પ્રલંબ સમય બાદ ગઈકાલે ‘વિવિધ ભારતી’ પરથી વહેતું આ ગીત મારા કર્ણપટલ પર પહોંચ્યું અને તંદ્રામાંથી હું જાગી ગયો!
યુ ટયુબ પરથી ફરીથી એ માણ્યું , બે વાર સાંભળ્યા બાદ પણ ‘યે દિલ માંગે મોર’ જેવું જ થયું ! ફરી એકવાર માણ્યું !
કલ્યાણજી –આનંદજીની સાથે મોટેભાગે ગીતકાર તરીકે ઇન્દીવર જ રહ્યા, પરંતુ, આ ગીતના રચયિતા તો હસરત જયપુરી નીકળ્યા!
જીતની સાગરકી ગહેરાઈ , જીતની અમ્બરકી ઉંચાઈ, ઇતના તુમસે પ્યાર હૈ !
સાહેબ, આવી અદભુત કાવ્યપંક્તિ તો ‘સાહિર’ની જ હોય હો! અને સ્વરાંકન પણ કેવું અદભુત ! આહાહા ! સમય ખરી પડે અને આંખમાંથી આંસુ સરી પડે એવું !
એમના સ્વરાંકનમાં મુકેશે ગાયેલાં બે ત્રણ ગીતો આજે પણ હું જ્યાં તક મળે ત્યાં ગાઈ લઉં છું. પિયાનો વાદક /કી બોર્ડ પ્લેયર તરીકે જો અમારો પીયુષ ભટ્ટ હોય તો હું સોળે ય કળાએ ખીલું છું!
ભજીયાની આશિકી સાથે પણ ઈશ્વર કૃપાથી મારો સ્વર હજુ બરકરાર રહ્યો છે. પણ, હું વિચાર તો આ બંધુઓની અને એની કેરિયરની કરતો હતો. વચ્ચે, થોડીક અંગત વાત આવી ગઈ અને હજુ પણ આવવાની જ ! હાહા !
નવા નવા ગાયકોને પ્લેબેક સિંગર બનાવવામાં એમનું જે પ્રદાન છે, એ વિષે એક જુદી જ પોસ્ટ લખવી પડે તેમ છે.
જાવેદ અખ્તર સાહેબે એના એક દુરદર્શન પરના શોમાં કહેલું કે “ આ જોડીને કદાચ આપણે under rate કરી છે. એમની વાતમાં કદાચ દમ છે. બાકી, મદન મોહન થી લઈને બર્મન દાદા, પંચમદા અને એલપી –શંકર -જયકિશન જેવા સંગીતકારો વચ્ચે પોતાની એક આગવી આભા અને ઓરા ઉભી કરવી એ જેવી તેવી વાત નથી જ!
વલ્લભ વિદ્યાનગરમાં ૧૯૮૧-૮૨માં એચ એમ પટેલ સાહેબે કોઈ સંસ્થાના લાભાર્થે કલ્યાણજી આનંદજીનો કોન્સર્ટ કરેલો. એના મુખ્ય આયોજકોમાં શ્રી દિલાવરસિંહ જાડેજા સાહેબ પણ હતા. એમની સાથેના અને પટેલ સાહેબના નીકટના પરિચયથી મારે આ બંને બંધુઓને નિરાંતે મળવાનું બનેલું.
મારા જેવા ૨૧-૨૨ વર્ષના યુવાન સાથે એમણે જે સહૃદયતાથી સંવાદ કરેલો તે આજે પણ એટલો જ તાજો છે.
આ પણ વાંચો – માત્ર સાત બાળકોની શાળા : અમેરિકામાં હવે માઈક્રોસ્કુલની તેજી !
એ પછી તો મુંબઈમાં એમના ઘરે જ એમને બબ્બે વાર મળવાની તક મળી.
વડોદરામાં ‘ફીલિંગ્સ મેગેઝીન’ના એક એવોર્ડ સમારંભમાં પણ આનંદજીભાઈ આવેલા અને ખુબ ભાવ પૂર્વક મળેલા.
આજે આનંદજી ભાઈ ૯૦ વર્ષના છે, પણ આપણે સૌ એમને એમના પત્ની સાથે મજાક મસ્તી કરતા આનંદજીને એવા જ રોમેન્ટિક જોઈએ છીએ. કદાચ આ સંગીતનો જ પ્રભાવ છે!
એક નોંધ મુજબ આ જોડીએ ૩૦ જુન ૧૯૨૮ના દિવસે પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી. લગભગ સન ૨૦૦૦ સુધી આ સફર ચાલી!
આ સફર દરમ્યાન અનેકવિધ કર્ણપ્રિય ગીતો આપવા બદલ આ જોડીને શત શત વંદન!
શનિ રવિની સાંજે આજે નાના નાના સિતારાઓ જયારે એમના ગીતો એવા જ ભાવ સાથે રજુ કરે છે, ત્યારે એ જોઇને મારી આંખમાંથી બે હર્ષબિંદુ સરી પડે છે!
More Stories
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..
‘માનસ માતુ ભવાની અને કીરવાની’ બાપુનીકથા એટલે ક્ષણનો સાક્ષાત્કાર !