CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Thursday, November 21   8:32:51

વિશ્વ સંગીત દિવસ વિશેષ, એક નટખટનું મુખ સંગીત

મારી દૌહિત્રી ખૂબ જ નટખટ છે.હજુ બોલતા શીખી નથી.પરંતુ ભાત ભાતના અવાજો કાઢવાની આદત એણે કેળવી છે. એ હંમેશા નિજાનંદમાં ગુલતાન રહે,હજુ માંડ દોઢ વર્ષની છે પણ ચંચળતા ખૂબ છે.આંખોમાં હંમેશા કુતૂહલ આંજી ને ફરે.પહેલાં જુવે અને પછી નકલ કરે.મીઠું મીઠું હશે.

હમણાં એક દિવસ એને મુખ સંગીતનું ઘેલું લાગ્યું.પોતાના હોઠની મૂવમેન્ટ થી સંગીતમય આવજો કાઢે અને આંગળીનો વીણા ના તાર જેવો ઉપયોગ કરીને તેમાં બદલાવ લાવે. વળી આખી હથેળી મોઢા પર વારેવારે ઝડપથી અથડાવી અવાજ કાઢવામાં સફળતાનો આનંદ માણે.એના દાદા દાદી સંગીતની સમજ અને ગાયનમાં રુચિ ધરાવે છે.જાણે કે આ સંસ્કાર વારસામાં ઉતરી રહ્યા છે.

એના નખરા,એનું મુખ સંગીત અને સ્વ સાથે સંવાદ કરવાની માસૂમિયત મનમોહક બને છે.બાળ કૃષ્ણે આવી જ લીલાઓ કરી હશેને!! ખરેખર નટખટ ભૂલકાં દરેક ઘરને વ્રજ અને ગોકુળ બનાવે છે.

એવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે કે માણસના જીવનનું પહેલું સંગીત કયું?

જ્યારે વ્યક્તિ મા ના પેટમાં હોય છે ત્યારે એને સૂક્ષ્મ કાન હોય છે.તેના વડે એ મા જો થોડી મોજીલી હોય અને ગાતી હોય તો એના ગીતો,પાણીનો કલ કલ નિનાદ,વરસાદની ટપ ટપ આ બધું સાંભળતો તો હશે જે.વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકાભડાકા એને ડરાવતા હશે.ત્યારે પેટ પર ફરતા મા ના સ્નેહાળ હાથનો સ્પર્શ એને હૂંફ અને સધિયારો આપતો હશે.

 

જો કે પોતાના સગા કાને સાંભળ્યું હોય એવું પ્રથમ સંગીત જન્મ પછીનું એનું પોતાનું રુદન જ હશે.કારણ કે એનું આ રુદન સાંભળીને મા અને પિતા, દાદી અને ઘરનું જે કોઈ ઉપસ્થિત હોય તેમના શરીરનું રોમે રોમ પુલકિત થઈ જતું હોય છે.એટલે પહેલા રુદન થી સુમધુર કોઈ સંગીત એના જીવનમાં એને સાંભળવા ના મળે.હા, મા કે દાદીના ભલે બેસૂરા અવાજે અને સંગીતનો તાલ મેળવ્યા વગર ગવાતા હોય એવા હાલરડાં એને સમકક્ષ ગણાય ખરા.

તો તમારા ઘરમાં બાળક આવવાનું હોય તો એનું પહેલું રુદન રેકોર્ડ કરી લેજો. જીવનનું આ પહેલું સંગીત સાંભળી એનામાં સંગીત સંસ્કાર સિંચાતા રહેશે..સંમત છો મારી વાત સાથે????