CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Sunday, February 23   1:22:17

ભારતીય સિનેમા: એક સોફ્ટ પાવર

31-01-23

Dilip mehta

કેટલીક ફિલ્મોને નિશાન બનાવીને બહિષ્કાર સંસ્કૃતિ (Boycott Culture) તરફ વળેલ સમુહની કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીશ્રી અનુરાગ ઠાકુરે ગયા શુક્રવારે સખત આલોચના કરતા કહ્યું હતુ કે “જયારે ભારત એક સોફ્ટ પાવર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે આ પ્રકારના દ્રષ્ટાંતો વાતાવરણને કલુષિત કરે છે. કોઈ કિસ્સામાં, કોઈને કોઈ ફિલ્મ બાબતે સમસ્યા હોય તો તેણે સંબંધિત સરકારી વિભાગનો નો સંપર્ક કરવો જોઈએ જેથી જે તે વિભાગ ફિલ્મ મેકર સાથે આ બાબતે ચર્ચા –વિચારણા કરી શકે. કોઈવાર , માત્ર વાતાવરણ દુષિત કરવા માટે કેટલાક લોકો ફિલ્મ વિષે પૂરેપૂરું જોયા –જાણ્યાવિના કોમેન્ટ કરે છે. અને એનાથી સમસ્યા સર્જાય છે. આવું ન થવું જોઈએ.”ઉલ્લેખનીય છે કે મંત્રીશ્રીનું આ નિવેદન એ જ સમયે આવ્યું, જયારે દેશમાં શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘પઠાન’ એના એક ગીત સંદર્ભે બહિષ્કાર નો સામનો કરી રહી હતી.
આ પહેલા, અક્ષયકુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ, આમિરખાનની ‘લાલસિંહ ચડ્ઢા’અને દીપિકા પાદુકોણેની ‘પદ્માવત’ને પણ બોયકોટ સહન કરવો પડેલો.
મુંબઈમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન(OCO)ફિલ્મ ફેસ્ટીવલના ઉદ્દઘાટન પ્રસંગે ઠાકુરે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
શ્રી ઠાકુરે ક્રિએટીવ ઓટોનોમી પર પણ ભાર મુક્ત જણાવ્યું હતું કે “ઓવર ધ ટોપ (OTT)પર રજુ થતા કન્ટેન્ટ ને તપાસવા માટે સલામતીના ધોરણોની પુરતી વ્યવસ્થા છે જ. સર્જનાત્મકતા પર કોઈ પ્રતિબંધ ન હોવા જોઈએ”.
શ્રી ઠાકુરે એ પણ જણાવ્યું હતું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયને OTT પરના કન્ટેન્ટ અંગે ફરિયાદો મળતી જ રહે છે , પરંતુ ૯૫% ફરિયાદોનો નિકાલ તો પ્રોડ્યુસરના લેવલે જ થઇ જાય છે, અને બીજા તબ્બક્કામાં પબ્લીશર એસોશિએશન સાથે બેસીને તમામ બાબતોનું સ્પષ્ટીકરણ થઇ જાય છે.
માત્ર એક ટકો ફરિયાદ એમના ઇન્ટર ડીપાર્ટમેન્ટ સુધી પહોંચે છે , અને એવી ફરિયાદ સામે સખત પગલા ભરાય એની ખાતરી કરવામાં આવે છે.
ભારતીય ફિલ્મ અને ફિલ્મ સંગીતની લોકપ્રિયતા અને એ ફિલ્મો દ્વારા વર્ષોથી પ્રસરી રહેલી આપણી સાંસ્કૃતિક સુગન્ધ અંગે ઘણું બધું લખી શકાય તેમ છે. ભાષા અને સંસ્કૃતિની સીમાઓ ભૂલીને સાત સમંદર પારના દેશો જે રીતે આપણી ફિલ્મોને માણેછે, બિરદાવે છે, એ વિષે પણ ઘણું લખી શકાય તેમ છે. એક જમાનામાં દિલીપ કુમાર,રાજકપૂર અને દેવઆનંદની ફિલ્મોએ રશિયાને રીતસર ઘેલું લગાડેલું.
છેલ્લા બે દાયકાથી અમિતાભબચ્ચન, શાહરૂખ અને અન્ય કલાકરોની ફિલ્મો દુનિયાના બે ડઝનથી પણ વધુ દેશોમાં લોકપ્રિયતાના નુતન સીમાંકનો સર્જી રહી છે.
હમણાજ દેશના પ્રજાસતાક દિનની ઉજવણી પ્રસંગે આપણે ત્યાં ઈજીપ્તના પ્રમુખ અબ્દેલ –ફતેહ અલ સીસી પધાર્યા અને વિશ્વની સૌથી પુરાણી સંસ્કૃતિ ધરાવતા બે રાષ્ટ્રોના વડાઓ વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ, સંધિ થઇ.
રાજકીય સંબંધો તો ખરા જ , પરંતુ ઈજીપ્ત અને ભારત વચ્ચે વર્ષોથી સાંસ્કૃતિક સંબંધો ઘણા ગહન રહ્યા છે. ઈજીપ્તની રાજધાનીમાં બચ્ચનની મર્દ , શાહરુખની ‘માય નેમ ઈઝ ખાન અને દિલીપ સાબ ની ‘આન’ જોવા માટે ત્યાંની પ્રજા રીતસર ઉમટી પડેલી છે. માત્ર ત્યાંના નાગરિકો જ નહિ, ઈજીપ્તના પ્રમુખને પણ હિન્દી સિનેમામાં એટલો જ રસ છે. આપણા માંથી ઘણાને એ ખબર નહિ હોય કે 1960માં ઈજીપ્તના તત્કાલીન પ્રમુખ ગમાલઅબ્દેલ નસ્સીરીએ સાતમાં ‘ફિલ્મફેર એવોર્ડ ફંકશન’માં અતિથીવિશેષ તરીકે હાજરી આપેલી. ઈજ્પ્ત અને બોલીવુડનું આકર્ષણ અરસ પરસનું રહ્યું છે. બોલીવુડને પણ ઈજીપ્તના લેન્ડસ્કેપ , પીરામીડઝ અને મનોહર પર્વતમાળાઓનું વર્ષોથી આકર્ષણ રહ્યું છે. ગ્રેટ ગેમ્બલર ( ૧૯૭૬), અક્ષય કુમારની ‘સિંઘ ઈઝ કિંગ’( ૨૦૦૮), જેવી ઘણી ફિલ્મોમાં ઈજીપ્તના દ્રશ્યો જોવા મળે છે. ૨૦૧૪માં આપણા વિદેશ મંત્રાલએ પણ ૧૯૫૫માં નેહરુ –નાસ્સીર સંધિ દવારા જે રીતે બંને દેશોના સંબંધો ઘનિષ્ટ બન્યા હતા, એની નોંધ લીધેલી. પોતાના દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધી અને ઈજીપ્તના સ્ટેટ્સમેન સાદ ઝઘોલ વચ્ચે સમાન લક્ષ્ય હતું.
એ સમયે નાસ્સીર, નેહરુ અને યોગોલ્સ્લોવિયાના માર્શલ ટીટોની મૈત્રીને ગ્લોબલ Non Aligned Movement ( NAM)ના ત્રણ સ્થંભો ગણવામાં આવેલા.
ઈજીપ્તના દર્શકોને ભારતીય સિનેમામાં અને પોતાના દેશના સાંસ્કૃતિક પ્રવાહમાં ઘણી સામ્યતા દેખાય છે. જો કે ઘણીવાર આપણી ફિલ્મો વિષે નકારાત્મક આલોચના પણ થયેલી છે, તેમ છતાં આકર્ષણ બરકરાર છે. ઈજીપ્તને પોતાનો ફિલ્મ ઉદ્યોગ પણ છે જ અને એમનું એમને ગૌરવ પણ છે જ. ૮૦ ના દસકમાં VHS કેસેટ્સના યુગમાં વિશ્વના ખૂણે ખૂણે આપણી ફિલ્મો પહોંચી અને છવાઈ ગઈ ! ગિરફતાર અને મર્દ જેવી ફિલ્મોને મળેલી લોકપ્રિયતાને પગલે પગલે અમિતાભ ત્યાં લોકપ્રિયતાનના નુતન શિખરે પહોંચી ગયા. એક વાર અમિતાભ જે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા એ પ્લેન ઇંધણ માટે કેરો એરપોર્ટ ઉતાર્યું ત્યારે અમિતાભની ઉપસ્થિતિની જાણ થતા હજારો ઈજીપ્તવાસીઓ એની એક ઝાંખી મેળવવા ઉમટી પડેલા. ટેક્સાસ થી પ્રસિદ્ધ થતા એક સામયિકમાં પત્રકાર-શિક્ષણવિદ્દ કલેર કુલી Claire Cooley એ આ વાત લખેલી છે.
દિલીપ કુમારનેડેવિડ લીન્સની ‘લોરેન્સ ઓફ અરેબિયા’ ફિલ્મમાં મળેલ રોલને કારણે ઈજીપ્તના ઓમર શરીફને વિશ્વ વ્યાપી લોકપ્રિયતા મળેલી.
ઈજીપ્તમાં આયોજિત ‘નાઇલ ફેસ્ટીવલ’ માં પણ હિન્દી ફિલ્મોના અનેક ગીતો ગુંજી ઉઠે છે. ઈજીપ્ત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને એશિયાના અનેક દેશોમાં આપણી ફિલ્મો જયારે લોકપ્રિય બની રહી છે ત્યારે ઘર આંગણે કેટલાક સંગઠનો દવારા પઠાન જેવી ફિલ્મો પર થઇ રહેલા વિવાદ અંગે મંત્રી શ્રી અનુરાગ ઠાકુરનું આ નિવેદન ઘણું જ સૂચક અને સમયોચિત બની રહે છે. અશોક યુનીવર્સીટીના એક પ્રોફેસર અશ્વિની દેશપાંડેને એક એજન્ટ સાથે મનીટ્રાન્સફર બાબતે કંઇક પ્રોબ્લેમ થયેલો. અશ્વિની એ આ મુશ્કેલી ટવીટર પર રજુ કરી અને શાહરૂખે થોડીવારમાં જ આ સમસ્યા હલ કરી દીધી. સાંસ્કૃતિક અને ભૌગોલિક સીમાડાઓ ઓળંગીને સાત સમુંદર પાર પહોંચેલી આપણી આ ફિલ્મો સોફ્ટ પાવર રૂપે અગત્યનો ભાગ ભજવી રહી છે ત્યારે ક્યાંક થોડી ઘણી બાબતોને દરગુજર કરીને પણ આપણે બબાલ થી બચીએ એ જ ઇચ્છનીય. સ્વયં મોદી સાહેબ પણ આવું માને છે, પણ મોદીનું પણ કોણ માને? ખેર , પઠાન ફિલ્મ હવે વિવાદથી પર ‘વકરા’ના વિક્રમો કરી રહી છે!
(ફોટો :ઈજીપ્તના પ્રમુખના હસ્તે નૂતનને ફિલ્મફેર એવોર્ડ )