તાજેતરમાં જ આવેલા એક સમાચાર મુજબ કેરળની એક 24 વર્ષની નર્સ સૂર્યા સુરેન્દ્રનને બ્રિટનમાં નોકરી મળી હતી. વિદેશની આ નોકરીમાં હાજર થવા વિમાનમાર્ગે જવા માટે 30મી એપ્રિલે કોચી એરપોર્ટ પહોંચેલી આ યુવતી પરિવારજનોને આવજો કહેવા માટે ફોન કરતી કરતી ટહેલતી હતી. ચાલુ ફોનમાં જ એરપોર્ટના ગાર્ડનમાંથી અજાણતાં જ એક આકર્ષક છોડનાં પાન કે ફૂલ ચાવતી હતી. થોડી વારમાં જ આ યુવતી બેશુદ્ધ થઈ ગઈ અને કોઈ સારવાર કારગત ન નીવડી, એ મૃત્યુ પામી.
પછીથી ખબર પડી કે, એ જેના કારણે મૃત્યુ પામી એ કરેણનો છોડ હતો. આપણા માટે આ થોડી ગંભીર બાબત એટલા માટે છે કે, કરેણ ગુજરાતમાં લગભગ બધે જ જોવા મળતો છોડ છે. પેલી નર્સે કરી એવી ભૂલ આપણાથી પણ થઈ શકે છે અને ખાસ તો ઘરઆંગણે ક્યારા કે કૂંડાંમાં કોઈ મહેનત વગર ઉગી જતા આ આકર્ષક છોડની આસપાસ રમતાં બાળકો ઉપર તો આ ખૂબ મોટું જોખમ છે જ! હાલ કેરળની સરકારે પોતાના નિયંત્રણમાં આવતા 2500થી વધુ મંદિરોમાં કરેણના ફૂલ ચડાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ભારતભર દરેક જગ્યાએ કરેણનો છોડ ઉગે છે. આમતો કરેણ એટલેકે ઓલિયંડરમાં ઔષધીના ગુણો હોય છે. તેના મૂળ, છાલમાંથી નીકળેલા તેલથી ત્વચાના રોગ મટે છે. તેનો ઉલ્લેખ ચરક સંહિતા, નીઘંટુ જેવા ગ્રંથોમાં પણ મળે છે. કુષ્ટ રોગમાં પણ તે ઉપયોગી સાબિત થઇ શકે છે. તે વાયુ પ્રદૂષણ રોકતું હોવાથી તેને રોડની સાઈડમાં લગાવવામાં આવે છે. ભાવપ્રકાશ નામના ગ્રંથમાં કરેણને વિષાક્ત ગણાવાયું છે અને વ્રણ, કુષ્ઠ, કૃમિ, કંડુ વગેરે વ્યાધિઓમાં તેનો દવા તરીકે ઉપયોગ વર્ણવ્યો છે.
કરેણમાં ઔષધીના ગુણો હોવા છતાં તેનાથી ચેતવાની જરૂર છે, દક્ષિણ એશિયામાં તેનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે પણ થાય છે. ઓલિયંડરને સળગાવાથી તેમાંથી જે ધુમાડો નીકળે તે ખૂબ ઝેરીલો હોય છે. આ છોડના ફૂલ, પત્તાના સેવનથી ઉલ્ટી, ચક્કર, ઝાડા આવવા જેવી મુશ્કેલી થઈ શકે છે.ઓલિયંડરની સાઈડ ઈફેક્ટ ત્રણ દિવસ સુધી રહી શકે છે. આ સિવાય ઓલિયંડરના સેવનથી હાર્ટ અટેક પણ આવી શકે છે.
More Stories
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..
‘માનસ માતુ ભવાની અને કીરવાની’ બાપુનીકથા એટલે ક્ષણનો સાક્ષાત્કાર !
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ ( 1870-75) : અંગ્રેજોએ એમને શા માટે પદ ભ્રષ્ટ કર્યા હતા ?