બ્રિટિશરો એ આપણા પર શાસન કર્યું એ દરમિયાન કેટલીક સારી વસ્તુઓ કરી હશે પણ એની સામે એમણે આપણી કેટલીયે પ્રાચીન સાંસ્કૃતિક વિરાસતોને લગભગ ભૂંસી નાખી છે એમ કહીએ તો ખોટું નથી.
તાજેતરમાં જ જોવા મળેલા એક વીડિયોમાં એક વાત જાણવા મળી અને જો એ સાચી હોય તો ખરેખર એ આપણી સંસ્કૃતિ પરનો એક કુઠારાઘાત જ હતો.
આજની વિડિયો અને મોબાઈલ ગેમ્સના આગમન પછી જન્મેલી પેઢીએ તો કદાચ જોઈ નહીં હોય પણ એના માતાપિતા કદાચ એમના બાળપણમાં સાપસીડીની રમત રમ્યાં હશે. એમ કહેવાય છે કે, સાપસીડીનું એ સાવ બદલાઈ ગયેલું અને વિકૃત થયેલું સ્વરૂપ છે, કારણકે એનું મૂળ સ્વરૂપ પ્રાચીન ભારતમાં તૈયાર થયું હતું અને આ રમતનો આશય માત્ર મનોરંજનનો નહોતો, એનો હેતુ પંચતંત્રની કથાઓની જેમ આપણને જીવનનાં મૂલ્યો અને ફિલોસોફી શીખવવાનો હતો. રમતની સીડીઓ જુદા જુદા સદગુણો જેમકે શ્રદ્ધા, વિશ્વાસ, જ્ઞાન અને ઉદારતાનું પ્રતિક હતી, જ્યારે સાપ ગુસ્સો, લોભ અને ઘમંડ જેવા દુર્ગુણોના પ્રતિક હતા.
બોર્ડના સૌથી ઉપરના ભાગે ભગવાન અને દેવતાઓની તસવીરો રહેતી.રમતની દરેક ચાલ જીવનની ચાલનું પ્રતિનિધિત્વ કરતી હતી. જેમાં સીડી એટલેકે સદગુણો થકી તમે જીવનમાં ઊંચે ચડતા રહો છો અને સાપ એટલેકે દુર્ગુણો થકી તમે નીચે ઉતરો છો એવું એમાંથી પરોક્ષ રીતે શીખવવામાં આવતું. રમતનો ઉદ્દેશ ઈશ્વર સુધી પહોંચીને મોક્ષ પ્રાપ્તિનો હતો અને એટલે જ એનું મૂળ નામ મોક્ષપટ્ટ અથવાતો મોક્ષપટ્ટમ હતું.
1892માં બ્રિટિશર આ રમતને બ્રિટન લઈ ગયા અને આખી રમતને વિકૃત રીતે બદલી નાખી જેમાં ન તો કોઈ મૂલ્યો રહ્યાં કે ન રહી કોઈ શીખ. કમનસીબે હવે આપણે રમતનાં આ નવા સ્વરૂપને જ ઓળખીએ છીએ.
More Stories
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર
કરણ ઔજલા: વિષાદ અને વિવાદ મિશ્રિત સંવેદનમાંથી પ્રગટેલા સુર !
મૈને માંડૂ નહી દેખા : એક ચમત્કૃતિ!