CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Friday, November 15   4:46:56

ગરમીમાં ખૂબ અનુકૂળ હોવાથી લોકપ્રિય એવાં ચિકનના વસ્ત્રોનો આકર્ષક ઈતિહાસ

ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે ચિકનકારીનાં વસ્ત્રોની પણ સિઝન શરૂ થશે. ગરમીમાં ખૂબ અનુકૂળ હોવાથી લોકપ્રિય એવાં ચિકનના વસ્ત્રોનો ઈતિહાસ પણ એની જેટલો જ આકર્ષક છે.

ચિકનકારી એ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની પરંપરાગત હસ્તકલા છે. લખનૌ તેની સુંદર સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતું છે. બાબરથી માંડીને બ્રિટિશ શાસન સુધીની લાંબી મજલ કાપવા છતાં તેણે તેના કલા સ્વરૂપો અને સ્થાપત્યમાં શુદ્ધતા જાળવી છે. દાખલા તરીકે, માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ એવી ચિકનકારી બનાવવામાં લખનૌએ તેની સર્વોપરિતા સાચવી રાખી છે.

આમ તો આ કળા ઈ.સ. પૂર્વે ત્રીજી સદીની , એટલેકે આશરે સાડા પાંચ હજાર વર્ષ જૂની છે એવું ગ્રીક ઇતિહાસકાર મેગેસ્થેનિસએ નોંધ્યું છે. પણ ભારતમાં ૧૬મી અને ૧૭મી સદીમાં મુગલ કાળમાં દિલ્હીમાં તેનો વિકાસ થયો. મુગલકાળના અસ્તની સાથે આ કળાના કારીગરો દેશભરમાં વિખેરાઈ ગયા. તેમાંથી કેટલાક અવધ (લખનૌ)માં આવીને સ્થાયી થયા.

લખનવી ચિકનકારી એ વિવિધ કાપડ પર વિશિષ્ટ પેટર્ન બનાવવાની એક નાજુક કળા છે. ચિકનકારી ભરતકામનું મૂલ્ય કાપડના પ્રકાર, કાપડની જાડાઈ અને તેના પર થતાં ભરતકામ પર આધાર રાખે છે. તે કોટન, મલમલ, સિલ્ક, શિફોન, ઓર્ગેન્ઝા, નેટ વગેરે કાપડ પર કરી શકાય છે.

ચિકન શબ્દ ટર્કિશ શબ્દ ‘ચિખ’ પરથી આવ્યો છે. તેનો હિન્દીમાં અર્થ થાય છે ‘નાના છિદ્રો’. આ ભરતકામમાં સૌપ્રથમ કાપડ પર લાકડાના બ્લોક વડે ડિઝાઇન કોતરવામાં આવે છે. આ માટે મોટે ભાગે ગળી, સફેદો અને ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ફ્રેમમાં ફેબ્રિક સેટ કરીને પ્રિન્ટિંગ પર એમ્બ્રોઇડરીનું કામ શરૂ થાય છે. અગાઉ ચિકનકારી કામ સફેદ રંગના સુતરાઉ દોરાથી કરવામાં આવતું હતું. આજે પણ દોરા તો સુતરાઉ જ વપરાય છે પરંતુ બદલાતા સમય સાથે દોરાના રંગમાં ફેરફાર થતો જાય છે. અને હવે ચિકનકારી લગભગ દરેક રંગના દોરાથી કરવામાં આવે છે. ચિકન કલામાં મોટે ભાગે વેલ, બુટી, ફૂલ વગેરે જેવા ફૂલોની પેટર્ન જોવા મળે છે.

ચિકનકારીના વૈશ્વિક સ્તરે જવાની સાથે તેમાંથી બનતાં વસ્ત્રો પણ પરંપરાગત કુર્તાઓમાંથી, વન-પીસ ડ્રેસ, ટ્યુનિક, ફ્રોક્સ, હોટ પેન્ટ્સ અને મિડીઝ જેવા વધુ સમકાલીન પોશાકમાં વિકસિત થયા છે.

અભિનેત્રીઓ લગ્ન પૂર્વે કે લગ્ન ઉત્સવો દરમિયાન ટોચના ફેશન ડિઝાઇનરો દ્વારા ડિઝાઇન કરાયેલા ચિકનકારી લહેંગા, ગાઉન અને અનારકલી પહેરતી હોવાથી ચિકનકારીએ તેનું યોગ્ય મીડિયા એટેંશન મેળવવાનું શરૂ કર્યું છે. હોલીવુડની અગ્રણી મહિલાઓ પણ હાઈપ્રોફાઈલ એવોર્ડ નાઈટ્સમાં ચિકનકારી ગાઉન પસંદ કરતી હોવાથી હવે લખનૌની ચિકનકારી તમામ સ્થળોએ જવા માટે તૈયાર છે.