CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Thursday, November 21   11:44:52
village

ગામડું આળસ મરડી ને શહેર બની રહ્યું છે…

હજુ પૂરેપૂરું નથી બન્યું તો પણ ઘણું બધું બની તો ગયું જ છે..
કારણ કે ગાર માટીના કે સિમેન્ટ રેતીના બનેલા એ બેઠા ઘાટના ઘર હવે નથી..
ગામડું શહેર થાય ત્યારે આકાશ તરફ વિસ્તરે..નાના નાના મકાનો,શેરીઓ,ફળીયા ગાયબ થઈ જાય,
આકાશને ચુમતી ઇમારતો ઉગી નીકળે,
આવી એક જ ઈમારતમાં જાણે કે અર્ધા થી વધારે જૂનું ગામ સમાઈ જાય,
જો મૂળ ગામડું નાનુ હોય તો આખું ગામ મકાનમાં ઓગળી જાય..
હા,ગામમાં બધા એક બીજાને ઓળખતા હોય,
પાદરે કોઈને પૂછો કે રણછોડભાઈ ક્યાં રહે છે તો ઉત્તર ના મળે, સામો સવાલ ઝીંકાય કે કયા રણછોડભાઇ? રણછોડ મગન કે રણછોડ રમણ,રણછોડ હોટલવાળા કે રણછોડભાઈ અનાજ વાળા?
એક છેડે રહેતો આદમી બીજા છેડાના અને વચલા ફળિયાઓ ના લગભગ તમામે તમામને, માત્ર બાપ નહિ દાદાનું નામ,મૂળ ગામ,ધંધો ..બધી જ રીતે ઓળખતો હોય.
પણ આ બહુમાળી ગામડામાં સામે બારણે કોણ રહે એની ખબર ન હોય. હા, નિવાસીઓ ના નામનું પાટિયું લટકતું હોય એ જોઈ લેવાનું..
જો જો કોઈના બંધ બારણે ટકોરા મારવાની ભૂલ ન કરતા કારણ કે આ મૂળ ગામડું નથી જ્યાં લ્યો ,પહેલા પાણી પીઓ પછી બચૂડો તમને એમના ઘેર મૂકી જશે એવું કહેવાતું.
આ ગામમાં તમને ગમે તેવો જવાબ મળી શકે..નથી ખબર..નીચે ઓફિસમાં જઈને પૂછો..અમે પૂછપરછ કેન્દ્ર નથી ખોલ્યું.. વિગેરે વિગેરે અને બારણું ધડામ દઈને બંધ થઈ જાય.
સાવ આવું નથી..હજુ મૂળ ગામ થોડું થોડું જીવે છે…પેલા કપાયેલા વૃક્ષના સાબૂત થડ પર ઉગી નીકળતી લીલી ડાળખી જેવું..એટલે કોઈ ભલો માણસ આવકારે તો આભાર માની લેજો..એનામાં મૂળ ગામના એકાદ ટુકડા ના દર્શન કરી લેજો…
હા,ગામડું આળસ મરડી ને શહેર બની રહ્યું છે એ સાચું..તો પણ હજુ મૂળ ગામના ઘટાદાર વૃક્ષો પૈકી એકાદ બે કે થોડા વધારે, ટટાર ઊભા છે ખરા અને નવા, જેમની જાતિ પ્રજાતિની ખબર નથી એ ઉછરી રહ્યા છે ખરા.હજુ કેટલીક જગ્યાએ ખેતર – ખળા કે ગમાણ જેવું થોડુંક બચ્યું છે…જો કે તેમની નજીક શહેર બનવા તરફની ગતિનો અણસાર આપતા બોર્ડ અવશ્ય લાગી ગયા છે…ધરતી પર અહીં અમે વસાવિશું સ્વર્ગ …નવ સર્જન બિલ્ડર નું નવું સાહસ…ધરતી પર ‘ સ્વર્ગ લોક ‘ આજે જ બુકિંગ કરાવો અને મેળવો ૫ ગ્રામના ચાંદી ના સિક્કા ની ચકચક્તી ભેટ…
અને જૂના ગામના બે ચાર ઘરડા થતાં જતાં મોરલા હજુ બચ્યા છે ખરા..
નવા વૃક્ષો સાથે અનુકૂળતા કેળવી રહ્યા છે અને ટહુકા કરે છે ટેંહુંક ટેન્હુંક…
હા ગામડું બદલાઈ રહ્યું છે….