હું પેન્શનભોગી એટલે કે નિવૃત્તિ વેતનભોગી છું.એટલે પેન્શન કચેરીના ચોપડે જીવતા રહેવા મારે દર વર્ષે આપવો પડે હયાતી નો પુરાવો.આ મજબૂરી નથી વ્યવસ્થા છે જેને રમૂજમાં વણી લઈને આ લેખ લખ્યો.બધાએ એને હળવાશથી લેવો અને ક્યાંક વિગત દોષ હોય તો કૉમેન્ટમાં મને સુધારવો..
**
દર વર્ષે જીવતા રહેવાનો પુરાવો આપવો પડે ત્યારે થોડું વસમું તો લાગે…
આજે વાત કરવી છે સરકારી તંત્રના કે અન્ય કોઈ સંસ્થાનના આદરણીય વડીલો જેવા પેન્શનરો એટલે કે નિવૃત્તિ વેતનભોગીઓ ની.
સમાજમાં એક ઉક્તિ પ્રચલિત છે કે જબ સરકાર દેતી હૈ પેન્શન ફિર કાહે કા ટેન્શન!!
બીજા કોઈ ટેન્શન હોય કે ના હોય એમને એક ટેન્શન તો રહે જ છે.અને એ ટેન્શન છે પોતે જીવતા હોવાનો પુરાવો એટલે કે હયાતીનું પ્રમાણપત્ર આપવાનો. દર વર્ષે એપ્રિલ થી જુલાઈ દરમિયાન જો તમે હયાતી ના કરાવો તો શું થાય?
સરકાર માઇ બાપ અને એમના વતી ચુકવણી કરતી તિજોરી કચેરી તમને કામચલાઉ મરેલા માની લે…!!
હા જો કે એમનામાં દયા અને સદભાવના ખરી એટલે કાયમી ઉકલી ગયા અને એમનું ખાતુ બંધ કરી દો એવું નથી કરતા.પણ જ્યાં સુધી તમે હયાતી ના કરાવો ત્યાં સુધી તમે સરકારી ચોપડે ઉકલી ગયા જેવા ગણાવ છો.એટલે નિવૃત્તિ વેતન ભોગીએ બધું ચૂકવું પણ હયાતી કરાવવાનું ન ચૂકવું.
જે નોકરીમાં ચાલુ છે એ વેતન ભોગી છે.અને જેમનો નોકરીનો કર્મયોગ પૂરો થઈ જાય એ નિવૃત્તિ વેતન ભોગી છે.
આ ભોગની બાદશાહી તમે જીવો ત્યાં સુધી ચાલે.જો કે આ બાદશાહી ભોગવનારી પેઢી હવે વધુમાં વધુ બે દાયકાની મહેમાન છે.૨૦૦૬ પછી ભરતી થનારાઓને પેન્શનની સુવિધા મળવાની નથી.અને તેના વિકલ્પે જે મળવાનું છે એ એટલું આકર્ષક નથી.જો કે ઘણાં રાજ્યોએ ચુંટણીના મુદ્દા તરીકે જૂની પેન્શન યોજના ફરીથી જીવતી કરી છે.
પેન્શનર માટે તિજોરી કચેરી એ મહાલક્ષ્મી અને બેંક એ લક્ષ્મી માતાનું મંદિર ગણાય.
હયાતીની ખાત્રી કરાવવી આમ કંઈ અઘરું કે ખૂબ સમય લેનારું કામ નથી.બેંક ના મેનેજર પણ હવે મોટેભાગે પેન્શનર વડીલોનું માન જાળવે છે.
દર વર્ષના એપ્રિલ મહિનામાં પેન્શનરે પોતાની બેંકમાં જઈને એક ફોર્મ ભરી દેવાનું.એમાં પાછું કશું ખાસ ભરવાનું હોતું જ નથી.તિજોરી કચેરી આ ફોર્મસ બેન્કો ને મોકલી જ આપે છે.એમાં એક જ ફોર્મમાં ત્રણ પ્રમાણપત્રો હોય છે. એ પૈકી એક જ લાગુ પડતું હોય છે.પણ બેંક વાળા ખૂબ વ્યવહારુ એટલે ત્રણે પર સહી કરાવી લે.બસ તમે જીવતા છો નો પુરાવો મળી ગયો.હવે વધુ એક વર્ષ લહેરથી જીવો.
ચુંટણી છે એટલે યાદ આવ્યું. કહેવાય છે કે મતાધિકાર અમૂલ્ય છે અને એક એક મતની કિંમત છે.
પણ નિવૃત્તિ વેતનભોગી ને પૂછો તો કહેશે કે પેન્શન અમૂલ્ય છે.એમનો તર્ક કંઈ એવો છે કે ચુંટણી પંચ દર વર્ષે મતદાર પાસે હયાતીનો પુરાવો માંગતું નથી.તિજોરી કચેરી માંગે છે.જો મત અમૂલ્ય હોત તો પંચ દર વર્ષે મતદાર જીવે છે કે ઉકલી ગયો એની પૃચ્છા અવશ્ય કરતું હોત!
અહીં એક રમુજી ટૂચકો યાદ આવે છે.એક કાકા મતદાન મથકે ગયા.ઓળખીતો યુવાન ત્યાં મતદાન એજન્ટ તરીકે બેઠો હતો.એને પૂછ્યું કે અલ્યા તારા કાકી મત આપી ગયા? એટલે જવાબ મળ્યો હોવે.. એ હમણો જ મત આપીને ગયા.અને કાકા માથું ખંજવાળે કે ડોહી ને મર્યે દહ વરહ થ્યા. મારી હાળી દર પાંચ વરહે મત તો નાંખી જાય..પણ મને મળતી કેમ નથી!!
એમાં એવું કે નાણાંનો વહીવટ કરનારા ડાહ્યા હોય એટલે તિજોરી કચેરી દર વર્ષે હયાતીનો પુરાવો માંગે.
જો કે પેન્શનરોની લાગણી છે કે આ હયાતી કરાવવાની તિજોરી કચેરીની જે રીત છે એ સાવ અરસિક છે.એટલે આ પ્રક્રિયાને એવી રસપ્રદ અને આકર્ષક બનાવવી જોઈએ જેથી આ લોકો રાહ જુવે કે ક્યારે એપ્રિલ આવે અને ક્યારે હયાતી કરાવું.
હવે તમે પૂછશો કે આ કેવી રીતે થઈ શકે?
એનો જવાબ છે કે તિજોરી કચેરીએ દર વર્ષે જ્યાં થી પેન્શન ચૂકવાય છે એ બેંક વાર મસ્ત મઝાનો હયાતીની ખરાઈ ભોજન સમારંભ યોજવો જોઈએ.
દલીલ થશે કે એનો ખર્ચ ક્યાં પાડવો? તો ભાઈ ઉદાર રાજ્ય અને કેન્દ્ર સરકારો વડીલ વંદના યોજના ચલાવે જ છે.એના હેઠળ સરકારી અનુદાન માંગી લેવાય.
અથવા જે તે બેન્કોના સંચાલકો csr ભંડોળમાં થી આ વડીલ સન્માનના કામ માટે અનુદાન ફાળવે.પેન્શનરો ઉદાર એટલે ભોજન સાથે દક્ષિણામાં ભેટ આપવાનું કહેતા જ નથી.
અને આ આયોજન થી એ લાભ પણ થાય કે ગયા વર્ષે આપણે ૫૦ હતા.આ વર્ષે ૪૫ થયાં.એટલે એકઝિટ માટે મનોમન તૈયાર થવા માંડો.
મને જાણવા મળ્યું કે અમેરિકા ,કેનેડા જેવા દેશોમાં સોશિયલ સિક્યુરિટી ની વિભાવના હેઠળ સરકારી કે ખાનગી નોકરી દરમિયાન આવકવેરા તરીકે કપાયેલી રકમના વળતર રૂપે ૬૫ વર્ષ પછી સામાજિક સુરક્ષા પેન્શન આપવામાં આવે છે.
ત્યાં હયાતીની ખરાઈ દર વર્ષે કરાવવી પડે? કેવી રીતે થાય એ અંગે એક મિત્રને પૂછ્યું. તેમણે જણાવ્યું કે અમેરિકામાં હયાતીની ખરાઈ કરાવવાની કોઈ ફરજિયાત પ્રથા નથી.તેનું એક કારણ તો એ કે પ્રમાણિકતા ઘણી છે.પેન્શનર નું મૃત્યુ થાય તો સ્વજનો સામે ચાલીને તુરત જ તંત્રને જણાવી દે છે.બીજું કે ત્યાં મોટાભાગના વ્યવહારોમાં સોશિયલ સિક્યુરિટી નંબર ટાંકવો પડે.મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવા જાય ત્યાં મૃતકનો સોશિયલ સિક્યુરિટી નંબર આપવો જ પડે.અને આ વિગતો નેટવર્ક સાથે જોડાયેલી હોવાથી તંત્રને તરત જ ખબર પડી જાય.
જો કે આમ તો ભારતમાં પેન્શનરો ના પરિવારજનો આ બાબતમાં જાગૃત અને પ્રમાણિક છે અને મૃત્યુ ના સંજોગોમાં તિજોરી કચેરીને જાણ કરી જ દે છે. છતાં વધારા ની તકેદારી માટે આ નિયમ રાખવામાં આવ્યો હશે.
હવે જો કે બેંકમાં ગયા વગર ટેકનોલોજીની મદદથી ઓનલાઇન હયાતીની ખરાઈ કરાવી શકાય છે.ખાસ કરીને નિવૃત્તિ પછી લાંબા ગાળા માટે વિદેશમાં રહેવા ગયા હોય એમના માટે આ સુવિધા ખૂબ ઉપયોગી છે.ટેકનોસેવી વડીલો દેશમાં પણ તેનો ઉપયોગ કરી શકે છે.
વડોદરાની પેન્શન તિજોરી કચેરીની વાત કરીએ તો દર મહિને અંદાજે ૩૭ હજારથી વધુ પેન્શનરોને એ પેન્શન ચૂકવે છે.જેમાં સરકારી ખાતા,એમ. એસ .યુનિવર્સિટી, જિલ્લા પંચાયતની કચેરીઓ અને અનુદાનિત સંસ્થાઓના પૂર્વ કર્મચારીઓ નો સમાવેશ થાય છે એવું જાણ્યું છે. વડોદરા મનપાની જુદી વ્યવસ્થા છે. એ જ રીતે ભારત સરકાર અને બેન્કોની તેમના પૂર્વ કર્મચારીઓ ને પેન્શન ચૂકવવાની જુદી વ્યવસ્થા છે.પેન્શન ચુકવણી ખૂબ મહેનતનું કામ છે અને તિજોરી કચેરી એ નિષ્ઠા થી કરે છે એની નોંધ લેવી જ પડે.
ત્યાગીને ભોગવી જાણો એવું ભગવાને ગીતામાં કહ્યું છે.એટલે નિવૃત્તિ વેતન ભોગીઓ એ દર વર્ષે આગલા એપ્રિલની ખાત્રી નથી એવું સમજી ધીમે ધીમે બધી જીજીવિશા ત્યાગતા રહેવું.ગીતાનો કર્મયોગ આ પ્રથાથી તમારા માટે સુલભ બને છે એવું માનવું.
બાકી ઉકલી ગયા તો તિજોરી કચેરી થોડો ઘણો ખર્ચ લાકડા પાણી માટે આપે જ છે.અલબત્ત તમને નહિ વારસદાર ને.અને ૮૦ થી લાંબુ જીવો તો પેન્શન વધારી આપે છે.હવે જીવવા માટે વધુ કઈ અપેક્ષા રાખવી??
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર