જીવનમાં દરેક બાબતની અગત્યતા છે અને દરેક બાબતમાં અગત્યતા આગવી હોય છે.શિક્ષણ જીવન ઘડતર અને આત્મ નિર્ભરતા,જીવન દૃષ્ટિ માટે જરૂરી છે તો લગ્ન ભારતીય વિચારધારા પ્રમાણે જીવનના સોળ પૈકી એક મુખ્ય સંસ્કાર છે.આહાર,નિંદ્રા,ભય,મૈથુન એ જીવ માત્ર માટે સાહજિક છે અને લગ્ન થી એક તો પ્રજોત્પત્તિ નો પરસ્પર અધિકાર મળે છે અને બીજું આત્મીય સાહચર્ય જીવનને સરળ બનાવે છે.
તાજેતરમાં એક અહેવાલમાં એવું જાણવા મળ્યું કે ભારતમાં શિક્ષણ ખર્ચમાં કરકસર અને લગ્નમાં લખલૂટ ખર્ચ કરવાની આદત જોવા મળે છે.
એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે અંદાજે ૮૦ લાખથી એક કરોડ જેટલા લગ્નો થાય છે અને તેની પાછળ ૧૦ લાખ કરોડ વાપરવામાં આવે છે.એટલે કે લગ્ન અર્થ તંત્રને ટેકો આપતો એક પ્રસંગ છે.તેનાથી દર દાગીના,વસ્ત્રો, સાજ સજાવટ,વાહન અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોને પીઠબળ મળે છે.હવે તો સેવા ક્ષેત્રમાં ઇવેન્ટ મેનેજમેન્ટ એક સક્ષમ પ્રવૃત્તિ ગણાય છે.વિદેશી સંસ્થાના રિપોર્ટમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ભારતમાં ખાદ્ય સામગ્રી અને કરિયાણા પછી સૌ થી વધુ ખર્ચ લગ્ન પાછળ કરવામાં આવે છે.એનો અંદાજ કે દાવો છે કે આપણે લગ્ન માટે શિક્ષણ કરતા બમણો ખર્ચ કરીએ છે.
જો કે આ દાવો અર્ધ સત્ય જેવો લાગે છે.કારણ કે આજે જીવનમાં અનિવાર્ય એવું શિક્ષણ ખર્ચાળ બન્યું છે.લગ્ન સાદગી થી થઈ શકે છે પરંતુ જાતે સારું શિક્ષણ લેવું હોય કે સંતાનોને આપવું હોય તો મોટા ખર્ચની તૈયારી રાખવી પડે છે.
બીજી તરફ લગ્નો માટે દેખાદેખી,સમાજમાં ધાક બેસાડવા લખલૂટ ખર્ચ કરવાની વૃત્તિ તમામ વર્ગોમાં ઘર કરી ગઈ છે.લગ્ન વ્યક્તિ માટે,પરિવાર માટે,સામાજિક સંબંધો માટે ઉત્સવ ,ઉત્સાહનો પ્રસંગ છે એ કબૂલ.પરંતુ માત્ર દેખાડા માટે ગજા બહારનો ખર્ચ કરવો યોગ્ય લાગતું નથી.
કેટલાક સમાજોમાં દહેજની પ્રથા છે અને દેખાદેખીમાં જ્યાં દહેજ પ્રથા નથી એ સમાજો હવે મોટી લેવડ દેવડના અવળે રસ્તે ચઢ્યા છે.દહેજનો આગ્રહ લગ્નને વધુ ખર્ચાળ અને માતાપિતા પરિવારને મજબૂર બનાવે છે.લગ્ન પાછળ લખલૂટ ખર્ચ અને ભવ્ય ભપકા પાછળનું એક કારણ આ કુરિવાજ પણ છે.
પછેડીની લંબાઈ જેટલા પગ લાંબા કરવા એ ડહાપણ ભારતીય સંસ્કૃતિ જ આપે છે.ભારતમાં જ કદાચ સમૂહ લગ્ન જેવી પરંપરા છે અને ઘણાં સમાજોમાં તો સંપન્ન લોકો સમૂહ લગ્નમાં જોડાતા અચકાતા નથી.
એટલે ડહાપણ એમાં છે કે શિક્ષણ માટે કરકસર ભર્યા અને લગ્ન માટે પણ કરકસર ભર્યા વિકલ્પો પસંદ કરીએ.બંનેમાં મૂલ્યો અને ગુણવત્તા વધુ અગત્યની ગણાય.શિક્ષણ સંસ્થામાં સાદગી હોય પરંતુ સારા શિક્ષણની ખાત્રી આપતી ગુણવત્તા,સાધન સુવિધા અને માનવ સંપદા હોય તો એ ભવ્ય ઇમારતો અને આલીશાન પરિસર વાળી શિક્ષણ સંસ્થાની સરખામણીમાં અગ્ર પસંદગીને યોગ્ય ગણાય.તેની સાથે શિસ્ત અને જીવન સંસ્કારોનું સિંચન થતું હોય એ સંસ્થા બહેતર વિકલ્પ છે.
લગ્નનું તો એવું છે કે જેને પોસાય એ ભલે ખર્ચ કરે.બાકી સાદગી થી લગ્નના વિકલ્પો ઉપલબ્ધ છે એટલે ચાર્વાકે કહ્યું છે કે દેવું કરીને ઘી પીઓ એવી દલીલ હેઠળ દેવું કરીને શાનદાર લગ્ન કરવામાં ભલાઈ નથી. ઋષિએ દેવું કરીને લગ્ન કરો એવું તો નથી જ કીધું. એમણે તો આરોગ્ય સાચવવા બધું કરી છૂટો એવું કહ્યું છે.એટલે લગ્ન માટે દેવું કરીને આર્થિક હાલત બગાડવામાં સાર નથી.અને સારા શિક્ષણ માટે થોડો વધુ ખર્ચ કરવો પડે તો બીજે કરકસર કરી,કરવો.લાંબેગાળે એ ઉમદા વળતર આપશે…
More Stories
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..
‘માનસ માતુ ભવાની અને કીરવાની’ બાપુનીકથા એટલે ક્ષણનો સાક્ષાત્કાર !