાંગલાદેશ સરકારે જામદાનીને એની પ્રથમ GI પ્રોડક્ટ તરીકે જાહેર કરી.
આ અગાઉ, 2009માં ભારત સરકારે આંધ્રપ્રદેશની ‘જામદાની ઉપ્પાડા’ની Geographical Indication ( GI)ટેગ માટે અરજી કરેલી જે સ્વીકારવામાં આવેલી, જેને વારસાઈ ભાગીદારી તરીકે માન્યતા મળી ગઈ.
ટૂંકમાં બંને રાષ્ટ્રોને લગભગ એક સાડી માટે ભૌગોલિક નિર્દેશ ની ટેગ મળી ગઈ , એકને ઉપ્પાડા જામદાની નામ મળ્યું.
હવે આ ભૌગોલિક નિર્દેશ ધરાવતી ટેગનો કોણ અને કેવી રીતે ફાયદો ઉઠાવે છે ? કોલકતા ના ડિઝાઇનર દેબજની રાયચૌધરી ( હાઇ સ્ટ્રીટ બ્રાન્ડ ઘૂરી બાય દેબજની ) કહે છે “ બાંગલાદેશ ની ટેગ ( જામદાની ) બીજા બધા આંતરપ્રેનયોર માટે પ્રતિબંધિત છે”. દેબજની એ બાબત પર ભાર મૂકીને કહે છે કે “ કોઈ એક ખાસ વણાટ, કોઈ દેશમાં ‘જામદાની’ તરીકે રજિસ્ટર્ડ થાય છે , ત્યારે એનો અર્થ એવો જ થઈ શકે કે બજારમાં જોવા મળતા બીજા બધા જે કઇં નિત્ય-નુતન ઉત્પાદનો ( innovations) છે , તે સાચા નથી જ” અંજના સોમાંની , ( પ્રેસિડંટ, દિલ્હી ક્રાફ્ટ કાઉન્સીલ)કહે છે કે “ મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે, અમે જે સમજીએ છીએ એ પરંપરાગત જામદાની ભારતમાં બનતી નથી. આપણને આઝાદી મળી એ પહેલા દેશમાં જામદાનીના ત્રણ મુખ્ય કેન્દ્રો હતા—આંધ્રપ્રદેશનું ઊપ્પાડા, ઢાકા, અને વારાણસી નજીક ટંડા. હા , બંગાલ વેરાઇટીમાં પણ તમને બે પ્રકાર જોવા મળે છે. એક તો ઢાકાઈ મલમલની વેરાઇટી( ઢાકાઈ જામદાની) જે વણાટમાં તદ્દન જુદી હોય છે, અને એનું ટેક્સ્ચર પણ અલગ પડે છે. આજે પણ એ જ પ્રકારની , પરંપરાગત કૌશલ્યથી બનેલી એ સાડી તમને ત્યાં મળે. પશ્ચિમ બંગાળમાં જે વેરાઇટી છે, તે જરાક જુદી રીતે બને છે જે ‘ટાંગાઇ’ તરીકે જાણીતી છે. દેશના ભાગલા સાથે કારીગરોના તો ભાગલા પડ્યા, અને સાથે સાથે કૌશલ્યોના પણ !)
અંજના સોમાઈએ 2017માં દિલ્હીના બીકાનેર હાઉસમાં જામદાનીનું એક અદભૂત પ્રદર્શન યોજેલું, Jaamdaani : Tradition & Technique-An introduction to Historical textile”.
બેનર્જી કહે છે “ આપણે એ બાબતે બહુ સ્પષ્ટ થઈ જઈએ કે ઢાકાઇ જામદાની બાંગલાદેશનું સર્જન છે. આપણે અહી ભારતમાં ચોક્કસ એ ટેક્નિકનો ઉપયોગ કરીએ છીએ પણ જરાક જુદી રીતે. થોડોક ભેદ તો છે જ ! Keeping in the context and the technique same, we have achieved a huge variations in terms of yarn manipulations and a lot of experimentation in motifs’
આ પોસ્ટ પૂરી કરતાં પહેલા મે હૈદરાબાદ સ્થિત સાડીના એક વેપારી મિત્રને ફોન કરીને ચર્ચા કરતાં એમણે મને સ્પષ્ટતા કરીકે “ સાહેબ , દરેક ફેક્ટરીમાં બનતી સાડીઓમાં 19-20નો તફાવત રહેવાનો. અહીની ઉપ્પાડા સાડીઓની ઘણી ડુપ્લિકેટ વેરાઇટી બને છે , અને માર્કેટમાં ધૂમ વેચાય છે” . હસતાં હસતાં તેઓ એવું બોલ્યા કે “અસ્સલ સાડી લેવા માટે તમારે ઉપ્પાડા જ જવું પડે” !!!
ભારતમાં હવે ડિઝાઇન interventions વધી રહ્યું છે. દિલ્હીના રાહુલ મિશ્રા જેવા ડિઝાઇનર હવે જામદાની જેકેટ્સ , કેપ્સ, ડ્રેસિસ અને બીજા વસ્ત્રો (separates) ડિઝાઇન કરે છે. 2019માં ઝેક્પોઝને બાંગલા દેશની હાથથી ડાઈ કરેલ ફેબ્રિક્સ નો ઉપયોગ કરીને સુપર મોડેલ ઈમાન માટે એક ભવ્ય ડ્રેસ તૈયાર કરેલો . ઇંડિગો ડાઈંગ તરીકે એ ડ્રેસ પછી તો ખૂબ જાણીતો બન્યો. લિવિંગ બ્લ્યુ તરીકે આજે પણ માર્કેટમાં એ ધૂમ મચાવે છે. એક કલ્પના કરી જુઓ. હવે ઈંટરનેશનલ ડિઝાઇનરો આ ધંધામાં પડે તો અને જામદાની ની ખાનદાની જોડે ચેડાં કરે તો શું થઈ શકે ? ગમે તેમ, પણ આ ગૌરવશાળી પરંપરા ટકવી જોઈએ , અને સતત વૃધ્ધિ પામતી હોવી જોઈએ.