સમાચાર એવા છે કે કોચીની એક cbscશાળામાં વિદ્યાર્થીઓને હવે ઈમોજી દવારા પોતાનો ગ્રેડ જોવા મળશે! બાળકને કયો ગ્રેડ મળ્યો છે,એ શિક્ષકો બાળકની માર્કશીટમાં ઈમોજી દવારા દર્શાવશે.
આ સમાચાર જાણીને કોઈ અખબારે એની હેડલાઈનમાં લખ્યું કે “ કોચીની શાળાઓમાં ઈમોજીસ સાથેના ગ્રેડિંગના વિચારથી અમે આનંદિત , મુંજવણમાં છીએ અને થોડા ડરેલા પણ છીએ!
નદીનો કે ઝરણાનો પ્રવાહ ક્યારેય સીધો ન હોય, એનું જળ વાંકાચુકા રસ્તાઓ સર્જીને કે શોધીને એના ગંતવ્ય સ્થાન પર પહોંચવા આગળ વધ્યા જ કરે છે. શિક્ષણના બદલાતા પ્રવાહોમાં આવો એકાદ પ્રવાહ પરંપરાગત શિક્ષણ પ્રથા સામે જરાક ભય,મુંજવણ કે કોયડો બનીને ક્યારેક ઉભો રહી જાય એ સ્વાભાવિક છે, પરંતુ ૧૯૮૦ માં જ જયારે ઈમોજીની શોધ થઇ ત્યારે ઈમોજીના શોધકોને કદાચ પૂર્વ દર્શન થઇ ચૂકેલું કે આવનારી સહસ્ત્રાબ્દીમાં કોમ્પ્યુટરયુગમાં પ્રત્યાયનમાં ઈમોજીની ભાષા સમજવામાં નવી પેઢીને વધુ અનુકુળતા રહેશે.
ઈમોજીનો આવિષ્કાર એ પ્રત્યાયનની કે સંદેશાવ્યવહારની એક નવી દિશા હતી. નવી પેઢીને ભણાવવા માટે શિક્ષકોએ પણ હવે કોઈપણ ભોગે ઈમોજીની ભાષા શીખવી પડે તેમ છે. વાલીઓ માટે પણ ઈમોજીની ભાષા શીખવા માટે કોચિંગ ક્લાસ ખુલે તો નવાઈ પામવા જેવું નહીં ! કેટલાક શિક્ષકો માટે તો હવે આ પાયાની જરૂરિયાત/લાયકાત બની ચુકી છે.
કોચીની સ્કૂલ તો એનાથી પણ એક કદમ આગળ વધવાની છે. આ શાળામાં હવે ઈમોજી અને સ્ટાર દવારા જ ગ્રેડ આપવામાં આવશે. ઉત્તરવહી ચકાસણી ( assessment) પણ ઈમોજીની મદદથી જ થશે. જો કે આ પ્રયોગ હાલ પુરતો માત્ર કે જી( kindergarten)થી બીજા ધોરણ સુધી જ રહેશે.
સીનીયર છાત્રો જો કે આશાવાદી છે જ કે કોઈ દિવસે આ પ્રયોગ તેઓના સુધી પણ પહોંચશે. કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓ કે વિવેચકોને આ બધું ભલે વાહિયાત લાગતું હોય તો પણ અત્યારે Emoji Dick અને Moby Dick જેવા પ્રયોગો ચાલી જ રહ્યા છે. કોઈવાર કોઈ ઈમોજી વાલીઓને મૂંજવી દે છે. દા. ત : બે હાથ જોડીલું ઈમોજી ક્યારેક ‘નમસ્તે’નો ભાવ દર્શાવે , તો ક્યારેક ‘ક્ષમા યાચના’ તો ક્યારેક હાઈફાઈવ( highfive).
ખેર, આ બધા પ્રવાહોમાં, પરંપરાગત કૌશલ્યો અને પધ્ધતિથી ચાલતી સ્કૂલોને પોતાના સંતાનો છોડી દે એવું ઇચ્છનારા વાલીઓ પણ છે જ , તો કેટલાક વાલીઓ હજુ NEET/ JEE જેવી બાબતોને ધ્યાનમાં લઈને વર્તમાન શિક્ષણ પધ્ધતિ અપનાવી રહેલ શાળાઓને વળગી રહેવામાં જ માને છે. સૌ સૌ ને એમના ખ્વાબ-ઓ –ખયાલ મુબારક અને YES, MTFBY!
દરમ્યાન , હવે A+ થી શરુ કરીને F સુધી, ઈમોજી કઈ રીતે વાપરવામાં આવશે એની માહિતી અને માર્ગ દર્શનની પ્રતીક્ષા થઇ રહી છે. એવું લાગે છે કે હવે વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો એ સ્માઇલીનેસ (smileyness) કે frownness ના ગ્રેડેશન જાણવા માટે કોઈ સ્કુલમાં દાખલ થવું પડશે! એવું બનશે કે તમારે ઓસ્ટ્રેલીયામાં બેચલર્સ કરવું છે તો ઈમોજીમાં નિબંધ લખો!
શિક્ષક તરીકેની મારી કારકિર્દીનો એક પ્રસંગ આજે યાદ આવે છે. પ્રાથમિક શાળાની ધોરણ પાંચની એક વિદ્યાર્થીનીને ૪/૧૦ માર્ક્સ આવેલા ત્યારે મેં માર્ક્સની જોડે જ એક ઈમોજી દોરીને જરાક નારાજગી દર્શાવેલી. ત્યારે તો મને ઈમોજી શબ્દની પણ ખબર નહોતી , પરંતુ અવાર નવાર હું બ્લેક બોર્ડ ( જે અમારે ત્યાં ગ્રીન હતા) પર એક ખૂણામાં આવા સ્મિતભર્યા કે લેશનના શીર્ષક તરફ અંગુલી નિર્દેશ કરતા ઈમોજી દોરતો. બાળકોને આ બહુ ગમતું , પણ આ વાલી જેની પુત્રીની અંગ્રેજી વિષયની ઉત્તરવહીની ચકાસણી પછી માર્ક્સની જોડે નારાજગી દર્શાવતું ઈમોજી દોરેલું, એ ઈમોજી એની માતાને ન ગમ્યું ! એણે કહ્યું કે “ સર, તમે આવું ના દોરશો. મારી દીકરીના માનસ પર ખરાબ અસર પડશે” મેં ક્ષમા યાચના કરી લીધી !
ત્રીસ વર્ષ બાદ આજે ઈમોજી દવારા રચાતું એક ભાવવિશ્વ નિહાળું છું, ત્યારે લાગે છે કે જાણતા કે અજાણતા હું જમાનાથી આગળ હતો!
અત્યારે જે સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે સુવિખ્યાત ( કે કુખ્યાત) છે તે મનન દેસાઈના પિતાજી ગીરીશ દેસાઈના રેકોર્ડીંગસ્ટુડીયોમાં હું સંગીત ક્વીઝ માટે ઘરના ખર્ચે ગીતો રેકોર્ડ કરાવતો, સંતુરના સ્વરો કે ગીટારના સુરો રેકોર્ડ કરાવતો, તો ક્યારેક ભીમસેન જોશી, ગુલામ અલી , જગજીતસિંઘની ગઝલોની લાઈનો રેકોર્ડ કરાવતો અને પછી ક્વીઝમાં એ ટેપ રેકોર્ડ પર રજુ કરીને વિધાર્થીઓને પૂછતો કે “ આ જે વાદ્ય આપ સાંભળો છે તે કયુ વાદ્ય છે?આ ગઝલ કોણ ગાઈ રહ્યું છે? વગેરે . કોઈ વાર જાણીતા સંગીતકારો/ સાહિત્યકારો / પ્રાણીઓ /સ્થળો /ઐતિહાસિક ઈમારતોની તસ્વીરો બતાવીને એને લગતા પ્રશ્નો પૂછતો. ત્યારે kbc પણ નહોતું કે બોર્નવીટા પ્રેરિત ક્વીઝ કોન્ટેસ્ટ પણ નહોતી.
ટેલીવિઝન પર બોર્નવીટા ક્વીઝ કોન્ટેસ્ટ ૧૯૯૨માં આવી અને હું મારી શાળામાં અને બાજુની વાકળવિદ્યાલય ( બાજવા)માં આવી ક્વીઝ છેક ૧૯૮૭ /૮૮માં યોજતો.
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’( નવેમ્બર ૧૯) નો આ તંત્રી લેખ આજે મને ફરી એકવાર ક્લાસરૂમની સ્મૃતિઓમાં લઇ ગયો, એ આનંદ શબ્દાતીત છે.
More Stories
દુનિયાની પહેલી એવી એક ઘડિયાળ જેમાં 48 મિનિટનો કલાક અને 30 કલાકનો દિવસ છે:
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..