17-04-2023, Monday

પંદર હજાર જેટલા રાષ્ટ્રીય સ્વયં સેવકોને અમદવાદમાં સંબોધતા સંઘના વડા મોહન ભાગવતજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “કોઈ એક વ્યક્તિ , પાર્ટી કે મહાપુરુષ માટે લાગતા નારા દેશને મહાન બનાવી શકતા નથી. દેશને મહાન બનાવવા માટે સંયુક્ત પ્રયાસ જરૂરી છે”.
દેશના વિકાસમાં સંઘની ભૂમિકા વિષે પણ એમણે કહ્યું કે “સંઘ જરૂર સહાયક બની રહ્યો છે , અને બનશે જ પરંતુ બધાએ આગળ આવવું જોઈએ.
સામુહિક રીતે આગળ આવીશું તો જ આ દેશ મહાન બની શકે”
. જેમ પ્રધાન મંત્રી ‘સૌનો સાથ , સૌનો વિકાસ’ બોલે છે , બસ , એ જ મિજાજમાં ભાગવતજી પણ એ જ વાણી બોલ્યા , પરંતુ , કોઈ એક વ્યક્તિ વિષે લાગતા નારા વિષે એમણે પરોક્ષ રીતે કહી દીધું કે MODI CULT થી સાવધાન !
ભાગવતની વાતમાં દમ છે કે કોઈ એક વ્યક્તિ કે પાર્ટી દેશને મોટો કરી શકતા નથી, પરંતુ , સંઘના સ્વપ્નોને સાચા પાડવાની એક પ્રલંબ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીની અને વિશેષતઃ પ્રધાન મંત્રી મોદીની ભૂમિકા ને નકારી શકાય નહિ .
ચોમેર વાગતી નરેન્દ્ર વીણાના સુરો સાંભળવાનું ભાગવતજીને કે કોઈને કદાચ ન પણ ગમે તો પણ સત્ય એ છે કે બે તૃતીયાંશ બહુમતી સાથે બીજેપીને સત્તારૂઢ કરવામાં મોદી મેજિક કે મોદી કલ્ટ ની ભૂમિકા જ અગત્યની રહી છે.
સંઘના વડા પણ આ હકીકત સારી રીતે જાણે જ છે , પરંતુ જાહેરમાં જયારે સામાજિક સમરસતા , સામાજિક શક્તિની વાત કરવાની હોય ત્યારે જાહેર જીવન જીવનારા વ્યક્તિએ અને વક્તાએ થોડાક ફિલોસોફર બનવું પડે છે. અને આમ પણ એમની વાત ખોટી તો નથી જ .
દેશ કંઈ એક પાર્ટીથી નથી ચાલતો. પાર્ટીઓ તો આવતી જ રહે છે. સત્તા નું પરિવર્તન થતું રહે છે. આજે ભાજપા છે , કાલે બીજી કોઈ પાર્ટી સત્તાનું સુકાન સંભાળે , એવું બને, પરંતુ આમ જોવા જઈએ તો સત્તા પરિવર્તનમાં ક્યાંક ને ક્યાંક કોઈ એક વ્યક્તિનો કરિશ્મા મહત્વનો બની રહ્યો છે.
જનતા પાર્ટી વેળા પણ મોરારજી દેસાઈનો કરિશ્મા હતો . વચ્ચે અટલ બિહારી બાજપાઈ ના નામે લોકોએ ભાજપને મત આપેલા . ઇન્દિરા મોજું મારી પેઢીએ જોયેલું જ છે. ત્યારે INDIA IS INDIRA –INDIRA IS INDIA નારો ગુંજતો હતો. દેશની મહાનતાની વાત અલગ છે , પણ પાર્ટીને મોટી કરવામાં અને સત્તાના સિંહાસન પર આરૂઢ કરવામાં ક્યાંક કોઈન કોઈ ‘કરિશ્મા’ નિમિત્ત બને જ છે. મત દાતાઓ સૌ પ્રથમ પાર્ટીના નેતાને ઓળખતા હોય છે, અને એના નામ પર ચોકડી લગાવતા હોય છે. આ એક સામાન્ય બાબત છે.
૨૦૨૪માં પણ ભાજપાએ સત્તા જાળવી રાખવા માટે ‘મોદી મેજિક’ પર જ આધાર રાખવો પડશે. પાર્ટીને સત્તા પર લાવી શકે તેમ હોય તો એ મોદી સંપ્રદાય (MODI CULT), MODI WAVE, MODI CHARSIHMA જ હશે.
G20માં ભારતને મળેલ સ્થાન અને સન્માન બાબતે પણ ભાગવતજી એ સગૌરવ ઉલ્લેખ કર્યો . હવે આમાં તો સ્થાન –સન્માન જેવું કશું હોતું નથી. કોઈકે કહેલું કે “ વારા ફરતી વારો “ એવું જ હોય છે! હહાહા . આજે પ્રમુખ તરીકે ભારત છે , કાલે કોઈક બીજો દેશ પણ હશે.
ભાગવત બૌધિક લડાઈ લડવાની જે વાત કરે છે , એ સમજાય શકે તેમ છે.
ભલે અલ્પ સંખ્યક , પણ કથિત બૌધ્ધિકો હિંદુ ફોબિયા સાથે મંડી પડયા છે , અને તેજીલી અંગ્રેજી જબાનમાં દેશ વિદેશમાં હિન્દુધર્મને બદનામ કરી રહ્યા છે , એ ચિંતાનો વિષય તો છે જ.
સીમા સુરક્ષા બાબતે પણ ભાગવતની ચિંતા વ્યાજબી છે . આર્થીક વિકાસ ની ગતિ વધી હોવા છતાં ગરીબી હટવાનું નામ નથી લેતી , એ અંગે પણ એમણે જે વાત કરી એ વ્યાજબી છે. હિંદુ અને ભારતીય સમાનાર્થી શબ્દ છે, એવું ફરી એકવાર એમણે જણાવ્યું. “આપણી સંસ્કૃતિ ભારતીય છે –ભલે ખાન –પાન રીત રીવાજ અલગ હોય” આ વિચાર પણ બરાબર છે.
ટૂંકમાં ભાગવતે નવું કશું જ ન કહ્યું, પરંતુ એમની વાણી ઘણી જ સૂચક હતી –સમજાય તો.
હવે અમારા જેવાની તકલીફ એ છે કે મોદીની ક્યાંક પણ મંદ સ્વરે પ્રશંષા કરીએ તો પણ કેટલાક મિત્રોની આંખમાં કણા ની જેમ ખૂંચવા લાગીએ છીએ ! શું કરવાનું ?
More Stories
ટાઇટેનિકના સૂર: જળસમાધિએ બાંધેલી મનુષ્યતા અને સંગીતની અમર કહાની
‘ટહુકો’ નીઆમ્રકુંજમાં પ્રિય મોરારીબાપુનો ટહુકો!
ભારતીય દસ્તાવેજી ફિલ્મો : વૈશ્વિક સન્માન બરાબર, પરંતુ ઘર આંગણે દર્શકો ક્યાં છે?