CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Tuesday, April 1   10:06:48

ગીતાંજલિ ઐયર : સ્મૃતિ વિશેષ

10-06-2023, Saturday

લેખક : દિલીપ એન મહેતા

દુરદર્શનના રાષ્ટ્રીય પ્રસારણની કેટલીક પ્રથમ ન્યુઝ એન્કર્સ માંની એક સુવિખ્યાત ન્યુઝ રીડર ગીતાંજલિ ઐયરનું સાત જુને અવસાન થયું.
ગીતાંજલિ છેલ્લા ઘણા સમયથી પાર્કિંન્સનથી પીડાઈ રહી હતી.
વરિષ્ઠ જર્નલીસ્ટ તરીકેની ત્રીસ વર્ષની સુદીર્ઘ અને પ્રસંશનીય સેવાઓ બદલ એને ઘણા એવોર્ડઝ પ્રાપ્ત કરેલા.
કોલકતાની લોરેટો કોલેજની ગ્રેજ્યુએટ ઐયરે ૧૯૭૧માં દુરદર્શન કેન્દ્રમાં ન્યુઝ રીડર તરીકે જોડાઈને પોતાની કારકિર્દીનો આરંભ કરેલો.
૧૯૮૯માં એને ઇન્દિરા ગાંધી પ્રિયદર્શીની એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો.
ગીતાંજલિની સાથે જ દૂરદર્શન કેન્દ્રમાં ન્યુઝ રીડર્સ તરીએ સેવા આપનારા કેટલાક ચહેરાઓ જેવા કે રીની સાઈમન , નિધિ રવિન્દ્રન,સલમાસુલતાન, જે બી રમન, તેજેશ્વર સિંઘ , સુનીત ટંડન વગેરે આજે તો એક મધુર સ્મૃતિ રૂપે માનસપટ પર ક્યારેક ઉભરે છે, પરંતુ , પત્રકારિતાનો એ એક એવો યુગ હતો જ્યાં સ્ક્રીપ્ટ માં લખાયેલા શબ્દોનું એક દાયિત્વ હતું, અને અનેક પડકારો અને સરકારી બંધનો વચ્ચે પણ દેશના પત્રકારો એ દાયિત્વને નિષ્ઠા પૂર્વક નિભાવવા માટે પ્રયત્નશીલ હતા.
૧૯૮૭ માં હિમાલયન ટ્રેકિંગ અને પર્વતારોહણ શિબિરો દરમ્યાન મારે આવા જ એક ન્યુઝ રીડર્સ આશિષ સિંહા સાથે બે સપ્તાહ રહેવાનું બનેલું,ત્યારે એમના મુખેથી ઘણી રસપ્રદ વાતો સાંભળવા મળેલી. પત્રકારીતાના થોડાક પાઠ એમણે પણ મને શિખવાડેલા, એ આજે સ્મૃતિ પટ પર આવે છે. સિંહાએ આ દુનિયામાંથી જલ્દી વિદાઈ લઇ લીધેલી.
ડીજીટલ અને પ્રિન્ટ મીડિયામાં આજે પણ અધમની સાથે ઉત્તમ ચાલી રહ્યું છે. બધું જ રસાતાળ ગયું છે, એવા સૂર કાઢવાનો કોઈ અર્થ નથી.
આજે પણ ઘણા સનિષ્ઠ પત્રકારો ખુબ શાંત ચિત્તે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. પરંતુ, ચોક્કસ, ઐયર અને બીજા સમકાલીન ન્યુઝ રીડરોએ પોતાની અસાધારણ પ્રતિભા અને કૌશલ્યના બળે જે રીતે તત્કાલીન દર્શકોને પ્રભાવિત કર્યા એવો પ્રભાવ , એવું તેજ , એવી પ્રતિભા હવે બેટરી લઈને શોધવી પડે તેવી હાલત છે.
ન્યુઝ રૂમ માંથી હવે sobriety અને grace લગભગ નામશેષ રહ્યા છે અને કેવળ તીક્ષ્ણ અવાજો વહેતા રહે છે!
એ જમાનામાં રાત્રીના નવ એ ખરા અર્થમાં પ્રાઈમ ટાઈમ ગણાતો હતો. સમાચાર સાચે જ માહિતીરૂપ હતા અને નહીં કે કેવળ ઘોંઘાટ !
વચ્ચે યુવા પત્રકાર મિત્ર રાકેશ દવેએ એની ફેસબુક પોસ્ટમાં એક ન્યુઝ એન્કરનો વિડીયો પોસ્ટ કરેલો. એ યુવાન મહિલા યુક્રેન –રશિયા યુધ્ધનું જીવંત પ્રસારણ કરી રહી હતી, પરંતુ એના મન હ્રદય પર યુદ્ધની વિભીષિકા ક્યાંય દેખાતી નહોતી! બક્ષીની ભાષામાં એ માત્ર એક લંગૂરની જેમ કુદાકુદ કરતી હતી!
આજે તો સોશિયલ મીડિયાના વધી રહેલા પ્રભાવને લીધે માહિતીનું કોઈ મહત્વ જ નથી રહ્યું. એક યુગાંતર થઇ ચુક્યું છે, અને રાજકીય ધ્રુવીકરણની પક્કડમાં મીડિયા એનો ગ્રેસ અને ગ્લોરી ગુમાવી ચુક્યું છે.
LOUDER IS BETTERનો મહામંત્ર જ્યાં ગુંજી રહ્યો હોય ત્યાં sobrietyના અસ્તિત્વની વાત જ ક્યા કરવાની?
મીડિયામાં એક એવો નેરેટિવ ડોકાઈ રહ્યો છે જ્યાં બે પક્ષો સામસામે સ્વસ્થ ચર્ચાને બદલે શાબ્દિક યુધ્ધ કરી રહ્યા છે.
ઐયર અને એના સમકાલીનોએ જે ઉચ્ચ ધોરણો /માપદંડો પ્રસ્થાપિત કરેલા એવા ધોરણો હવે મારી પેઢીના દર્શકો માટે મધુર સ્મરણ કથાનો એક હિસ્સો છે , અને એથી વિશેષ કશું નથી.
ગીતાંજલિ અને એના સાથીઓ જે વિરાસત મુકીને ગયેલા એ પ્રાઇવેટ પ્લેયર્સ દવારા દફન થઇ ચુકી છે, અને TRP નામની એક નફફટ ગેમ શરુ થઇ ચુકી છે!
હા, દેશના મીડિયામાંથી ઘણું નુતન અને અભિનવ ઉભરી રહ્યું છે , એની ના નથી , પરંતુ , જે કંઈ ઘટે છે, જે કંઈ ગુમાવી દીધું છે, એની ખોટ તો આજીવન રહેશે , અને ત્યારે ગીતાંજલિ ઐયર જેવી સક્ષમ, નિષ્ઠાવાન , પ્રાણવાન મહિલા પત્રકારો જરૂર યાદ આવશે. ભાવ પૂર્ણ શ્રદ્ધાંજલિ !