07-03-2023, Tuesday
લેખક: દિલીપ એન મહેતા
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના માહોલમાં પેરિસના વિશ્વવિખ્યાત પિકાસો મ્યુઝીયમેં એક અનોખા નિમિત્તે વિશ્વભરનું ધ્યાન આકર્ષિત કર્યું છે.પિકાસો મ્યુઝીયમના પ્રાંગણમાં આજકાલ એક ડીબેટ ચાલી રહી છે.
વીસમી સદીના મહાન કલાકાર પાબ્લો પિકાસોની કલા અને એની અંગત –બાહ્ય જિંદગી વિષયક એક નિખાલસ સંગોષ્ઠીમાં વિશેષ તો જીવનના કોઈ તબક્કે પિકાસોના મહિલાઓ સાથેના સંબંધો, કથિત દુર્વ્યવહાર વિષે ગંભીર ચર્ચા થઇ રહી છે.પિકાસોએ પોતાને એક મિનોટોર( Minotaur)રૂપે ઘણી વાર પ્રસ્તુત કરેલ છે.
‘મિનોટોર’ એ એક ગ્રીક કથાનો રાજા છે, જેનું શરીર મનુષ્યનું અને માથું આખલાનું બનેલું છે. મોનીટોર ચિત્ર શ્રેણી દ્વારા પિકાસોએ પોતાની મનોસ્થિતિ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. આફ્રિકા માં જયારે અંગ્રેજ હકુમત હતી ત્યારે પાબ્લો દવારા ત્યાંના કળાના નમૂનાઓનો દુરપયોગ કરવા અંગેના આક્ષેપ વિષે પણ આ સંગોષ્ઠીમાં ચર્ચા થવાની છે.
આશ્ચર્યની વાત એ જ કે આ ચર્ચાનો મંચ પૂરું પાડનાર સ્વયં ‘પિકાસો મ્યુઝીયમ’ છે. આવી એક અનોખી ડીબેટની પહેલ કરીને પિકાસો મ્યુઝીયમના વહીવટકારોએ એમના મ્યુઝીયમની મહત્તા અને પ્રાસંગિકતાનો વિશ્વને સુપેરે પરિચય તો આપ્યો જ છે, સાથે સાથે પ્રેરણા પણ આપી છે.
આપણે ત્યાં મહાન વ્યક્તિત્વોને પ્રતિમા સ્વરૂપે પ્રસ્થાપિત કરીને પછી એના માનવીય પાસાઓને ભૂલી જવાની સભાન કોશિશ થતી જોવા મળે છે. રવીન્દ્રનાથ ટાગોર કે સુભાષચંદ્ર બોઝ કે પછી મહાત્મા ગાંધીના અંગત જીવન વિષયક ભાગ્યેજ જાહેર ચર્ચા થતી જોવા મળે છે.
આપણા મહાન ચિંતક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નનના પોતાની પત્ની સાથેના દુર્વ્યવહાર અને અન્ય મહિલાઓ સાથેના અનૈતિક સંબંધો વિષયક પ્રકરણો સ્વયં એમના જ પુત્ર અને મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ ગોપાલ રાધાક્રિશ્નન દવારા લખાયેલ પુસ્તક ‘My Father’માં જોવા મળે છે.
આ પુસ્તક વિષે હું અગાઉ ઘણી વાર અહીં લખી ચુક્યો છું.
ટાગોરના વિદેશી મહિલા ઓકામ્બો સાથેના સંબંધો અને બંને વચ્ચેના પત્ર વ્યવહાર વિષે પ્રકાશિત પુસ્તક વિષે પણ મેં અગાઉ લખેલું જ છે.
ગાંધીજીના કોઈ આફ્રિકન બોડી બિલ્ડર સાથેના સંબંધ અને પત્રો વિષયક પણ એક સમયે દેશમાં ચર્ચા થયેલી, અને એ પુસ્તક પર પ્રતિબંધ લાદવામાં આવેલો. નેહરુજીના અંગત જીવન વિષયક પણ ઘણી ચર્ચા થાય છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીના અંગત જીવન વિષયક પણ ઘણા પુસ્તકોમાં બિન અધિકૃત માહિતી મળે છે. જે કૃષ્ણમૂર્તિના અંગત જીવન વિષયક પણ અફવા જ ગણી શકાય એવી માહિતી મળતી રહે છે.
આપણા એક આંતરરાષ્ટ્રીય ચિત્રકારનું અંગત જીવન પણ ક્યારેક ચર્ચાસ્પદ બનેલું છે, પરંતુ એ અંગે જાહેરમાં મુક્ત મને ચર્ચાને અહી ક્યાં સ્થાન હોય છે?
આપણા આંતરરાષ્ટ્રીય સંગીતકારો, ચિત્રકારો, શિલ્પકારો,અને સ્થપતિઓ કે પછી રાજકીય નેતાઓ વિષે આપણે ત્યાં ભાગ્યે જ મુક્ત ચર્ચા થતી જોવા મળે છે.
પરંતુ, પિકાસો જેવા વિશ્વ પ્રસિધ્ધ વ્યક્તિત્વના જીવન અને કવન સાથે જોડાયેલી સંસ્થા સ્વયં જયારે આવી કોઈ જાહેર સંગોષ્ઠીનું આયોજન કરે, એ ખરેખર આવકાર દાયક ઘટના ગણાય.
મહાન વ્યક્તિત્વોના નામ સાથે જોડાયેલી સંસ્થાઓ કેવળ એમના દેહાંશ (Relics)ન બની રહે એ જોવાની પ્રત્યેકની ફરજ છે.
અત્યારે પિકાસોના અંગત જીવન વિષયક ચર્ચાની સાથે સાથે અન્ય મહાન વ્યક્તિત્વો જેવા કે DIEGO RIVERA, ROAD DAHI, ROMAN POLANSKIની કલા અને જીવની વિષયક ચર્ચા પણ જોવા મળે છે.
કલાકારની નીજી જિંદગીને જોયા વિના માત્ર એની કલાને જ પ્રાધાન્ય આપવાની પણ એક ચર્ચા હાલ જોવા મળે છે.
ચારિત્ર્ય વિષયક પૂર્વ અને પશ્ચિમના ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણને પણ ધ્યાનમાં રાખીને ચર્ચા થાય એ ઇચ્છનીય છે.
આપણા સાહિત્યકારોની શતાબ્દી –સાર્ધશતાબ્દીઓ પ્રસંગે આવી જાહેર ચર્ચાઓ ભાગ્યેજ જોવા મળે છે.
આપણે ત્યાં સંગોષ્ઠીના નામે કેવળ મંચ પરથી પ્રસ્તુત થતા બે –ત્રણ ભાષણો જ જોવા મળે છે.
કોઈ વ્યક્તિ વિશેષને CRITICALLY મૂલવવાનો અભિગમ વધુ ‘ને વધુ વિકસે એમાં જ આપણા શિક્ષણનું શ્રેય છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકશિત આજનો આ તંત્રી લેખ મિત્રો જરૂર વાંચે એવી અપેક્ષા.
More Stories
देश में क्यों हो रही अनिल बिश्नोई की चर्चा? लॉरेंस बिश्नोई के उलट एक सच्चे संरक्षणकर्ता की कहानी
वडोदरा के काश पटेल बनेंगे अमेरिका की सर्वोच्च सुरक्षा एजेंसी CIA के प्रमुख? जानिए, कौन है ट्रंप का भरोसेमंद साथी?
‘अडानी का करोड़ों का प्रोजेक्ट रद्द कर दूंगा…’, चुनावी घोषणापत्र में उद्धव ठाकरे ने किए कई सारे बड़े वादे