CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Sunday, February 23   8:25:52

IPL2023:ક્રિકેટ નામના કર્કરોગથી બચવું હવે અસંભવ છે.

28-12-2022, Wednesday

દેશના યૌવનનો ‘ધર્મ’ બની ચૂકેલ ક્રિકેટ વિષે હવે કંઈ પણ નેગેટીવ લખવું જરાક અઘરું છે.
પ્રથમ મારી વાત જ કરી દઉં. આજે પણ એક વાતનો મને અહં છે કે બહુ નાની વયે હું મારા જ ગામના મેદાન પર સીઝન બોલથી ક્રિકેટ રમ્યો છું. અમારા કેપ્ટન ગુલુભાઈ ( ગુલમામદ) બહુ ગરીબ હતા પણ ગમે તેમ કરીને એ સીઝન બોલથી જ ક્રિકેટ રમવાનો આગ્રહ રાખતા અને અમારા હાથમાં એ સીઝન બોલ મૂકતા. એ સમયે માત્ર ઉના સિટીમાં યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ સીઝન બોલ વપરાતો.
૨૦૧૯માં મેલબોર્નના એરપોર્ટ પર મેં જયારે પગ મુક્યો ત્યારે મારા દિલ-ઓ દિમાગમાં બે જ સ્થળ ઘૂમતા હતા : એક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ અને બીજી કુકાબુરા કંપની ! યુવાન મિત્ર સાવન પટેલ અમને ‘કુકાબૂરા’લઇ ગયો ત્યારે મને તીર્થ યાત્રા જેવું લાગેલું!
દ્રુપદની ફ્રેન્ડ મૈત્રી શાહ અમને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ(MCG)પર લઇ ગયેલી.ત્રણેક કલાકની એ યાદગાર પ્રદક્ષિણા હું ક્યારેય ન ભૂલી શકું.
જુવાનીના ૧૫ વર્ષ વોલીબોલ રમ્યા પછી પણ મારો પ્રથમ પ્રેમ ક્રિકેટ રહ્યો. એવું લાગે છે કે જો મને વધુ તક મળી હોત તો હું સારો મીડીયમ પેસર બની શક્યો હોત. મારું એ અધૂરું સ્વપ્ન દ્રુપદે પૂર્ણ કરી બતાવ્યું એનો આનંદ !
આટલી અંગત વાત કહેવાનું કરણ એ જ કે દેશના લાખો યુવક –યુવતીઓની જેમ હું પણ ક્રિકેટને બેહદ ચાહું જ છું, પરંતુ, છેલ્લા થોડાક વર્ષોથી હું ક્રિકેટ નામના આ ‘બીગબીઝનેસ’ થી ખફા છું ! એનાથી આ ‘ઇન્ડસ્ટ્રી’ને કોઈ ફરક પડતો નથી. પણ દેશના યુવાનોને ક્રિકેટ નામના આ કર્કરોગથી કોઈ ફરક પડે છે કે નહિ , એ મારું ચિંતન છે.
ક્રિકેટ ઘેલા લાખો યુવાનોને એ પણ ખબર હોવી જોઈએ કે આ દેશમાં ભવાની દેવી નામની એક ફેન્સીંગ ની ખેલાડી છે , જે આઠ-આઠ વાર નેશનલ ચેમ્પિયન બની છે, એટલું જ નહિ ઓલમ્પિક( ૨૦૨૦) માટે પણ એ કોલીફાય થયેલી.
વ્યક્તિગત અને રાષ્ટ્રીય…આ બધી અસાધારણ સિદ્ધિઓ છે, અને ભવાની ખુશ છે, પરંતુ, એના દિલના એક ખૂણામાં કેટલા સમયથી ઘૂંટાતા દર્દનો હમણાં જ સુખદ અંત આવ્યો. ભવાનીની માતાએ એની દીકરીની રમતને પ્રોત્સાહન આપવા માટે જે દાગીના ગીરવે મુકેલા , એ દાગીના ભવાનીએ ગયા સપ્તાહે જયારે છોડાવ્યા ત્યારે દેશની આ અનોખી ખેલાડીને ઓલમ્પિક મેડલ મળ્યા જેટલી ખુશી થયેલી.( Ref. December 22 Indian Express)
કરોડોમાં વેચાતા આપણા ક્રિકેટ ખેલાડીઓની સામે આ પણ એક તાજી તસ્વીર છે , જે મેં આપની સમક્ષ મૂકી છે.
IPL હરાજીમાં ૧૬ કરોડથી પણ વધુ રકમમાં વેચાયેલા ચાર ખેલાડીઓ વિષે બધાને ખબર છે, પરંતુ ભવાની દેવી જેવી સ્ટાર ઇન્ટર નેશનલ ખેલાડી વિષે કેટલા જાણે છે!
આવી જ કહાની બીજી રમતોના ખેલાડીઓની છે. મેરીકોમ હોય કે ભવાની દેવી, દેશને આવી પ્રતિષ્ઠા અને સન્માન અપાવનાર ખેલાડીઓ પ્રત્યે સરકાર પણ કેમ ઉદાસીન છે , એ યક્ષ પ્રશ્ન છે. શું રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ જવાબદારી જ નહિ? અરે સરકારની વાત છોડો, કરોડોમાં ક્રિકેટના ખેલાડીઓને ખરીદતી આવી કંપનીઓને પાંચ પચીસ લાખ આપીને આવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનું કેમ નહિ સૂઝતું હોય ?
દેશની ૧૦૦ કંપનીઓ ધારેતો દેશના ઉગતા અને ઉભરતા આવા અનોખા ખેલાડીઓને આર્થીક સહાય આપવા માટે ૧૦૦ કરોડનું એક ‘કોર્પસ ફંડ’ જરૂર ભેગું કરી શકે.
મને તો હવે પૂજ્ય મોરારીબાપુને પણ આજીજી કરવાનું મન થાય કે એક કથા દેશના ગરીબ ખેલાડીઓ માટે ભલે થઇ જાય – મારો અને તમારો રામ રાજી થશે. જય સીતારામ ! ‘માનસ માતુ ભવાની’ કથા ભલે તમે કરી , પણ દેશની આવી ‘ભવાનીઓ’ માટે પણ તમે બે- ચાર કથા કરો એવી કરબદ્ધ પ્રાર્થના.
દુનિયા ભરમાં ફેલાઈ ચુકેલા ક્રિકેટ નામના કર્કરોગથી બચવું હવે અસંભવ છે, પરંતુ, ભવાની જેવા થોડાક ખેલાડીઓને ઓલમ્પિક સુધી પહોંચાડવામાં આપણે યથાશક્તિ યોગદાન કરીએ તો પણ ઘણું.
અને છેલ્લે, દેશની ક્રિકેટ ક્લબોમાં જે રાજકારણ ખેલાઈ રહ્યું છે , એની ચર્ચા પ્રલંબ ચાલે તેમ છે, એટલે અટકું જ.